Mojemoj.com

Best Gujarati Blog

સાપ કરડી જાય ત્યારે ત્વરિત શું કરશો ? – અદ્ભુત અને જરૂરી માહિતી વાંચો અને વંચાવો

સાપનું નામ સાંભળતા જ ઘણાખરાના હોશ ઉડી જાય છે!દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય છે કે,જીંદગીમાં ક્યારેય એનો પનારો સાપ સાથે ન પડે.છતાં પણ ક્યારેય તો સાપનો ભેટો થઇ જ જાય છે.ના કરે નારાયણ અને તે ડંખ મારે તો જાણકારીનો અભાવ અને તત્કાળ સારવાર વિના વ્યક્તિ મૃત્યુ પામે છે.અને માટે જ સર્પદંશ પછીના તરતના ઉપાયો વિશે બધાને જાણકારી હોવી જરૂરી છે.આજે અમે તમને એ વિશે કહેવા જઇ રહ્યાં છીએ.

સર્પદંશથી થનારા મૃત્યુદરની સંખ્યામાં ભારત સૌથી આગળ છે!WHOના આંકડા પ્રમાણે દરવર્ષે લગભગ ૮૩ હજાર લોકો સર્પદંશના શિકાર બને છે જેમાંથી ૧૧ હજાર મૃત્યુ પામે છે!આની પાછળનું મોટું કારણ છે કે વ્યક્તિને સર્પદંશ પછીના તત્કાલીન પ્રાથમિક ઉપાયની જાણકારી નથી હોતી અને ઉપરથી ભય એની માથે હાવી થઇ જાય છે!

નોલેજ પુરતું જાણી લો કે,ભારતમાં સર્પોની લગભગ ૨૩૬ પ્રજાતિ છે.લોકોમાં ખોટી વાતોનો ડર હોય છે કે,બધા સર્પ ઝેરી જ હોય છે.પણ ખરેખર એવું હોતું નથી.મોટા ભાગના સર્પો બિનઝેરી હોય છે.દેશભરમાં ઝેરીલા સર્પોની માત્ર ૧૩ પ્રજાતિઓ છે!

આ ૧૩માંથી ૪ એકદમ ઝેરી પ્રજાતિ છે.અને તે છે-કિંગ કોબ્રા અર્થાત્ રાજનાગ[જેનું એક મિલીલીટરના ૨૫૦માં ભાગનું ઝેર પણ માણસને વૈકુંઠ પહોંચાડવા કાફી છે!],રસેલ વાઇપર,સ્કેલ્ડ વાઇપર અને કરેત.સૌથી વધુ મૃત્યુ કોબ્રા કે કરેતના કરડવાથી થાય છે.બીજા બિનઝેરી સર્પોના ડંશથી જખમ થાય છે,મૃત્યુ તો ડરને લીધે થાય છે!

સર્પદંશ બાદનો ત્વરીત ઉપાય –

સર્પદંશથી ગભરાવવાની કે ખોટા હાંફળા-ફાંફળા થવાની જરૂર નથી,એને બદલે વહેલી તકે પીડિત વ્યક્તિને પ્રાથમિક ઉપચાર આપવો જોઇએ.આ માટે સૌથી પહેલાં સાપના ઝેરને ફેલાતું અટકાવવું જોઇએ અને દર્દીને ત્વરીત દવાખાને પહોંચાડવો જોઇએ.

મરીજ હોસ્પિટલે પહોંચે એટલા સમયમાં અમુક સાવધાનીભર્યાં ઉપાય જરૂરથી કરવા જોઇએ.જેમ કે,સર્પદંશની જગ્યાએ વ્યક્તિએ કોઇ ઘરેણું કે બુટ જેવી વસ્તુ પહેરેલી હોય તો એ જલ્દીથી કાઢી નાખો.એ પછી ઘાવ પર પાટો બાંધી દો.આને માટે તમે વૃક્ષની છાલ,છાપાનો ટુકડો,સ્લીપિંગ બેગ કે બેકપેક ફ્રેમનો ઉપયોગ કરી શકો.પણ ઘાવ સાથે કોઇ પણ છેડછાડ ન કરતા દર્દીને ત્વરીત નજદીકના દવાખાને પહોંચાડો.

દર્દીને એસ્પ્રિન કે એવી કોઇપણ જાતની દર્દનાશક દવા તમારા તરફથી ન આપશો.એ સાથે જ પીડિત વ્યક્તિને જરા પણ હલનચલન ન કરવા દેવું,કેમ કે આનાથી ઝેર શરીરના બીજા અંગોમાં વ્યાપી જવાની શક્યતા રહે છે.

કસકસાવીને પાટો બાંધવાની ગુસ્તાખી ના કરશો! –

સ્વાસ્થય તજજ્ઞોના જણાવ્યા અનુસાર,ક્યારેય પણ સર્પદંશની જગ્યાએ રક્તભ્રમણ બંધ કરવા માટે સખ્તાઇથી પાટો ન બાંધવો જોઇએ.કેમ કે આનાથી વ્યક્તિની નસો અને ધમનીઓને નુકસાન પહોંચી શકે છે.એ જ પ્રમાણે ના તો મોઢાથી ઝેરને ચુસી લેવાની ભુલ કરવી!આના દ્વારા સંક્રમણ/ચેપ ફેલાઇ શકે છે.

Disclaimer – All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!