Mojemoj.com

Best Gujarati Blog

દરેક સામાન્ય પરિવાર માટે : સરળ ટિપ્સ જે મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા બચાવશે

એક દિવસ સોક્રેટીસના શિષ્યએ મોટી દુકાન (મોલ) ની શરૂઆત કરી. આ દુકાનનાં ઉદ્દઘાટન માટે સોક્રેટીસને બોલાવવામાં આવ્યાં. સોક્રેટિસ આવ્યા અને ઉદ્દઘાટન થયુ. શિષ્યએ કહ્યું ‘સાહેબ મારી આ નવી દુકાનમાં એકવીસ હજાર વસ્તુઓ છે, જેમાં જીવન-જરૂરી બધી જ વસ્તુઓ એક જ જગ્યાએથી સરળતાથી મળી રહે એવો પ્રયાસ કર્યો છે. આપને જે વસ્તું જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.’ સોક્રેટીસ હસ્યા અને બોલ્યા ‘મને આમાંથી એક પણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી અને મને તો એ વાતનું આશ્ચર્ય થાય છે કે, માણસો બિનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.’ વાર્તા પુરી થઈ….

હવે, અહીંયાથી આપણી વાર્તા શરૂ થાય છે. આપણે પણ આવી અનેક બિનજરૂરી વસ્તુ વગર ઘડીકેય નથી ચલાવી શકતા. ઓડોનીલ જેવા એર-ફ્રેશનર વગર કેટલા જણાનો શ્વાસ રૂંધાઈ ગયો? હારપીક વગર કોની લાદીમાં દાગ-ધબ્બા રહી ગયા? ફેશવોશ વગર કઈ સ્ત્રીને મુછો ઉગી નીકળી છે? હોમ થીએટર લાવીને ક્યો મરદ કલાકાર બની ગયો છે? કંડીશનરથી કોના વાળ પંચોત્તેર વર્ષ સુધી મુલાયમ અને કાળા રહ્યાં? ડાઈનીંગ ટેબલ વગર નીચે બેસીને ભોજન કરનારને શું ઘુંટણનો વા થયો છે? હેન્ડવોશ વગર આપણા ક્યાં ડોસાને કરમીયા થયાં હતા? ડિઓડ્રન્ટ છાંટીને નીકળ્યા પછી આપણને કેટલા દોડી-દોડીને સુંઘવા આવે છે? કોલડ્રીંકસ પીવાથી કોની તરસ છીપાઇ છે?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે આપણે ચેલેન્જ કરીએ છીએ.. બાકી બગલો ક્યાં શેમ્પુથી ન્હાય છે? મોરલાનો રંગ અકબંધ રાખવા મોરલો ક્યુ કંડીશનર વાપરે છે? બિલાડીને કોઈ દિવસ મોતીયા આવ્યા છે? સસલાના વાળ કોઈ દિવસ બટકણાં થયાં છે? કઈ બકરીનાં દાંતમાં કેવિટી થઈ છે? ઈન્હેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ-સુગંધ પારખે જ છે ને !!  અલાર્મ વગર કુકડો ઉઠે જ છે ને ! મધમાખીમાં હજુ ઈન્સ્યુલીનનુ ઈન્જેકશન લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે. સી.સી. ટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા?

આજકાલના માણસને દુઃખી કરવો બહુ સહેલો છે. માણસ પૈસા ખર્ચીને દુઃખી થવાની ચીજો ખરીદી લાવે છે. નેટ બંધ કરો તો દુઃખી, લાઈટ જાય તો દુઃખી, ગાડીના એક પૈડામાંથી હવા કાઢી નાખો તો દુઃખી, મોબાઈલનું ચાર્જર બગડે તો દુઃખી, ટીવીનો કેબલ કપાઈ જાય તો દુઃખી, મચ્છર મારવાની અગરબત્તી ન મળે તો દુઃખી, બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુઃખી, કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુઃખી. આ વર્તમાન સમયમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુઃખી કરી શકાય. જેમ સગવડતા વધે એમ દુઃખી થવાની શક્યતા વધતી રહે છે. જયારે કોઈ માણસ ડુંગળીના દડા સાથે બે રોટલા દબાવી પીલુડીને પેઢે પાણાનું ઓશીકુ કરીને સૂતો હોય એને દુઃખી કરવો હોય તો ખુદ ચૌદ ભૂવનના માલીકને આવવું પડે.

મિત્રો, આપણે દેખા-દેખી કરવા માટે બજારમાંથી આવી ઘણીબધી બિન-ઉપયોગી વસ્તુઓ ખરીદી લાવતા હોઇએ છીએ. આપણે આવી બિન-જરૂરી વસ્તુઓની ખરીદી ટાળવી જોઈએ. અહીંયા વાત કંજુસાઈ કે કરકસરની નથી પણ સમજણની છે. ખોટી ખરીદી અને ખોટો ખર્ચ અટકાવો અને બચત કરો.

આમ, તમે પણ આવી બિન-જરૂરી વસ્તુઓની ખરીદી અટકાવશો ત્યારે મહિને 3000 રૂપિયાથીએ વધુની બચત કરી શકશો.

 

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!