જો સંબંધોમાં આવા લક્ષણો જોવા મળે તો સંબંધો પરાણે ખેંચવાને બદલે સમાપ્ત કરવા જોઈએ
કોઈપણ સંબંધ ત્યાં સુધી જ ટકે છે જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે સમજદારી અને વફાદારી બની રહે, પણ જો સંબંધમાં વાદ-વિવાદ ચાલુ થઈ જાય તો મીઠો સંબંધ પણ કડવો લાગવા માંડે. આવા ગૂંચવણ ભર્યા સંબંધને લાંબો ખેંચીને પણ કોઈ ફાયદો નથી. મિત્રો, આજે અમે તમને સંબંધમાં જોવા મળતા કેટલાક એવા લક્ષણો વિશે જણાવીશું કે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે સંબંધ ચાલુ રાખવો કે સમાપ્ત કરવો. તો ચાલો જાણીએ કંઈક નવુ.
આજકાલની એકદમ ફાસ્ટ જીંદગીમાં તણાવને કારણે લોકો સંબંધોનું મહત્વ ભૂલી જાય છે, જેના કારણે સંબંધોમાં તિરાડ પડવાનું શરૂ થઈ જાય છે, જે સંબંધ માટે ખૂબ જ નુકસાનકારક સાબીત થઈ શકે. તો ચાલો જાણીએ તમારો સંબંધ તૂટવાની અણી ઉપર છે કે નહીં? જો તમને પણ તમારા સાથી (પાર્ટનર) સાથે રહેવા છતાં ઠીક ન લાગતું હોય તો સમજી લેવું કે તમારો સંબંધ પણ તૂટવાની તૈયારીમાં છે. એવામાં તમારે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઈએ અને બન્નેએ મળીની સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ.
જે સંબંધો તૂટવાની અણી ઉપર હોય એમાં આવા લક્ષણો જોવા મળે છે :
(1) જ્યારે વારંવર પોતાની જાતને પુરવાર કરવી પડે

સંબંધમાં નાનો-મોટો વાદ-વિવાદ થવો એ સામાન્ય બાબત છે, પણ જો વારંવાર પોતાની જાતને પુરવાર કરવી પડતી હોય તો સમજી લેવું કે હવે પહેલા જેવું નથી રહ્યું. આ વિશે પોતાના પાર્ટનર સાથે સંવાદ કરવો જોઈએ. જો વાતચીત કરવા છતાં કોઈ રસ્તો ન દેખાય તો એક-બીજાથી અલગ થઈ જવામાં જ ભલાઈ છે.
(2) આત્મસન્માન ઘવાય
સંબંધોમાં આત્મસન્માન ખૂબ જ જરૂરી હોય છે, પણ જો તમારૂ આત્મસન્માન ન જળવાય તો સંબંધનો અંત લાવવો જોઈએ. જ્યાં સંબંધો મજબૂત હોય છે ત્યાં આત્મસન્માન હંમેશા જળવાય રહે છે.
(3) જ્યારે એક બીજાનાં વિરોધી બની જાય
જ્યારે તમારો પાર્ટનર દુશ્મન બની જાય ત્યારે એનાથી વહેલી તકે દૂર થઈ જવું. સાથે જ તમને એવું લાગે કે, હું કંઈક બોલીશ તો એને ખોટુ લાગશે ત્યારે પાર્ટનર સાથે ખુલીને વાત કરવી જોઈએ. આવી ગૂંચવણો દરરોજ ઉભી થતી હોય તો સંબંધને ટાટા-બાય-બાય કરી દેવો જોઈએ.
(4) જ્યારે ફક્ત જૂની યાદો રહી જાય
સંબંધોમાં જ્યારે ફક્ત જૂની-પુરાણી યાદો જ બાકી રહે ત્યારે સમજવું કે લાગણી ઓછી થઈ ગઈ છે. એવામાં તમારે સંબંધ પૂરો કરી દેવો જોઈએ જેથી બન્નેને વધુ તકલીફ ન થાય.
(5) જ્યારે પાર્ટનરનો સ્વભાવ ચીડિયો થઈ જાય
જ્યારે તમારો પાર્ટનર ચીડિયો થઈ જાય ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ. જો તમારી વાતોમાં ધ્યાન ન આપે અને તમને ટાળવાની કોશિશ કરે તો સમજી જવું કે હવે તલમાં તેલ નથી.
મિત્રો, સંબંધોની વાત નીકળી છે તો આપણે રહીમની સોનેરી પંક્તિઓ પણ યાદ કરવી જ જોઈએ.
રહીમન ધાગા પ્રેમ કા, મત તોડો ચટ્કાય..
તુટે સે ફીર ના જુડે, જુડે ગાંઠ પડ જાયે રહીમા, જુડે ગાંઠ પડ જાયે.
બિગડી બાત બને નહીં, લાખ કરો કિન કોઇ..
રહીમન બિગડે દૂધ કો મથે ના માખન હોય રહીમા, મથે ના માખન હોય…