Mojemoj.com

Best Gujarati Blog

દ્રૌપદીએ કહેલી આ ચાર વાતો દરેક પત્નીએ યાદ રાખવી જોઈએ

એક સ્ત્રી વગર પરિવારની કલ્પના અધૂરી છે. કારણ કે, ઘરને સ્વર્ગનું રૂપ આપનાર બીજું કોઈ નહીં પણ એક સ્ત્રી હોય છે. એક સ્ત્રીની અસલી જીંદગી ત્યારે શરૂ થાય છે જ્યારે તે પુત્રવધુ બનીને બીજાનાં ઘરે જાય અને માથે જવાબદારીઓ આવે. પતિવ્રતા અને સ્વામીભક્તિ જ એક આદર્શ સ્ત્રીની નિશાની છે. મહાભારત દ્વારા જાણવા મળે છે કે, પાંડવોની પત્ની દ્રૌપદી દુનિયાની સૌથી વધુ પતિવ્રતા અને સ્વામીભક્ત નારી હતી. જે પાંચ પાંડવોનાં આશિર્વાદ મેળવીને પાંચાલી તરીકે ઓળખાય છે. શાસ્ત્રો મુજબ દ્રૌપદીનું જીવન એક પતિવ્રતા પત્નીનાં રૂપમાં ઉમદા મિસાલ છે. જેના દ્વારા અન્ય સ્ત્રીઓને પણ, દાંપત્ય જીવન કેવી રીતે જીવવું? એની પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. દ્રૌપદીનાં જીવનમાંથી શીખ મેળવીને દરેક સ્ત્રી આદર્શ પત્ની બની શકે.

પરિવારમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાય રહે, એ માટે મહાભારતમાં દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણની પત્ની સત્યભામાને ખાસ વાતો જણાવી હતી. દ્રૌપદીએ સત્યભામાને જણાવ્યું હતું કે, કઇ રીતે કોઇ સ્ત્રી પોતાના પતિને હંમેશા પ્રસન્ન રાખી શકે? પોતાના ઘર/પરિવારની મર્યાદા કેવી રીતે જાળવવી? તો ચાલો જાણીએ દાંપત્ય જીવન સુખદ બનાવવા માટે દ્રૌપદીએ પરિણીત સ્ત્રીઓને કઈ-કઈ સલાહ આપી છે?

દ્રૌપદી કહે છે કે, જે સ્ત્રી પોતાના પતિને વશમાં કરવાનું વિચારે છે એનું લગ્નજીવન ક્યારેય સુખદ નથી હોતું. કારણ કે, આવું વિચારવાથી સંબંધોમાં કડવાશ ફેલાય છે. એટલે સ્ત્રીએ એક સુખદ દાંપત્ય જીવન જોઈતું હોય તો પોતાના પતિને વશમાં કરવાની કોશીશ ન કરવી જોઈએ. પતિ ઉપર રાજ કરવાની ભાવના બિલકુલ યોગ્ય નથી. સાથે એ પણ જણાવ્યું છે કે સ્ત્રીઓ પહેલેથી જ અર્ધાંગિની છે જેનો મતલબ છે – પોતાના પતિનું અડધું અંગ, એ જાણવા છતાં પતિ ઉપર શાસન કે એને કાબુમાં કરવાની ભાવના ઉત્પન્ન થવી એ પણ પાપ છે.

જે સ્ત્રી પોતાના પતિ અને પરિવારની વાતો કોઈ ત્રીજી વ્યક્તિ સાથે વહેંચે એ સ્ત્રીની જીંદગીમાં હંમેશા સંકટ આવે છે. આમ કરવાથી તમારા અંગત સંબંધોના રહસ્યો ખુલી જાય અને તમે પોતે હાંસીને પાત્ર બની જશો. એવામાં કોઈ ત્રીજી વ્યક્તિ તમારો ગેરલાભ ઉઠાવી શકે. એટલા માટે દરેક સ્ત્રીએ પોતાની અંગત વાતો પતિ સિવાય કોઈને પણ ન કહેવી જોઈએ. આપણા ઘર-પરિવારની વાતો બહાર કરવાથી લગ્નજીવનમાં સમસ્યાઓ ઉભી થઇ શકે.

દ્રૌપદીએ દરેક મહિલાને સંદેશ આપ્યો છે કે, એક સ્ત્રી માટે એનો પતિ જ સર્વસ્વ છે. એટલે પરિસ્થિતિ ગમે તેવી ખરાબ કેમ ન હોય, ગભરાયા વગર પતિને યાદ કરવો જોઈએ. કારણ કે એક પતિવ્રતા મહિલા માટે એનો પતિ જ જ્ઞાન અને શક્તિનો ભંડાર હોય છે. પતિને ફક્ત યાદ કરવાથી જ શરીરમાં ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થશે.

છેલ્લે દ્રૌપદીએ જણાવ્યું છે કે, દરેક સ્ત્રીએ પોતાના પતિને દેવતાની જેમ પૂજવા જોઈએ. પતિને સ્વામી માનીને એની સેવા કરવી જોઈએ કારણ કે જીંદગીનાં મઝધારમાં પતિ આપણો રક્ષક છે. ખાસ કરીને હંમેશા નિમ્ન વિચારશ્રેણી ધરાવતી સ્ત્રીઓથી દુર રહેવું જોઈએ. એનાથી તમારા જીવન ઉપર ખરાબ પ્રભાવ પડી શકે. પોતાના પતિ ઉપર સૌથી વધુ ભરોસો કરવો જોઈએ અને પોતાના સુખ-દુઃખની વાતો કરવી જોઈએ.

મિત્રો, છેલ્લે કબીરનો એક દોહો યાદ આવે છે અને જે લોકો પ્રેમનો મતલબ સમજી શકે એમનું લગ્નજીવન સ્વર્ગ બની જાય.

पोथी पढ़ पढ़ जग मुआ, पंड़ित भया न कोय     |

ढाई आखर प्रेम का, पढ़े सो पंड़ित होय     ||

ગુજરાત ના સૌથી લોકપ્રિય ‘જ્ઞાન સાથે ગમ્મત’ પેઈજ પર રજુ થયેલી આ પોસ્ટ ગમી હોય તો બીજા મિત્રો સાથે જરૂર શેર કરજો.

Disclaimer : All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!