મોરારીબાપુના એક હોંકારે રીલાયન્સમાં થયેલો આ ધરખમ ફેરફાર – વાંચો બાપુના જીવનની રોચક અજાણી વાતો

“રઘુકુળ રીત સદા ચલી આયી,પ્રાણ જાય પર બચન ન જાય…!”

ઘણા વર્ષોથી ગુજરાત અને ભારત સહિત વિશ્વભરમાં રામચરિત-માનસના આવા જીવન-પરિવર્તક મંત્રો ગુંજે છે.લોકોને રામાયણની સાચી ઓળખ મળી છે.રામકથા તરફ લોકોનો પ્રવાહ આકર્ષાયો છે.અને આનો શ્રેય જાય છે વંદનીય શ્રીમોરારીબાપુને!

વિશ્વભરમાં રહેતા ધર્મભાવિકો આજે મોરારીબાપુને ઓળખે છે,બાપુની રામકથામાં ઓતપ્રોત બને છે.પોતાની અનોખી શૈલીથી કથા કરવાને લીધે તેમની દરેક કથામાં નવિનતા હોય છે.વૃધ્ધો તો ખરા જ પરંતુ યુવાનોનો પણ બહોળો વર્ગ રામકથા પ્રત્યે આકર્ષિત થયો એ બાપુની વાણી અને અદ્ભુત શૈલીનો જ તો પ્રભાવ છે!૮૦૦ ઉપરાંત રામકથાઓ મોરારીબાપુએ વિશ્વના ખુણે-ખુણે જઇને કરી છે,આજે પણ તેનો અવિરત પ્રવાહ ચાલુ છે.

દાદા કાયમ પાકી કરાવતા રામાયણની પાંચ ચોપાઇ –

મોરારીબાપુનો જન્મ ભાવનગર જીલ્લાના મહુવ તાલુકાના તલગાજરડા ગામે ૨૫ સપ્ટેમ્બર,૧૯૪૬ના દિવસે એક વૈષ્ણવ પરીવારમાં થયેલો.તેમનું આખું નામ મોરારીદાસ પ્રભુદાસ હરિયાણી.મોરારીબાપુના દાદાશ્રી ત્રિભીવનદાસ હરિયાણી રામાયણના પ્રખર જાણકાર હતાં.

મોરારીબાપુ તલગાજરડાથી મહુવા કાયમ પાંચ માઇલ ચાલીને શાળાએ જતાં.આ પાંચ માઇલ ચાલતા તેઓ ત્રિભુવનદાસ દાદાએ આપેલી પાંચ ચોપાઇ પાકી કરી લેતાં.આ ક્રમ રોજનો થઇ પડ્યો.અને આમને આમ બાપુને આખું રામાયણ મોઢે થઇ પડ્યું!

“રામ” નામ નું ટીશર્ટ ઘરે બેઠા મેળવવા ફોટો માં આપેલ નંબર પર વોટ્સએપ કરો

બાળપણથી જ બાપુને ભણવામાં મન ઓછું ચોટતું.કથા પ્રત્યે તેમનું આકર્ષણ વધારે હતું.

જે શાળામાં ભણ્યા ત્યાં જ બન્યાં શિક્ષક –

મહુવાની જે શાળામાં મોરારીબાપુએ અભ્યાસ કરેલો ત્યાં જ તેઓ શિક્ષક પણ બન્યાં.પણ વખત જતાં રામકથા તરફનું એમનું વલણ વધી ગયું અને સમય ન રહેતાં શિક્ષકની નોકરી છોડી દીધી.

માત્ર ૧૪ વર્ષની ઉંમરે ૧૯૬૦માં તેમણે ચૈત્ર માસમાં એક મહિનો સુધી રામાયણનો પાઠ કરાવેલો.પોતાના વતન તલગાજરડામાં કરાવેલી આ તેમના જીવનની પ્રથમ કથા હતી.

વીસ વર્ષની ઉંમરથી શરૂ કરી નવ દિવસીય રામકથાની પરંપરા –

મહુવામાંથી આગળ વધીને બાપુએ નાગબાઇ માતાના પવિત્ર સ્થાનક એવા ગોઠિયામાં તેમની પ્રથમ નવ દિવસીય રામકથાની શરૂઆત કરી.ભિક્ષા માંગીને ગુજરાન ચલાવતાં રમફલદાસજી તેમની સાથે હતાં.એ વખતે બાપુ સવારના સમયે કથા કરતાં અને બપોરથી ભોજન પ્રબંધમાં લાગી જતાં.

એ પછી બાપુની કથાઓ અવિરત ચાલવા માંડી.એમાં નવા સત્વો ઉમેરાતા ગયાં,લોકો આકર્ષાયા,સાહિત્યની છોળો ઉડી અને આજે રામકથા અનેક લોકોના માનસ પર ઘેરો પ્રભાવ નાખે છે.પહેલાં પરીવારના ભરણપોષણ માટે બાપુ દિક્ષા લેતાં પણ એનું પ્રમાણ વધવા માંડતાં હવે કોઇ પણ પ્રકારની દિક્ષા તેઓ લેતાં નથી.

બાપુના લગ્ન સાવિત્રીદેવી સાથે થયેલા છે અને સંતાનમાં તેમને ત્રણ પુત્રીઓ સહિત એક પુત્ર છે.તેમના વતન તલગાજરડામાં ચિત્રકુટ ધામ અસ્તિત્વમાં આવેલ છે.જ્યાંથી તેઓ વિવિધ કથામાં અહીંના હનુમાન મંદિર વતી દાન પણ કરે છે.

