સૌથી પહેલા શિવલિંગની ક્યાં અને કેવી રીતે સ્થાપના થઈ અને કોણે પૂજા કરી હતી?
સામાન્ય રીતે બધા જ દેવી-દેવતાની પૂજા મૂર્તિના રૂપમાં કરવામાં આવે છે, પણ ભગવાન શંકર જ છે જેમની પૂજા લિંગના સ્વરૂપમાં થાય છે. શિવલિંગની પૂજાનું મહત્વ ઘણા ધર્મગ્રંથોમાં જોવા મળે છે, પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગની પૂજાની પરંપરા કેવી રીતે શરૂ થઈ? સૌથી પહેલા કોણે ભગવાન શિવના લિંગ રૂપની પૂજા કરી હતી? અને કેવી રીતે શિવલિંગની સ્થાપના થઈ? એ સંબંધિત એક કથા લિંગમહાપુરાણમાં વાંચવા મળે છે.
હકીકતમાં લિંગ રૂપનો મતલબ છે ઉત્પત્તિ અને વિલયનુ સ્થાન. બધુ જ શિવ દ્વારા જ ઉત્પન્ન થાય છે અને એક દિવસ તેમની અંદર જ સમાય જાય છે. જો લિંગ રૂપનુ પૂજન થાય છે તો તેમા સમસ્ત બ્રહ્માંડનું પૂજન થાય છે. શિવલિંગ પ્રચંડ ઉર્જાનુ પણ પ્રતિક છે. તેથી શિવ જ એવા ભગવાન છે જે પ્રતિમા અને લિંગ બંને રૂપમાં પૂજવામાં આવે છે.
આ પણ વાંચો: જયારે શિવજીએ મગરમચ્છના રૂપમાં કરી પાર્વતીજી ની પરીક્ષા
સૌપ્રથમ શિવલિંગની સ્થાપના
લિંગમહાપુરાણ મુજબ, એક વખત ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે બન્નેમાંથી સૌથી વધુ શક્તિશાળી કોણ છે? એ વાતને લઈને ભારે વિવાદ થયો. સ્વયંને શ્રેષ્ઠ અને ઉત્તમ ગણાવવા માટે બંને દેવ એકબીજાનું અપમાન કરવા લાગ્યા. જ્યારે તેમનો આ વિવાદ ખૂબ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે અગ્નિની પ્રચંડ જ્વાળાઓમાં વીંટાયેલ એક લિંગ પ્રગટ થયું. આ જોઈને બન્ને દેવ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. તેઓ લિંગના રહસ્યને સમજી ન શક્યા. તે અગ્નિયુક્ત લિંગનો મુખ્ય સ્ત્રોત શું છે? એ જાણવા માટે ભગવાન બ્રહ્માએ લિંગની ઉપર અને ભગવાન વિષ્ણુએ લિંગની નીચેની તરફ જવાનું શરૂ કર્યું. હજારો વર્ષો સુધી શોધ કરવા છતાં તેઓ લિંગનું રહસ્ય ન જાણી શક્યા. અંતમાં હારી-થાકીને તેઓ બન્ને ત્યાં જ આવી ગયા જ્યાં તેમણે લિંગને જોયું હતું. ત્યાં આવ્યા ત્યારે તેમને ઓમ(ૐ) નો સ્વર સંભળાવા લાગ્યો. આ સાંભળીને બન્ને દેવ સમજી ગયા કે આ કોઈ દિવ્ય શક્તિ છે અને તેઓ ૐ ના સ્વરની આરાધના કરવા લાગ્યા.
ભગવાન બ્રહ્મા અને વિષ્ણુની પ્રાર્થનાથી ખુશ થઈને તે લિંગમાંથી ભગવાન શિવ પ્રગટ થયા અને બંને દેવોને સદ્બુદ્ધિનાં આશિર્વાદ પણ આપ્યા. દેવોને વરદાન આપીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને એક શિવલિંગના રૂપમાં સ્થાપિત થઈ ગયા. લિંગમહાપુરાણ અનુસાર તે ભગવાન શિવનું પહેલું શિવલિંગ માનવામાં આવે છે.
સૌથી પહેલા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવલિંગની પૂજા કરી હતી.
જ્યારે ભગવાન શિવ ત્યાંથી ચાલ્યા ગયા અને શિવલિંગનાં રૂપમાં સ્થાપિત થઈ ગયા ત્યારે સૌથી પહેલા ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવલિંગની પૂજા-અર્ચના કરી હતી. એ સમયથી જ ભગવાન શિવની લિંગ સ્વરૂપે પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હતી એવું માનવામાં આવે છે.
ભગવાન વિશ્વકર્માએ વિવિધ પ્રકારની શિવલિંગ બનાવી હતી.
લિંગમહાપુરણ અનુસાર, ભગવાન બ્રહ્માએ દેવ શિલ્પી વિશ્વકર્માને બધા જ દેવી-દેવતા માટે અલગ-અલગ શિવલિંગનું નિર્માણ કરવાનું કહ્યું હતું. ભગવાન બ્રહ્માના કહેવા મુજબ ભગવાન વિશ્વકર્માએ અલગ-અલગ શિવલિંગ બનાવીને બધા દેવી-દેવતાઓને આપી.
1) ભગવાન વિષ્ણુ માટે નીલકાંતમણીનું શિવલિંગ બનાવવામાં આવ્યું.
2) ભગવાન કુબેરનાં પુત્ર વિશ્રવા માટે સોનાનું શિવલિંગ બનાવવામાં આવ્યું.
3) ઈન્દ્રલોકના બધા જ દેવતાઓ માટે ચાંદીનાં શિવલિંગ બનાવ્યા.
4) વસુઓને ચંદ્રકાંત મણીથી બનેલ શિવલિંગ પ્રદાન કરવામાં આવ્યા.
5) વાયુ દેવ ને પિત્તળથી બનેલ અને ભગવાન વરુણને સ્ફટિક થી બનેલ શિવલિંગ આપવામાં આવ્યા.
6) આદિત્યો ને તાંબાનાં અને અશ્વિની કુમારોને માટીથી બનેલ શિવલિંગ આપવામાં આવ્યા.
7) દૈત્ય અને રાક્ષસો માટે લોખંડનાં શિવલિંગ આપ્યા.
8) બધા દેવીઓને રેતીમાંથી બનેલ શિવલિંગ આપવામાં આવ્યા.
9) દેવી લક્ષ્મીએ લક્ષ્મીવૃક્ષ (બિલી) થી બનેલ શિવલિંગની પૂજા કરી.
10) દેવી સરસ્વતીને રત્નથી બનેલ અને રુદ્રને પાણીથી બનેલ શિવલિંગ આપવામાં આવ્યા.
‘જ્ઞાન સાથે ગમ્મત’ પર રજુ કરાયેલી આ પોસ્ટ ગમે તો જરૂર શેર કરજો.
Disclaimer: All rights reserved with mojemoj.com