દિવ્યાભારતી ની આત્મહત્યા કે ખૂન ? – વાંચીને હૈરાન થઇ જશો
૧૯૯૦ના શરૂઆતના વર્ષોમાં હિન્દી ફિલ્મ જગત ઉપર એક નટખટ,લાવણ્યમયી અને ચપલ અભિનેત્રી એકદમ છવાઇ ગઇ હતી.ઉંમર હતી માંડ ઓગણીસ વર્ષની!ફિલ્મોમાં એનો લાજવાબ અભિનય,બુલબુલની પાંખની જેમ નાચતી આંખો,ગૌરવર્ણી ચંચળ ચહેરો,મોહક ઝુલ્ફો અને કમનીય કાયાએ થોડા સમયમાં એના લાખો પ્રશંસકો ઊભા કરેલા.આ અદાકારા એટલે દિવ્યા ભારતી!સાત સમંદર પાર મેં તેરે પીછે-પીછે આ ગઇ…!
૧૯૭૪માં એક વીમા એજન્ટની ઘરે જન્મેલી દિવ્યા ભારતીએ બહુ ઓછી ઉંમરમાં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.ઉતાવળ એની ઓળખ હતી.પહેલા તમિલ-તેલુગુ ફિલ્મોમાં કામ કર્યા બાદ તેણે બોલિવુડમાં પદાર્પણ કર્યું.૧૯૯૨ના એક વર્ષમાં જ તેણે બાર ફિલ્મો આપેલી!એમના બે વર્ષના અભિનયમાં દિવ્યા ભારતી એ સમયની સૌથી સફળ અભિનેત્રી બની ગયેલી.
“વિશ્વાત્મા” ફિલ્મમાં તેણે અભિનય કરેલ ગીત “સાત સમંદર” અત્યાધિક સફળ ગયું.આજે દિવ્યા ભારતીને લોકો ભુલી નથી શક્યા એમાં ઘણો મોટો ફાળો આ એક ગીતનો છે એમ કહી શકાય.”દિવાના” માટે એને સૌથી શ્રેષ્ઠ નવોદિત ફિલ્મ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળેલો.તેમણે અભિનય કરેલ ફિલ્મ “શોલા ઔર શબનમ” પણ જબરદસ્ત હિટ રહી હતી.એ ઉપરાંતની તેમની ફિલ્મો રંગ અને શતરંજ તેમના મરણ પછી રીલીઝ કરવામાં આવેલી.નાની ઉંમરમાં દિવ્યા ભારતીએ પોતાને એક શક્તિશાળી અભિનેત્રી પુરવાર કરી.સાત સમંદર,ઐસી દિવાનગી અને આપ જો મેરે મીત ના હોતે જેવા સદાબહાર ગીતોમાં તેણે અભિનય કરેલો.લોરેન્સ ડિસોઝાની ફિલ્મ “દિલ કા ક્યાં કસુર”માં પણ દિવ્યા ભારતીએ પ્રશંસનીય અભિનય કરેલો.
ફિલ્મ “શોલા ઔર શબનમ”ના સેટ પર ગોવિંદાએ દિવ્યાની મુલાકાત ડાયરેક્ટર સાજિદ નડીયાદવાલા સાથે કરાવેલી.ત્યારે બાદ એકબીજા વચ્ચે પરિચય વધ્યો,આકર્ષણ અને પ્રેમ વધ્યો અને સાજિદ અને દિવ્યાના લગ્ન થયાં.
પણ કમનસીબે ફિલ્મી જગતના આ ઉગતા સિતારાને દારૂણ રીતે આથમવાનો સમય આવ્યો.૬ એપ્રિલ,૧૯૯૩ની વહેલી સવારે મુંબઇ સહિત આખા ભારતમાં એક આઘાતજનક ખબર ફેલાઇ ગઇ કે,મુંબઇમાં આગલી રાત્રે તુલસી એપાર્ટમેન્ટના બિલ્ડિંગની પાંચમાં માળની બારીમાંથી પડતા મશહુર એક્ટ્રેસ દિવ્યા ભારતીનું મોત નીપજ્યું છે!ફિલ્મજગતમાં પૂર્ણશોકની લાગણી છવાઇ ગઇ.બોલિવુડની સુંદરત્તમ અભિનેત્રી આ ફાની દુનિયા છોડીને ચાલી ગઇ હતી,માત્ર ૧૯ વર્ષની કુમળી વયમાં…!