હિંદુ મુસ્લીમ એકતાના પ્રખર હિમાયતી –

બાપુએ રામકથા સાંભળવાનો અધિકાર સમાજના નિમ્ન કહેવાતા વર્ણ સહિત મુસ્લીમોનો પણ છે એમ ઘણીવાર જણાવેલું.આ એકતા માટે તેઓ પ્રયત્નો પણ કરે છે અને રામકથા દરમિયાન એક ટંકનું ભોજન તેઓ કોઇ હરિજનના ઘરે જમે છે.એક કથા તેમણે સોરઠમાં હરિજન અને મુસ્લીમો માટે પણ કરેલી.

મહુવામાં તેમણે કરેલા રામ પારાયણના એક હજાર આઠ પાઠની પૂર્ણાહુતી સમયે રામાયણની આરતી માટે હરિજન લોકોને મંચ પર બોલાવેલા.જેથી ઘણાં કટ્ટરવાદીઓને બાપુ અળખામણા થયેલા અને અમુક કથા મુકી ચાલ્યાં ગયેલા,પણ એનો પ્રભાવ બાપુ ઉપર ના પડ્યો.

લોકસાહિત્ય અને લોકકલાકારો માટે આશરા સમાન છે બાપુ –

મોરારીબાપુ સાહિત્યરસિક માણસ છે,સાહિત્યમાં તેઓ ઉંડી સમજ પણ ધરાવે છે.પરીણામે અનેક સાહિત્યકારો સાથે તેમનો સ્નેહભર્યો સબંધ છે.બાપુની કથામાં સાહિત્ય ગોષ્ઠીઓ થાય છે તો લોકગાયકીને પણ બાપુ પ્રોત્સાહન આપનાર છે.ઘણા લોકડાયરામાં બાપુની હાજરી હોય છે.લોકગાયકો માટે બાપુ એ વિશ્રામનો વડલો જ છે!ભીખુદાન ગઢવી,કિર્તીદાન,ઓસમાણ મીર,માયાભાઇ,રાજભા,સાંઇરામ જેવા અનેક લોકગાયકોને મોરારીબાપુ બિરદાવતા નજરે ચડે છે.

સાહિત્યક્ષેત્રમાં અને લોકકલા ક્ષેત્રમાં બાપુ વતી ઘણા એવોર્ડ પણ અપાય છે.તેમના વતન તલગાજરડા વતી ચિત્રકુટ એવોર્ડ અર્પણ કરવામાં આવે છે.કવિ દુલા ભાયા કાગની પૂણ્યતીથી નિમિત્તે મજાદર ખાતે “કાગને ફળિયે કાગની વાતો”કાર્યક્રમમાં કાગએવોર્ડ બાપુના હાથે અર્પણ કરવામાં આવે છે.

ધીરૂભાઇ અંબાણીને આપી હતી પ્રેરણા –

જામનગર નજીક ખાવડી ખાતે રિલાયન્સ ફેક્ટરીનો શિલાન્યાસ શ્રીધીરૂભાઇ અંબાણીએ કરેલો એ વખતે ત્યાં બાપુની કથાનું આયોજન કરવામાં આવેલું.તે વખતે ધીરૂભાઇ અંબાણીને બાપુએ સવાલ કરેલો કે,”આટલે દુરથી લોકો અહીં રોજી રળવા આવશે ત્યારે એના ભોજનનું શું?”

અને ત્યારથી રિલાયન્સે પોતાના કર્મચારીઓને એક ટંક ભોજનની વ્યવસ્થા આપવા માંડી,જે ક્રમ આજે પણ જળવાઇ રહ્યો છે!

અનેક રીત ઉધ્ધારક –

આજે બાપુની રામકથાઓ સમાજને અનેક રીતે ઉપરોગી છે,સમાજના સાચા ઉધ્ધારની દિશા નક્કી કરે છે.પછી તે કિન્નરો માટેની સુરતમાં થયેલી કથા હોય કે શહિદો માટે કરોડોની દાન એકઠી કરનારી સુરતની “માનસ શહિદ” કથા હોય.દેશ અને ધર્મની સર્વોપરી ઉન્નતિ એક સંત દ્વારા થઇ શકે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ મોરારીબાપુ છે.ઉત્તરાખંડમાં આવેલા પુર વખતે એક ટહલ નાખીને બાપુ અમેરીકામાંથી કરોડો રૂપિયા પિડીતો માટે એકઠા કરી શકે છે તો લંડનમાંથી એક ટહલ નાખતા લાખો રૂપિયા બનાસકાંઠાના પુરગ્રસ્તો માટે એકઠા કરી શકે છે.એટલું જ નહિ પોતે પણ દાન કરે છે.

દરકથામાં બાપુ “કમાણીનો દસમો ભાગ ગરીબો માટે કાઢવાનું”કહે છે.આજે લોકો તેમની વાત સારી રીતે સમજીને અમલમાં પણ મુકતા થયા છે.સર્વહિતકારી પ્રેમ બાપુની આગવી ઓળખ છે.તેમની કથાઓ ઘડીભર કરૂણ તો ઘડીભર હાસ્યરસથી વહેતા વેણ સમાન ચાલતી હોય છે.

સાચા રાષ્ટ્રપુરૂષ તરીકે મોરારીબાપુ વંદનીય છે.એક ખરા અર્થના વૈષ્ણવ કેવા હોય તેની ઓળખ બાપુ પાસેથી પ્રાપ્ત થાય છે.આવી મહાન વિભૂતિને શત્ શત્ વંદન!

Leave a Reply

error: Content is protected !!