મૃત્યુ બાદ શા માટે લોકો જલ્દીમાં જલ્દી અંતિમ સંસ્કાર પુરા કરવા માંગે છે? કારણ વાંચવા જેવું છે

જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો લોકો ઉતાવળમાં હોય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના અંતિમ સંસ્કાર જલ્દી થઈ જાય. અમુક પરિસ્થિતિને બાદ કરતાં મોટા પ્રમાણમાં લોકો અંતિમવિધિ ફટાફટ કરતા હોય છે.

મિત્રો, એક વસ્તું તમે એ પણ નોંધી હશે કે, મૃતકનાં સગા-વ્હાલાઓ કરતા તો આજુ-બાજુમાં રહેતા પડોશીઓને અંતિમ સંસ્કાર કરાવવાની ઉતાવળ વધુ હોય છે. પણ એવું તો શું હોય છે કે લોકો જલ્દીમાં જલ્દી મૃત શરીરને અગ્નિદાહ આપવા ઈચ્છે છે? આના પાછળ કોઈને કોઈ રહસ્ય તો ચોક્કસ હશે. આપ સૌ આ રહસ્યથી લગભગ અજાણ હશો એટલે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, લોકોને અંતિમ વિધિ કરાવવાની આટલી ઉતાવળ કેમ હોય છે? અને અંતિમ સંસ્કારનું સાચું મહત્વ શું છે ?

ગરુડ પુરાણમાં લખ્યું છે કે, જ્યાં સુધી ગામ કે મોહલ્લામાં કોઈની લાશ પડી હોય ત્યાં સુધી ઘરમાં પૂજા-પાઠ નથી થતા. એટલું જ નહીં, ગરુડ પુરાણ મુજબ લોકો પોતાના ઘરમાં ચૂલો પણ ન સળગાવી શકે. મતલબ, આ પરિસ્થિતિમાં કોઈપણ શુભ કાર્ય ન કરી શકાય. અને બીજું એ કે જ્યાં સુધી શબ પડ્યું હોય ત્યાં સુધી સ્નાન પણ ન કરી શકાય. જ્યાં સુધી મૃત શરીરની અંતિમવિધિ ન થઈ જાય ત્યાં સુધી બધા જ જરૂરી કામ અટકી જાય. એટલે લોકો અંતિમ સંસ્કારની વિધિ કરવામાં ખટકો રાખે છે. જ્યાં સુધી અંતિમ સંસ્કાર ન થાય ત્યાં સુધી મૃત શરીરની દેખભાળ રાખવી પડે છે કારણ કે, જો કોઈ જાનવર શરીરને અડકે તો એની દુર્ગતિ થાય છે.

અંતિમ સંસ્કાર કરવાનો ફાયદો મરનાર અને ઘરવાળા બન્નેને થાય છે. દુષ્ટ કે પાપી વ્યક્તિની સાચી પદ્ધતિ દ્વારા અંતિમ વિધિ કરવાથી એ દુર્ગતિથી બચી જાય છે. મર્યા બાદ એની આત્માને શાંતિ મળે છે. અગ્નિદાહ આપતા પહેલા રસ્તામાં પિંડ દાન કરવાથી દેવી-દેવતા અને દાનવો પણ ખુશ થઈ જાય છે અને લાશ અગ્નિદાહ માટે તૈયાર થઈ જાય છે. અગ્નિદાહ આપતા પહેલા શબના હાથ-પગ બાંધી દેવામાં આવે છે. આવું એટલા માટે કરવામાં આવે છે કે, જેથી કરી શરીર ઉપર દૈત્ય શક્તિ (દાનવ) કબ્જો ન કરી શકે. લાશને સળગાવતી વખતે હંમેશા ચંદન અને તુલસીનાં લાકડાનો ઉપયોગ કરવો જોઈએ. આ લાકડું શુભ અને પવિત્ર હોય છે જેના દ્વારા જીવાત્માને સદ્દગતિ પ્રાપ્ત થાય છે.

સનાતન ધર્મમાં માણસનાં જન્મથી લઈને મૃત્યુ સુધી સોળ સંસ્કાર દર્શાવ્યા છે. સોળમો સંસ્કાર સૌથી છેલ્લો કે જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. આ સોળમાં સંસ્કારમાં વ્યક્તિની છેલ્લી વિદાય અને અગ્નિદાહ થી લઈને ઘરની પુનઃશુદ્ધિ સુધી કરવામાં આવતી બધી જ ક્રિયાઓનો સમાવેશ થાય છે. ગરુડ પુરાણમાં વ્યક્તિની અંતિમ ક્રિયા સંબંધિત ઘણી બધી જાણકારી આપવામાં આવી છે જેનું પાલન કરવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે અને બીજો જન્મ લેવા માટેનો રસ્તો સરળ થઈ જાય છે.

