SUICIDE કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ એક વાર વાંચવા જેવો કાગળ
કાલે કદાચ હું નહિ હોઉં. મારા ઓશિકાની નીચે રાખેલા સપનાઓની જાણ કોઈને નહિ થાય. એ સપનાઓ મારી સાથે જ બળીને રાખ થઈ જશે.
આ જ કવિતાનો વિડીયો – લેખકના અવાજમાં
મારા મૃત્યુના માનમાં નિશાળમાં એક દિવસની રજા રાખવામાં આવશે. નિશાળમાં હાજરી પૂરતી વખતે, મારો રોલ નંબર બોલાશે ત્યારે કોઈ મારી પ્રોક્સી નહિ પૂરે.

મારા આમ અચાનક મરી જવાથી મારી ગેરહાજરીની નોંધ ચોક્કસ લેવાશે. મારું કુટુંબ, મારી આસપાસનો સમાજ અને મારી નિશાળ મારી ગેરહાજરીને કારણે થોડા સમય સુધી સ્તબ્ધ થઈ જશે. મારી આત્મ હત્યાને કારણે થોડા દિવસ સુધી લોકો આજની શિક્ષણપ્રથા અને પરીક્ષા પદ્ધતિને ગાળો આપશે. બહુ જ ટૂંકા સમય સુધી મારી ગેરહાજરી વર્તાશે. બહુ જ ટૂંકા સમય સુધી. અને પછી સમય બધું જ બરાબર કરી આપશે. કોઈ મને યાદ નહિ કરે. કોઈ પરીક્ષા પદ્ધતિ કે શિક્ષણ પ્રથા બદલવાની વાતો નહિ કરે.
મારી ગેરહાજરીના માનમાં લોકો બે મિનીટનું મૌન પાળશે, જે ક્યારેય બે મિનીટ સુધી પણ ચાલતું નથી. લોકો પરોવાઈ જશે પોતપોતાના કામમાં અને દુનિયા રાબેતા મૂજબ ચાલવા માંડશે.
ઓન અ સેકન્ડ થોટ, એવું વિચારું તો ? કે મારા સપનાઓને મન ભરીને જીવી લઉં. કદાચ મારો જન્મ પરીક્ષા આપવા માટે થયો જ નથી. આ પૃથ્વી પર મારા આવવાનું આટલું નાનું નિમિત્ત ક્યારે હોય જ ન શકે. મારો જન્મ તો કોઈ મોટા કારણ માટે થયો છે. બહુ જ મોટું કામ, જે મારે પૂરું કરવાનું છે. મારે દેશ બદલવાનો છે. સમાજ બદલવાનો છે. મારે વિચારધારા બદલવાની છે. આ બધું તો જ થશે, જો હું જીવતો રહીશ.
મારો જન્મ મારી ગેરહાજરીની નોંધ લેવડાવવા માટે નહિ, મારી હાજરીની નોંધ લેવડાવવા માટે થયો છે. અને હું એવી રીતે જીવીશ કે લોકો સતત મારી હાજરીની નોંધ લે. હું એવી રીતે જીવીશ કે મારા મર્યા પછી બીજા દિવસના અખબારમાં મારું નામ અંદર પાને કોઈ નાનકડા ખૂણામાં નહિ, પહેલા પાનાની હેડલાઈન્સમાં આવે અને એ રીતે મારી ગેરહાજરીની નોંધ લેવાય.
મારા જવાથી સૌથી મોટો લોસ આ દેશને છે. કારણકે જો હું દેશ નહિ બદલું, તો કોઈ નહિ બદલે. મારે દેશ બદલવાનો છે એ તો નક્કી છે. પછી પરીક્ષામાં પાસ થઈને બદલું કે નાપાસ થઈને, કશો જ ફેર પડતો નથી.
-ડૉ. નિમિત્ત ઓઝા
ડોક્ટર નિમિત ઓઝા દ્વારા લિખિત ખુબ જ સુંદર પુસ્તક “મારી વ્હાલી પરીક્ષા” ઘરે બેઠા મેળવવા 7405479678 નંબર પર વોટ્સએપ કરો અથવા અહી ક્લિક કરો