Mojemoj.com

Best Gujarati Blog

જ્યારે એક બાળકીના આત્માને શાંતિ આપવા ઓસ્ટ્રેલિયામાં કિર્તીદાને ગાયું મારી લાડકી ગીત

અત્યારે લગભગ પ્રત્યેક ગુજરાતી કિર્તીદાન ગઢવીના નામથી અજાણ નહી હોય.માત્ર ગુજરાતી જ નહી,પણ અન્ય રાજ્યોના સંગીતપ્રેમી લોકો પણ કિર્તીદાન ગઢવીના ચાહક છે.ગુજરાતી લોકસંગીત,સુફી સંગીત અને આધુનિક અને પૌરાણિક સંગીતના ગાયક તરીકે કિર્તીદાન આજે અત્યંત મશહુર છે.એમના લોકડાયરાના પ્રોગામોમાં અધધ.. રૂપિયાનો વરસાદ થાય છે.સૌરાષ્ટ્ર,ઝાલાવાડ,કચ્છ,હાલાર,મધ્ય અને દક્ષિણ ગુજરાત,ઉત્તર ગુજરાત અને દુનિયાના કોઇપણ ખુણે વસતા ગુજરાતીઓમાં કિર્તીદાન ગઢવી બહુ ફેમસ થઇ ચુક્યા છે.નવરાત્રીમાં તેમના ગરબા પણ બહુ ધુમ મચાવે છે.

7 વર્ષની દીકરી નો મારી લાડકી પરનો અદભુત ડાન્સ જોવાનું ચૂકશો નહિ

બોલિવુડમાં પણ કિર્તીદાન પદાપર્ણ કરી ચુક્યા છે.લોકડાયરાના કાર્યક્રમોમાં સાયબો રે ગોવાળીયો,ગાયોના ગોવાળીયા,તેરી દિવાની,એ રી સખી,મોગલ છેડતાં કાળો નાગ,રામદેવપીરનો હેલો વગેરે ગીતો તેમના કંઠથી ખાસ્સા લોકપ્રિય થયેલા છે.લોકડાયરામાં તેઓ હિન્દી ફિલ્મી ગીતોને પણ અલગ રીતના રજૂ કરે છે.ખાસ કરીને બોલીવુડ ફિલ્મ “આશિકી-૨”ના ગીતો બહુ લોકપ્રિય થયેલા છે.

દરેક ફિલ્ડના ગીતોને તેઓ ગાઇ શકે છે.ગુજરાતી લોકસંગીતને ભારતભરમાં ખ્યાતિ અપાવવાનું તેમનું ધ્યેય છે.વિદેશોમાં પણ તેમના કાર્યક્રમો થઇ ચુક્યા છે.કિર્તીદાન મુળે ચારણ અને ચારણોની જીભે સરસ્વતીનો વાસ હોય એ વાત ઘણી જાણીતી છે.એમના પિતા પણ સંગીતના ક્ષેત્ર સાથે સંકળાયેલા હતાં.

કિર્તીદાન ગઢવીએ વલ્લભવિદ્યાનગર ખાતે બી.કોમમાં પ્રવેશ મેળવેલો.પણ સંગીત પ્રત્યે ઘણો પ્રેમ અને ચાહના હોઇ એ ક્ષેત્રમાં આગળ વધવા માટે થઇને બીજા વર્ષથી બી.કોમનો અભ્યાસ છોડી દીધેલો.એ પછી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાની મ્યુઝીક કોલેજ ખાતે પાંચ વર્ષ સુધી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરેલો.

કિર્તીદાન ગઢવી પોતાના આદર્શ તરીકે રાગી પરંપરાના ભજનીક પરમ પૂજ્ય નારાયણ સ્વામીને ગણે છે.જેમણે ગાયેલ “હે જગજનની!હે જગદંબા!…”ગીતને કિર્તીદાન પોતાનું સૌથી મનપસંદ ગણાવે છે.ભજનમાં બે પરંપરા હોય છે – એક રાગી અને બીજી વૈરાગી.રાગી પરંપરામાં લોકસંગીતની સાથે શાસ્ત્રીય સંગીત,સુફી સંગીતનો સમન્વય થતો જોવા મળે છે.નારાયણ સ્વામી તેના આદ્ય કહી શકાય.વૈરાગી ભજન પરંપરાના પ્રણેતા તરીકે પરમ પૂજ્ય કાનદાસ બાપુને ગણી શકાય.

