Mojemoj.com

Best Gujarati Blog

જેને વાંચવામાં આપણે બધાં ગોથાં ખાઇએ, એવા ડોક્ટરોનાં ગરબડિયા અક્ષર પાછળનું રહસ્ય

સામાન્ય રીતે દરેક લોકો ડૉક્ટર અને ડૉક્ટરનાં ગરબડિયાં અક્ષરથી વાકેફ જ હશે. જ્યારે પણ આપણે બીમાર પડીએ એટલે ડૉક્ટર પાસે જઇએ. ડૉક્ટર મૌખિક સલાહ-સુચનની સાથો-સાથ કેટલીક દવાઓનું પ્રિસ્ક્રિપ્શન પણ લખી આપે અને આ પ્રિસ્ક્રિપ્શન ખૂબ જ અટ્ટ-પટ્ટા અને ગરબડિયા અક્ષરોમાં લખેલું હોય છે. આવુ લખાણ જોઈને થોડીવાર તો આપણને પણ એવું લાગે કે, આટલું ભણેલા-ગણેલા ડોક્ટરો અને આવા બેકાર અક્ષર!! જો તમારાં મનમાં પણ આવા સવાલો ઉભા થતા હોય, તો ચાલો આજે અમે તમને આવા ગરબડિયાં અક્ષર પાછળનું સાચું કારણ જણાવી દઈએ.

સામાન્ય લોકો માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વાંચવુ, એ ખૂબ જ મુશ્કેલ હોય છે. એ તો કોઈ કેમિસ્ટ કે મેડીકલ લાઇનનો માણસ જ સમજી શકે. જોકે, તમને જણાવી દઈએ કે, મેડીકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્રારા દરેક ડૉક્ટરને ગાઈડલાઈન આપવામાં આવી છે કે, ડૉક્ટરે એનાં પ્રિસ્ક્રિપ્શન સ્પષ્ટ અને કેપિટલ અક્ષરોમાં જ લખવાના રહેશે અને સાથો-સાથ ડૉક્ટરે પોતાના દરેક દર્દીને એ પ્રિસ્ક્રિપ્શન વ્યવસ્થિત રીતે સમજાવવું. કઈ દવા કઇ બીમારી માટે છે? એનું નામ શું છે ? વગેરે.. જોકે, મોટાભાગનાં ડૉક્ટરો આવુ નથી કરતા અને તેથી જ એમણે લખેલું પ્રિસ્ક્રિપ્શન દર્દી માટે એક કોયડો બની જતો હોય છે.

દોસ્તો, ચાલો હવે આ કોયડો બની ગયેલ પ્રિસ્ક્રિપ્શન અને ગંદી હેન્ડરાઇટીંગનું રહસ્ય જાણીએ. હમણાં જ એક મહિલા ડૉક્ટરને આ વિશે પૂછવામાં આવ્યુ, તો તેણીનો જવાબ હતો કે, ડૉક્ટર બનતા પહેલાં મેડીકલનાં વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરે છે. મેડીકલનાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઓછાં સમયમાં ઘણાં એક્ઝામ કમ્પલીટ કરવાનાં હોય છે અને એટલાં માટે તેમને જલ્દી લખવાની આદત પડી જતી હોય છે. આમ, ખૂબ જ ઝડપથી લખવાને કારણે તેઓની હેન્ડ-રાઇટીંગ ખરાબ થઈ જાય છે. જે સામાન્ય માણસ સમજી શકતો નથી.

આ સાથે જ બીજો પ્રશ્ન એવો પણ થાય કે, તો પછી કેમિસ્ટ કે મેડીકલવાળા કઇ રીતે ડૉક્ટરનાં આવા ગંદા અક્ષરો સમજી જાય છે? આનો જવાબ એ છે કે, મોટાભાગનાં ડૉક્ટરો જલ્દી લખી શકાય એ માટે કેટલાંક કોડનો ઉપયોગ કરતા હોય છે અને મેડીકલ ભાષાનાં આવા કોડ ફક્ત મેડીકલ ક્ષેત્રમાં કામ કરતા લોકો જ સમજી શકે.

કેમિસ્ટ લોકોને તો આ રોજનું કામ હોય છે, એમને કાગળ જોઈને જ ખ્યાલ આવી જાય કે, કઇ દવાનું શું નામ છે અને એને કઇ રીતે લખી શકાય. આ જ કારણ છે કે, તમે કોઈપણ મેડીકલવાળા પાસે પ્રિસ્ક્રિપ્શન લઈને જાવ એટલે જોતાવેંત જ એ લખેલી દવા કાઢીને તમને આપી દેશે.

સંકલન-લેખન : ઈલ્યાસભાઈ

નોંધ: ‘જ્ઞાન સાથે ગમ્મત’ ટીમની લેખિત મંજુરી વગર આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવાની મનાઈ છે.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!