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત પછી અગ્નિ-સંસ્કાર નથી થતા

હિન્દૂ ધર્મમાં સૂર્યાસ્ત પછી ક્યારેય અગ્નિ સંસ્કાર થતા નથી. જો મૃત્યુ સૂર્યાસ્ત થઈ ગયા પછી થયું હોય તો એને બીજા દિવસે સવારે અગ્નિદાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સૂર્યાસ્ત બાદ અગ્નિ-સંસ્કાર કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિને પરલોકમાં મુશ્કેલીઓ વેઠવી પડે છે અને આવનાર બીજા જન્મમાં શરીરનાં કોઈ અંગમાં ખોડખાંપણ રહી જાય છે.

એક છિદ્રવાળા ઘડામાં પાણી ભરીને શબની પરિક્રમા કરવામાં આવે છે.


અગ્નિદાહ વખતે એક છિદ્રવાળા ઘડામાં પાણી ભરીને ચિતા પર રાખેલ શબની પરિક્રમા કરવામાં આવે છે અને છેલ્લે પાછળની બાજુ ઘડાને પટકીને ફોડી નાખવામાં આવે છે. આ ક્રિયા એટલા માટે કરવામાં આવે છે કે જેથી કરી મૃત વ્યક્તિની આત્માને એના શરીર પ્રત્યેનો મોહ દૂર થાય. આ ક્રિયામાં બીજું પણ એક રહસ્ય છુપાયેલ છે, જીવન એક છિદ્ર જેવા ઘડા જેવું છે જેમાં આયુષ્ય-રૂપી પાણી દરેક ક્ષણ ટપકતુ રહે છે અને આખરે જીવાત્મા બધું જ છોડીને ચાલી જાય છે. જીવાત્મા પોતાનું જીવન સમાપ્ત કરીને મૃત્યુને પ્રાપ્ત થાય છે.

અંતિમ સંસ્કાર વખતે મૃત વ્યક્તિના પરિવારમાંથી પુરૂષ પરિજનનું મુંડન થાય છે.

આ ક્રિયા મૃત વ્યક્તિ પ્રત્યે પરિવારજનો દ્વારા શ્રદ્ધા વ્યક્ત કરવાનું સાધન તો છે જ પણ સાથો-સાથ એનો મતલબ એવો પણ છે કે, હવે એમના ઉપર જવાબદારી આવી ગઈ છે. અંતિમ ક્રિયા પછી 13 દિવસ સુધી પિંડ દાન કરવામાં આવે છે જેનાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ મળે અને જીવાત્માનાં શરીર અને પરિવારજનો વચ્ચે રહેલ મોહ-માયાનો અંત આવે.

અંતિમ સંસ્કારમાં બધા જ કાર્ય ગરુડ પુરાણ મુજબ કરવા જોઈએ. એમાં દરેક બાબતનો ઉલ્લેખ જોવા મળે છે, જેમ કે શરીરને સળગાવતી વખતે મૃત શરીરનું માથું કઈ દિશામાં હોવું જોઈએ, ક્યારે રડવું અને ક્યારે અસ્થિ સંચય કરવું વગેરે.. એટલે જ અંતિમ સંસ્કારની વિધિ પુરી કરવા માટે યોગ્ય પંડિતની મદદ લેવી જોઈએ. લોકો અંતિમ સંસ્કારમાં સાચા નીતી-નિયમનું પાલન નથી કરતા જેના કારણે ઘરમાં કેટલીક સમસ્યાઓ જોવા મળે છે. આમ તો અગ્નિદાહ હંમેશા નાના દિકરાએ જ કરવું જોઈએ. ત્યારબાદ ભાઈ, ભત્રીજા, નાતી અગ્નિદાહ આપી શકે. આમાંથી કદાચ કોઈ ન હોય તો પત્ની કે દિકરી પણ અગ્નિદાહ આપી શકે.

મિત્રો, હવે તમે સમજી જ ગયા હશો કે, મૃત્યુ બાદ શા માટે લોકો અંતિમ ક્રિયા કરવાની ઉતાવળ કરે છે. જો તમને આ પોસ્ટ ગમી હોય તો શેર કરજો.

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

error: Content is protected !!