Mojemoj.com

Best Gujarati Blog

કપાળ પર તિલક આ રીતે કરવું જોઈએ – શું તમે તિલક કરતી વખતે આ ધ્યાન રાખો છો?

હિન્દુ ધર્મ પરંપરાઓથી સભર ધર્મ છે.આ ધર્મમાં જેટલી પરંપરાઓ છે એટલી વિશ્વના કોઇ ધર્મમાં નહી હોય.અનેકો વર્ષથી ચાલી આવતી પરંપરાઓમાં અમુકની પાછળ બહુ રસપ્રદ કારણો પણ રહેલા હોય છે.સમયની ધૂળ જેમ માથે ચડતી જાય છે,વર્ષોના દાયકાઓ અને દાયકાઓની સદીઓ વીતતી જાય છે તેમ તેમ અમુક પરંપરાઓ અસ્ત પામી જાય છે.નવી પેઢી એને સ્વીકારી શકતી નથી માટે ક્રમશ: એ અદ્રશ્ય બની જાય છે.

આવી જ એક પ્રાચીન ભારતીય પ્રસિધ્ધ પરંપરા છે માથા પર તીલક લગાવવાની.જે આજની પેઢીમાં ખાસ જોવા નથી મળતી છતાં બધા તેનાથી જાણકાર છે.અને અમુક સમુદાયમાં અવશ્ય આ પરંપરાનું પાલન થતું જોવા મળે છે.માથા પર તીલકનું નિશાન લગાવવું એ બહુ જુની અને પ્રખ્યાત પરંપરા છે.

માત્ર કપાળ પર નહી,આ ૧૨ જગ્યા પણ તિલકને લાયક છે –

માથા પર તિલક કરવાના ઘણા ફાયદા છે,જો એનું નિયમ પ્રમાણે અનુકરણ કરવામાં આવે તો.અને હાં,તિલક માત્ર કપાળ પર જ નહી;બલ્કે ગરદન,હ્રદય,બંને હાથની બાજુ,નાભિ,પીઠ,બંને બગલ સહિત બાર જગ્યા પર કરવામાં આવે છે.હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે.

આજે અહીં હિન્દુ ધર્મશાસ્ત્રોની તિલક વિશેની રસપ્રદ માહિતી આપવાની છે.વાતો મજાની છે,ધ્યાનથી વાંચજો :

તિલક કરતા આ બાબતોનું રાખો ધ્યાન –

(1)હનુમાનજી મંદિર કે અન્ય કોઇ દેવી-દેવતાના મંદિરે જતાં મૂર્તિના ચરણોમાં રહેલા સિંદૂરનું તિલક કરવાની આપણે ત્યાં પરંપરા છે.સિંદૂર ઉષ્ણ હોવાથી આમ કરવું ઘણું લાભદાયી બની રહે છે.

(2) ધર્મશાસ્ત્રો કહે છે કે,મહિલાઓએ કસ્તૂરી રંગની બિંદી કે સિંદૂરથી જ તિલક કરવું જોઇએ.જે ધાર્મિક અને વૈજ્ઞાનિક નજરે સત્ય છે.

(3)જ્યારે સિંદૂરનું તિલક કરવામાં આવે ત્યારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.જેમ કે,તિલક કરતા પહેલાં નાહી-ધોઇને ચોખ્ખા વસ્ત્ર પહેર્યા બાદ ઉત્તર દિશા તરફ મુખ રાખીને જ તિલક કરવું જોઇએ.

(4)તિલક ધારણ કરી પ્રભાત વેળા કે સાંયકાળે હવન ઇત્યાદિ ના કરવું.શાસ્ત્રોમાં કહેવામાં આવેલ છે કે સફેદ ચંદન,લાલ ચંદન,કંકુ,બિલીપત્ર અને ભસ્મનું તિલક ફાયદાકારક છે.

(5)કોઇ જ એક જ વ્યક્તિએ ઉર્ધ્વ,ભસ્મ અને પુન્ડરથી ત્રિપુંડ ના કરવું જોઇએ.

(6)કપાળના મધ્ય ભાગને “લલાટ બિંદુ” કહેવામાં આવે છે.જે શરીરની બંને બાજુઓના કેન્દ્રસ્થાન સમાન ઉત્તમ ભાગ છે.તિલક આ સ્થાન પર જ કરવું જોઇએ.

(7)અનામિકા આંગળી વડે તિલક કરવાથી વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય છે.

(8)મધ્યમા આંગળી વડે તિલક કરવાથી વ્યક્તિના આયુષ્યમાં વૃધ્ધિ થાય છે.

(9)કોઇ વૈદિક શુભકાર્ય સમયે અનામિકા,પિતૃકાર્યમાં મધ્યમાં,મહર્ષિ-સંતકાર્યમાં કનિષ્ઠિકા અને તાંત્રિક કાર્યોમાં તર્જની આંગળી વડે તિલક કરવાથી શુભફલ પ્રાપ્તિ થાય છે.વિષ્ણુ સંહિતામાં તિલક માટે પ્રસંગોપાત ઉપયોગી હાથઆંગળીઓ વિશે આવી વાત કરવામાં આવી છે.

‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ શેર જરૂરથી કરજો,ધન્યવાદ!

Disclaimer: All rights reserved with mojemoj.com

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!