અધિકૃત રીપોર્ટ અનુસાર દિવ્યા ભારતીનો દારૂણ અંત એ એક ભુલથી થયેલો અકસ્માત હતો.પણ આજે પણ ઘણાં લોકો આ વાતને માનવાને તૈયાર નથી.કેટલાકના મતાનુસાર આ આત્મહત્યા હતી તો અમુક ધારણા એવી પણ છે કે આની પાછળ એમના પતિ સાજિદનો હાથ હતો!મુંબઇ પોલીસે ઘણી મથામણ કરવા છતાં કોઇ અસામાન્ય ઘટના સાબિત થાય તેવો પુરાવો હાથ નહોતો લાગ્યો.૧૯૯૮માં તેણે આ કેસ બંધ કરીને આ એક અકસ્માત હોવાનું તારણ કાઢેલું પણ એ છતાં આજે ઘણા લોકો માને છે કે તથ્ય કાંઇક અલગ છે.
શું થયું હતું એ રાત્રે ?
૫ એપ્રિલ,૧૯૯૩ની રાત્રે ચેન્નાઇથી ફિલ્મ શુટિંગ કરીને દિવ્યા ભારતી મુંબઇમાં વર્સોવા,અંધેરી વેસ્ટમાં આવેલ તુલસી એપાર્ટમેન્ટના પોતાના બંગલે આવી.એ દિવસે જ એમણે મુંબઇમાં નવો બંગલો ખરીદેલો તેની ડીલ ફાઇનલ કરેલી.એ રાત્રે લગભગ દસ વાગ્યે એમની ફેશન ડિઝાઇનર ફ્રેન્ડ નીતા લુલ્લા અને તેમનો પતિ દિવ્યાના ઘરે આવ્યા.કહેવાય છે કે,દિવ્યાએ ડ્રેસ સિલેક્શન માટે નીતાને બોલાવેલ.એ પછી ત્રણેએ શરાબ પીધો.પછી તથ્ય અનુસાર,દિવ્યા એ પાંચમા માળના રૂમની બારી પાસે જઇ ઊભી.બિલ્ડિંગમાં કોઇ ઝરૂખા નહોતા અને જ્યાં દિવ્યા ઊભેલી એ ગ્રીલ વગરની વિન્ડો હતી.નીતા અને તેમનો પતિ ટી.વી.જોવા લાગ્યા.વિન્ડો પાસે ઉભીને દિવ્યાએ એની નોકરાણી સાથે ઉંચા અવાજમાં વાત કરી હોવાનું પણ કહેવાય છે.
અને એ પછી અચાનક દિવ્યાનો પગ લપસ્યો અને તે નીચે જઇ પડી.નીચે ઘણી કારો પાર્ક થયેલી રહેતી પણ આજે ત્યાં એકપણ કાર નહોતી.એ સમય હતો રાતના ૧૧:૩૦ આસપાસનો.ગ્રાઉન્ડ ફ્લોર પર પડેલી દિવ્યાને તાત્કાલીક નજીકની કૂપર હોસ્પિટલમાં લઇ જવામાં આવી પણ કમનસીબે તે બચી ન શકી.હજુ તો તેના લગ્ન થયાંને પણ એક વર્ષ માંડ થયેલું!
ઘણાં લોકોને આ વાતમાં કશુંક રંધાતું હોવાની ગંધ આવે છે.અમુકને આ એક્સિડેન્ટ નહિ પણ આત્મહત્યા લાગે છે,તો અમુકને ષડ્યંત્ર !પણ એ વાતો હજુયે માત્ર અટકળો જ છે.
એક વાત મુજબ કહેવાય છે કે,દિવ્યાના પતિ સાજિદ નડીયાદવાલાને મુંબઇના અન્ડરવર્લ્ડ સાથે કનેક્શન હતું અને દિવ્યા આ વાતને લઇને નારાજ હતી.આથી તેણે આ આત્મઘાતી પગલું જાતે ભર્યું હતું.સવાલ એ થાય કે આ આત્મહત્યા હોય તો પછી દિવ્યાએ શા માટે નવો બંગલો ખરીદ્યો,મિત્રોમાં એની ખુશી વહેંચી ને રાત્રે નીતા અને તેના પતિ સાથે આનંદ કર્યો ?
ઘણાંના કહેવા મુજબ પતિ સાજિદે જ દિવ્યાના અંત માટે આ ષડ્યંત્ર રચેલું!પણ હક્કીકત શું છે એ વિશે કોઇ આધાર નથી.અને માટે આને એક યોગાનુયોગ કે પછી એક આકસ્મિક પ્રસંગ જ માનવો રહ્યો.
અલબત્ત,જે હોય તે પણ એક વાત તો સાચી છે કે બોલિવુડે એક બહેતરીન અભિનેત્રી બહુ ટૂંક સમયમાં ગુમાવી દીધેલી.દિવ્યા ભારતી એક શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે સદાય યાદ રહેશે
સંકલન – Kaushal Barad