કિર્તીદાન ગઢવીએ કોક સ્ટુડિયોમાં “મારી લાડકી”ગીત ગાયેલું,જે ખાસ્સું લોકપ્રિય નીવડેલું.કોક સ્ટુડિયો વતી મ્યુઝિક ડાયરેક્ટર સચીન-જીગર કિર્તીદાનને એક અનોખા ગીતની રજુઆત માટે કિર્તીદાનને મળેલા.ઉલ્લેખનીય છે કે,આ ગીતની રજૂઆત “મણિયારો” ઉપરથી થઇ છે.

કિર્તીદાન ગઢવી પોતાના જીવનનો એક યાદગાર પ્રસંગ વર્ણવતા કહે છે કે,તેના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન તે એકવાર ઓસ્ટ્રેલિયાના શહેર પર્થ ખાતે ગયેલા.એ વખતે તેમના પ્રોડ્યુસર પર એક કોલ આવેલો.

કોલમાં સામેની વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું કે,કિર્તીદાનને અમારે ઘરે લઇ જવા છે.પ્રોડ્યુસરે પૂછ્યું કે,એવું શું ખાસ છે કે તમારે ત્યાં કિર્તીદાન આવે ?તમે એમના કોઇ સબંધી થાઓ છો ?આ સવાલ પ્રોડ્યુસર દ્વારા એટલા માટે પુછાયેલો કે,કિર્તીદાનના તો લાખો ફેન્સ છે.એમ તે કેટલાકને ઘરે જાય…!

પણ આ મામલો જરા અલગ હતો.કોલ કરનારે કહ્યું કે,અમારી બાળકી સતત આઠ મહિનાથી દરરોજ રાત્રે કિર્તીદાનનું “મેરી લાડકી”ગીત સાંભળીને રાત્રે સુતી.હવે તે આ દુનિયામાં નથી રહી !અને અમે ઇચ્છીએ છીએ કે,કિર્તીદાન એકવાર અમારે ઘરે આવીને અમારી દિકરીની તસ્વીર આગળ “મારી લાડકી” ગીત ગાય જેથી અમારી નાનકડી પુત્રીના આત્માને શાંતિ મળે.

એ પછી પર્થ ખાતે રહેનારા એ ફેમિલીના ઘરે કિર્તીદાન ગઢવી જાય છે.એ નાનકડી દિકરીના ફોટાને પુષ્પો અર્પણ કરે છે.પાસે આખો પરીવાર બેઠો હોય છે.અને કિર્તીદાન “મારી લાડકી”ના સુર છેડે છે.સાથે-સાથે પરીવારના સદસ્યો પણ ભાવવિભોર બનીને આ ગીતની પંક્તિઓ ગાય છે અને એમની આંખોમાંથી આંસુ સરી પડે છે.વાતાવરણ ગમગીન અને ભાવવિભોર બની જાય છે.એક અદ્ભુત નજારો સર્જાય છે.

આવા પ્રસંગો સંગીતને ધન્ય કરી દે છે.જીવનને અને કરૂણતાને અનોખી નજરથી મુલવી દે છે.કલાકારો માટે પણ આ ક્ષણ ધન્ય બની જાય છે.આવી ક્ષણો શ્રેષ્ઠ હોય છે.

કિર્તીદાન ગઢવી કહે છે કે,તેઓ પોતાના ચાહકોના પ્રેમને કારણે અને મોગલ,સોનલ અને મહાદેવની કૃપાને કારણે જ આજે આટલા આગળ વધી શક્યા છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ સત્ય ઘટના જો પસંદ પડી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!