Mojemoj.com

Best Gujarati Blog

રક્તદાન કરતા પહેલા આ ૧૩ વસ્તુઓ જરૂર વાંચી લેજો – ઉપયોગી માહિતી જરૂર શેર કરજો

ઇ.સ.૧૯૭૦થી લઇને દરવર્ષે જાન્યુઆરી મહિનાને “રાષ્ટ્રીય રક્તદાતા માસ” તરીકે ઉજવાય છે.આજે વિશ્વભરમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ આવી છે.લોકો રક્તદાન કરતા થયા છે.માત્ર પોતે આપેલા થોડા લોહીથી બીજાની અણમોલ જીંદગી બચી શકે છે એ પૂણ્યને સમજતા થયા છે.એમાંયે હવે તો અનેક સંસ્થાઓ આ બાબતે જાગૃતિ લાવવાના પ્રયાસ પણ કરી રહી છે.

જાન્યુઆરી મહિનો એ રક્તદાતાઓને નામે છે કે,જેણે આ દાનની કિંમત સમજીને ઉમદા કાર્ય કર્યું છે.માટે આ મહિનાને “રાષ્ટ્રીય રક્તદાતા માસ” તરીકે ઉજવાય છે.આ પ્રસંગે સેવાભાવી એવી “રેડ ક્રોસ” જેવી સંસ્થાઓ એ દાતાઓને શુભેચ્છા સહ વંદન પાઠવે છે કે,જેણે પોતે નિયમિત રક્તદાન કર્યું છે જ્ઞને બીજાઓને એમ કરવા પ્રેર્યાં છે.લોહી એ શરીરનો મહત્વનો તરલ ઘટક છે જે શરીરના દરેક અંગો સુધી વહી અને ઓક્સિજન તથા આવશ્યક પોષક તત્વો પહોંચાડે છે.આમ,લોહી શરીરનો અતિ અગત્યનો વાહક છે.જેની કમીને લીધે વર્ષભરમાં દેશના હજારો હતભાગીઓ પોતાનો જીવ ગુમાવે છે.

આવો જાણીએ લોહી વિશેની કેટલીક રસપ્રદ માહિતીઓ અને સમજીએ કે રક્તદાન શા માટે અણમોલ છે –

1.સરેરાશ એક વ્યક્તિના પુખ્ત શરીરમાં ૫ થી ૬ લીટર અર્થાત્ ૧૦ યુનિટ લોહી હોય છે.

2.રક્તદાનમાં માત્ર એક યુનિટ લોહી જ લેવાય છે.અને શરીરમાં પણ એની ખાલી જગ્યા બહુ જ જલ્દી પુરાઇ જાય છે.

3.કોઇક વાર માત્ર એક માર્ગ અકસ્માતમાં જ ૧૦૦ યુનિટ લોહીની જરૂર પડી જાય છે!

4.એકવાર કરેલા રક્તદાનથી તમે ૩ વ્યક્તિની જીંદગી બચાવી શકો છો.

5.ભારતમાં બહુ ઓછા લોકો ‘O નેગેટિવ’ બ્લડ ગ્રુપ ધરાવે છે.માત્ર ૭% ટકા લોકો જ!

6.’O negetive’ બ્લડ ગ્રુપ “યુનિવર્સલ ડોનર” અર્થાત્ “સર્વદાતા” કહેવાય છે.કારણ કે તે ગમે તે બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને ચડાવી શકાય છે.

7.નવજાત શિશુમાં લોહીની ખામી હોય કે એવું કોઇ એક્સિડેન્ટ કે ઇમરજન્સી હોય કે જેમાં વ્યક્તિનું બ્લડ ગ્રુપ ટેસ્ટ કરાવવાની પ્રક્રિયાનો સમય ન હોય તો એવા સમયે તેને O નેગેટિવ બ્લડ ગ્રુપનું લોહી ચડાવાય છે.

8.રક્તદાન પ્રક્રિયા અત્યંત સરળ હોઇ રક્તદાતાને તેમાં ખાસ કોઇ મુશ્કેલી પડતી નથી.

9.માણસ ૧૮ થી ૬૦ વર્ષની ઉંમરની અંદર રક્તદાન કરી શકે છે.

10.રક્તદાતાનું વજન,ધબકારાનો દર,લોહીનું દબાણ અને બોડી ટેમ્પરેચર જેવા પરિબળોની સામાન્ય સ્થિતીમાં જ ડોક્ટર કે રક્તદાતા ટીમના મેમ્બર તમારુ લોહી લે છે.

11.એકવાર રક્તદાન કર્યાં બાદ પુરુષ ત્રણ મહિના અને સ્ત્રી ચાર મહિનાના ગાળા પછી ફરીવાર રક્તદાન કરી શકે છે.

12.માણસ સ્વસ્થ હોય અને કોઇ જાતની બિમારીથી પિડાતો ન હોય તો જ રક્તદાન કરી શકે.

13.જો કદાચ રક્તદાન કર્યાં બાદ તમને લાંબા ગાળા સુધી ચક્કર આવવી,પરસેવો થવો કે વજન ઓછું થવું અથવા તો અન્ય કોઇ પ્રકારની મુશ્કેલી જણાય તો બહેતર છે કે તમે રક્તદાન ન કરો.

રક્તદાન વિશે હજી અમુક લોકોના મનમાં અમુક ભ્રામક માન્યતાઓ ઘર કરી ગઇ છે.પણ એક સંશોધનમાં તો એ વાત સાફ રીતે સાબિત પણ થઇ છે કે,રક્તદાનથી શરીરને ઘણા પ્રકારના ફાયદા થાય છે.જેમ કે હાર્ટ એટેક,ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોની સંભાવના રક્તદાન કર્યા બાદ ઘટી જાય છે.વળી,જેનો વધુ પડતો જથ્થો શરીર માટે ઘાતક નિવડે છે એવા કોલેસ્ટેરોલની માત્રા પણ નિયંત્રિત થાય છે.રક્તદાનથી આયર્નની માત્રા માપમાં રહે છે.આમ,રક્તદાનથી તમે બીજાની સાથે પોતાના શરીરનું પણ કલ્યાણ કરો છો!

હવે દરેક વ્યક્તિએ એ સમજવું જોઇએ કે રક્તદાન ખરા અર્થમાં મહાદાન છે.અન્નદાનથી પેટ ઠારવાનું પુણ્ય મળે છે,વિદ્યાદાનથી જીંદગી સુધારવાનું પુણ્ય મળે છે જ્યારે રક્તદાનથી સીધેસીધું જીંદગી બચાવવાનું પુણ્ય મળે છે.દરેક વ્યક્તિએ અવશ્ય રક્તદાન કરવું જોઇએ,રક્તદાતાઓનું સમ્માન કરવું જોઇએ અને બની શકે એટલા લોકોને રક્તદાન માટે પ્રેરવા જોઇએ

સંકલન – Kaushal Barad

નોંધ: પોસ્ટ ગમે તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરો પણ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના એડમીનની પરવાનગી વગર આ પોસ્ટ કોપી-પેસ્ટ કરવી નહિ.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!