બાપને નિરાંત છે કે બાંકડે બેસાય છે….. કે છોકરાં મોટાં થયાં છે
બાપને નિરાંત છે કે બાંકડે બેસાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
મનને ગમતું નામ એ લેવાય છે
કે છોકરાં મોટાં થયાં છે
જે ખમીસનાં ફાટેલાં ખિસાનાં
કાણાંને છૂપાવ્યાં
એ ખમીસ જાહેરમાં સૂકાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
એ હવે મોડે સુધી મહેફિલ મહીં
જલસા કરે છે
ઘર વિષે પૂછો તો કહેશે કે, હવે જવાય છે
કે છોકરાં મોટાં થયાં છે
સ્હેજ જો ઝાઝું કદી પીવાય તો
ચિંતા નથી કૈં લેશ મનમાં
પાસ ઉભા પુત્રનો ટેકો હવે લેવાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
જીંદગી ભર જે ગલીને
ચાતરીને નીકળ્યા’તા એ ગલીમાં
હાથ ઝાલી પુત્રીનો , નીકળાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
જે છૂપાવી રાખીતી જૂના કબાટે
જાળવીને આજ સુધી
ડાયરી એ ઓશિકે મુકાય છે
કે છોકરાં મોટાં થયાં છે
કેટલો હરખાય છે એ બાપ
બસ મનમાં ને મનમાં જીંદગીભર
છોકરાંના નામથી ઓળખાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
છોકરાંનાં નામ પાછળ નામ થઇ
સચવાઇ ચાલ્યા પેઢીઓ લગ
એ રીતે જીવ્યા પછી પણ કેટલું જીવાય છે
કે છોકરાં મોટાં થયાં છે.
– તુષાર શુક્લ