ખલીલ જીબ્રાને આપેલા ૨૦ જગ મશહુર અને જીવન પરીવર્તક વાક્યો
ખલિલ જીબ્રાન એટલે એવી જબરદસ્ત ફિલોસોફર વ્યક્તિ કે જેણે આપેલા વિચારો આજે ગીતા અને બાઇબલ સમકક્ષના ગણાય છે!આવી સિધ્ધી લાખોમાં એક વ્યક્તિને વરે છે.જીબ્રાન એમાંના એક હતાં.જેણે લખેલો એક-એક વિચાર ક્રાંતિજનક નીવડ્યો છે,અનેક લોકોના જીવન પરીવર્તન કરવામાં નિમિત્ત બન્યો છે.
જીબ્રાનનો જન્મ ૬ જાન્યુઆરી,૧૮૮૩ના રોજ લેબનાનના એક નગરમાં થયેલો.ત્યારબાદ તેઓ ન્યુયોર્ક સ્થાયી થયેલા.અરબી ભાષાના સર્વશ્રેષ્ઠ કવિઓમાં જીબ્રાનનો સમાવેશ થાય છે.તેઓ અચાનક જ કોઇ કાગળ પર,સિગારેટના ખોખા પર કે ફિલ્મી જાહેરાતોના પોસ્ટર પર એમને સુજી આવતી એકાદ પંક્તિ લખી નાખતા.તેમની સેક્રેટરીએ આ બધું સાહિત્ય એકત્ર કરેલું અને બાદમાં જ્યાં ત્યાં લખાયેલી આ પંક્તિઓ ક્રાંતિસર્જક નીવડેલી!ખલિલ જીબ્રાન એક ઉત્તમ ચિત્રકાર પણ હતાં.એમની માથાફરેલ અને ક્રાંતિકારી વિચારધારાને લીધે એમને પાદરીઓનો રોષ વહોરવો પડેલો.દેશનિકાલની સજા પણ તેઓ વહોરી ચુક્યા હતાં.૧૦ જાન્યુઆરી,૧૯૩૧ના રોજ કાર અકસ્માતમાં તેમનું અવસાન થયેલું.
તેમણે રચેલ ૨૬ ગદ્યાપદ્ય પ્રકારના કાવ્યોના સંગ્રહયુક્ત “The Prophet”પુસ્તક વિશ્વપ્રસિધ્ધી પામ્યું હતું.વિશ્વની અનેક ભાષાઓમાં તેના અનુવાદ થયાં છે.ગુજરાતીમાં તેનો અનુવાદ કિશોરલાલ મશરૂવાલાએ “વિદાયવેળાએ”નામથી કરેલો છે.
આવો અહીં જાણીએ ખલિલ જીબ્રાને આપેલા જગમશહુર ૨૦ વાક્યો કે જેમણે જગતભરમાં ક્રાંતિ લાવવાની સાથે અનેક લોકોના જીવન પરીવર્તન કર્યાં છે –
(1) સત્યને જાણવું જોઇએ પણ એને કહેવું ક્યારેક-ક્યારેક જોઇએ.
(2) જેની મને તમારા કરતાં વધારે જરૂર છે અને તમે મને એ વસ્તુ આપી દો એ દાતારી નથી,બલ્કે દાતારી તો એ છે કે તમે મને એ વસ્તુ આપી દો જેની જરૂર મારા કરતાં તમારે વધુ છે!
(3) સુખોની ઇચ્છાની એ જ દુ:ખોનો ભાગ છે.
(4) જો તમારી અંદર કાંઇક લખવાની પ્રેરણાનો અનુભવ થાય તો તમારી અંદર આ પરીબળો હોવા જરૂરી છે – એક તો જ્ઞાનકળાનો જાદુ,બીજું શબ્દોના સંગીતનું જ્ઞાન અને ત્રીજું દર્શકોને આકર્ષવાનો જાદુ.
(5) જો તમારા હાથ રૂપિયાથી ભરેલા છે તો પછી તે પ્રભુની પ્રાર્થના માટે કેવી રીતે ઉપર ઉઠી શકે!
(6) જે પુરુષ સ્ત્રીના નાના-નાના અપરાધોને માફ નથી કરી શકતો એ કદાપિ સ્ત્રીના મહાન ગુણોને જાણી નથી શકતો.
(7) મિત્રતા એક સુમધુર જવાબદારી છે,નહિ કે સ્વાર્થ સાધવાનો મોકો!
(8) મંદિરના બારણાં પાસે આપણે બધાં જ ભિખારી છીએ.
(9) જો મહેમાન ના હોત તો બધાં ઘર કબ્રસ્તાન હોત!
(10) જો તમારા હ્રદયમાં જ ઇર્ષ્યા અને નફરતનો જ્વાળામુખી ધખધખી રહ્યો હોય તો તમે પોતાના હાથોમાં ફુલોના ખીલવાની આશા કેવી રીતે રાખી શકો!
(11) સારો માણસ એ જ છે જે એવા લોકો સાથે હળીમળીને રહે જેને સમાજ હલકાં ગણે છે.
(12) બીજાના અપરાધોને જાણવાથી મોટો અપરાધ અન્ય કોઇ હોય જ ના શકે.
(13) ખરેખરો મહાત્મા એ જ છે જે ન તો પોતે કોઇને કાબુમાં રાખે છે કે ન તો પોતે કોઇની કાબુમાં રહે છે!
(14) અતિશ્યોક્તિ એક એવી વાસ્તવિકતા છે જે પોતાની જાતમાંથી બહાર નીકળી ગઇ છે!
(15) પોતાના ગજાથી વધુ દેવું એ છે દાનવીરતા અને પોતાની જરૂરિયાતથી ઓછું લેવું એ છે સ્વાભિમાન.
(16) સંસારમાં માત્ર બે જ તત્વો છે – એક સૌંદર્ય અને બીજું સત્ય,સૌંદર્ય પ્રેમીઓના હ્રદયમાં છે અને સત્ય ખેડુતોના બાવડામાં!
(17) ઇચ્છા અડધું જીવન છે અને ઉદાસી અડધું મોત!
(18) નિ:સંદેહ મીઠામાં એક વિલક્ષણ પવિત્રતા છે,એટલે જ તો એ આપણા આંસુમાં પણ છે અને સમંદરમાં પણ!
(19) જો તમે નાત-જાત,દેશ અને વ્યક્તિગત પક્ષપાતોથી જરા ઉપર ઉઠશો તો નિ:શંક તમે દેવતાઓની સમાન બની જશો!
(20) એ ના ભુલો કે ધરતી તમારા ચરણને અનુભવીને ખુશ થાય છે અને પવન તમારા વાળની સાથે રમવા માંગે છે.
[ ખલિલ જીબ્રાનની એક પ્રખ્યાત કવિતા “Piety the nation”/એ દેશની દયા ખાજોનો ગુજરાતી અનુવાદ મકરંદ દવેએ બહુ સરસ રીતે કર્યો છે.જીબ્રાન કહે છે કે જે દેશમાં આવી વિચારધારા,આવા તત્વો,આવા રાજા અને આવા લોકો હોય એ દેશ ખરેખર અધોગતિના પંથે છે અને એ દયા ખાવા યોગ્ય છે.અલબત્ત કેવા દેશની ? જવાબમાં વાંચો આ કવિતા –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં –
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
રચયિતા – ખલિલ જીબ્રાન
અનુવાદક – મકરંદ દવે