હરિયાળી પાઉંભાજી – લીલા શાકભાજીનો ટેસ્ટફૂલ સંગમ
પાઉંભાજીનું નામ સાંભળીને સૌ કોઈના મોંમાં પાણી આવી જાય છે. કંઈક સ્વાદિષ્ટ અને ચટપટી વાનગી ખાવાની ઈચ્છા થાય ત્યારે મગજમાં પહેલું નામ પાઉંભાજીનું જ આવે છે.
સ્ટ્રીટફૂડના આ બેતાજ બાદશાહને આજે આપ સમક્ષ એક નવાં જ, હેલ્ધી અને હરિયાળા અંદાજમાં પ્રસ્તુત કરીએ છીએ. શિયાળાની સીઝનમાં આમ પણ લીલાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળતાં હોવાથી રેગ્યુલર પાઉંભાજીની જગ્યાએ આ હરિયાળી પાઉંભાજી સૌ કોઈને પસંદ આવશે જ. દેખાવમાં મનમોહક આ લીલી પાઉભજીને પાલક,મેથી, આગળ પડતાં લીલાં વટાણા, થોડી બાફેલી લીલી તુવેર અને ફ્લાવરની જગ્યાએ બ્રોકોલીનો ઉપયોગ કરી સ્વાદની સાથે તેની પૌષ્ટીકતા વધારવાનો પણ આશય છે. અને જે ભોજન આંખને જોવું ગમે તે આરોગવું તો વધારે જ ગમેને!

હરિયાળી પાઉંભાજી સામગ્રી :- ચાર વ્યક્તિ માટે
અડધો કપ પાલક પ્યુરે,
અડધો કપ મેથીનાં પાન (બાફી લેવાં),
૧ કપ, લીલાં શિમલા મિર્ચ, સમારેલાં,
૪ મીડીયમ લીલાં ટામેટાં, ખમણેલા,
દોઢ કપ લીલાં વટાણાનાં દાણા,અધકચરા બાફીને થોડાં મેશ કરેલા,
૧/૨ કપ લીલી તુવેર, અધકચરી બાફીને મેશ કરેલી,
૧ કપ બ્રોકોલી ફ્લોરેટ્સ, બ્લાન્ચ કરેલા,
૨ કપ બટેટુ, રીંગણ અને કોબીનું મિશ્રણ, બાફીને મેશ કરેલું,
૧ કપ લીલી ડુંગળી, સમારેલી,
૧ મોટી ડુંગળી, બારીક સમારેલી,
૧/૨ કપ લીલું લસણ, બારીક સમારેલું,
૩ ચમચા આદુ-મરચાં-લસણ-કોથમરીની પેસ્ટ,
૨ ચમચી પાઉંભાજીનો મસાલો,
૧ લીંબુનો રસ,
૧ ચમચી ધાણાજીરું પાવડર,
૧/૪ ચમચી હળદર,
નમક સ્વાદાનુસાર,
૨ ચમચા તેલ,
૨ ચમચા બટર.
હરિયાળી પાઉંભાજી બનાવવાની રીત :-
નોનસ્ટિક પેનમાં તેલ અને બટર સાથે જ ગરમ કરો. તેમાં બારીક સમારેલાં શિમલા મિર્ચ અને સૂકી ડુંગળી ઉમેરી તે સોનેરી થાય ત્યાં સુધી સાંતળવું.
હવે તેમાં લીલી ડુંગળી અને બારીક સમારેલું લીલું લસણ ઉમેરી ફરીથી સાંતળવું. સૂકા મસાલાઓ અને સ્વાદાનુસાર નમક ઉમેરી મસાલા ચડી રહે ત્યાં સુધી પકાવવું.
ખમણેલું લીલું ટમેટું અને થોડું પાણી ઉમેરી ટમેટું બરાબર ગળી જાય ત્યાં સુધી ઢાંકણું ઢાંકીને પાકવા દેવું.
તેમાં પાલક અને મેથીની પ્યુરે ઉમેરવી. બટેટાનું મિશ્રણ અને મેશ કરેલા તુવેર, વટાણા તેમજ બ્રોકોલી પણ ઉમેરી દેવા. ગ્રીન પેસ્ટ ઉમેરવી અને ફરીથી આઠ-દસ મિનીટ સુધી ચડવા દેવું. છેલ્લે લીંબુનો રસ પણ ઉમેરીને ભેળવી દેવો.
તમારી હરિયાળી પાઉંભાજી સર્વિંગ ડીશમાં લઈ મરચાંની એક પાતળી ચીરી અને કોથમરી વડે ગાર્નિશ કરી, બારીક સમારેલી સૂકી ડુંગળી અને લીંબુની ચીરી તેમજ બટરથી શેકેલા પાઉં સાથે ગરમગરમ પીરસો.
રેસીપી મોકલનાર : પ્રદીપભાઈ નગદીયા (રાજકોટ)