Mojemoj.com

Best Gujarati Blog

એક વખત ચલણ કાપ્યા બાદ બીજી વાર ચલણ ન કાપી શકે પોલીસ, જાણો પોતાના અધિકાર

પોલીસને જોઈને અપરાધી ન ડરે પણ બિચારો સામાન્ય માણસ હંમેશા ખાખી વર્દીથી ડરતો હોય છે. એવામાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે સામાન્ય માણસ સાચો હોવા છતાં કેટલાંક પોલીસ કર્મીઓ એને હેરાન કરતા હોય છે. એ સમયે જો તમે જાગૃત હશો અને તમે પોતાના અધિકારોથી માહિતગાર હશો તો પોલીસ તમને ક્યારેય ખોટી રીતે હેરાન નહીં કરી શકે.

કારણ કે તમે પોલીસ કર્મચારીને પોતાના અધિકાર મુજબ સવાલ પૂછી શકો છો. સાથે જ તમે આપણાં સંવિધાનમાં દર્શાવેલ અધિકાર અને નીતિ-નિયમોની મદદ લઈ શકો છો. જો તમારા બાળકો 18 વર્ષથી નાની ઉંમરનાં હોય તો તમે તેની સલામતીની વ્યવસ્થા કરવા માટે ફોન પણ કરી શકો છો. આજે અમે તમને પોલીસ સાથે જોડાયેલ કેટલાક એવા નિયમો જણાવીશું, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

ધરપકડ કરે તો તમે શાંત રહી શકો :


જો પોલીસ દ્વારા તમારી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તમે શાંત રહી શકો. તમે પોલીસને તમારૂ નામ અને બેઝિક ઈન્ફોર્મેશન આપો. બાકી બીજી બધી બાબત માટે તમે વકીલની મદદ લઇ શકો. પોલીસ તમારી પાસે જબરદસ્તી પૂછપરછ ન કરી શકે. આવી સ્થિતિમાં તમે કહી શકો કે હું મારા વકીલ સાથે વાત કરવા માંગુ છું. ત્યારબાદ પોલીસ તમને સવાલ પૂછવાનું બંધ કરી દેશે. ધરપકડ કે અટકાયત બાદ તમે પોતાના સગા-સંબંધી કે વકીલને ફોન કરી શકો.

સાંજનાં સમયે મહિલાની ધરપકડ ન થાય :


મહિલા અપરાધીને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી ગિરફ્તાર ન કરી શકાય. આ સાથે એક મહિલાની તપાસ માત્ર એક મહિલા પોલીસ કર્મી જ કરી શકે. મહિલાની ધરપકડ કરવા માટે પણ જરૂરી છે કે એક મહિલા પોલીસ કર્મચારી સાથે હોય. જે પોલીસ સ્ટેશનનાં જેલમાં મહિલાને રાખવામાં આવે ત્યાં પણ મહિલા પોલીસ કર્મચારીની હાજરી ખૂબ જ જરૂરી છે.

મહિલાની ઓળખ જાહેર ન કરી શકે પોલીસ :


જો કોઈ મહિલા ઉપર કોઈ આરોપ લાગ્યો હોય અથવા બળાત્કાર થયો હોય તો તેણીને પોતાની ઓળખ ગુપ્ત રાખવાનો અધિકાર છે. પછી ભલે તે પોલીસ હોય કે મીડિયા, જો તેઓ મહિલાની ઓળખ જાહેર કરી દે તો એ કાનૂની અપરાધ ગણાશે. પોલીસ તે મહિલાનો ચહેરો જાહેર ન કરી શકે.

પ્રેમી જોડું લિવ ઈન રિલેશનશીપમાં સાથે રહી શકે:


પ્રેમી જોડા માટે પણ કાયદા-કાનૂન બન્યા છે. લિવ ઈન રિલેશનશિપમાં રહેવું એ કોઈ ગુનો નથી. ભારતીય કાનૂન મુજબ લિવ-ઈન રિલેશનશિપ સંપૂર્ણપણે માન્ય છે. આ સાથે જો લિવ-ઈન રિલેશનશિપ દરમિયાન બાળકનો જન્મ થાય તો તેના માતા-પિતાની મિલકત પર બાળકનો પૂરેપૂરો અધિકાર ગણાશે.

વારંવાર ચલણ નહી ભરવાનું :


ટ્રાફિક કાયદા મુજબ નિયમનાં ભંગ બદલ એક દિવસમાં માત્ર એક જ વખત તમારૂ ચલણ કપાઈ, વારંવાર નહીં. જેમ કે તમે હેલમેટ ન પહેર્યું હોય અને એક વખત તમે ચલણ ભરી દીધું હોય તો પછી બીજા કોઈ ટ્રાફિક કર્મચારી બીજી વખત તમારૂ ચલણ ન કાપી શકે અથવા તમારી પાસેથી દંડ ન વસૂલી શકે.

પોલીસ અધિકારી હંમેશા ડ્યુટી પર હોય છે :


પોલીસ એક્ટ હેઠળ રાજ્યનાં પોલીસ અધિકારી હંમેશા ડ્યુટી પર રહે છે. રાજ્યનાં કોઇપણ ખૂણે અડધી રાત્રે કોઈ ઘટના બની હોય કે અપરાધ થયો હોય તો પોલીસ અધિકારી એમ ન કહી શકે કે, તેઓ ડ્યુટી પર નથી, કારણ કે ભારતીય પોલીસ એક્ટ અનુસાર એક પોલીસ કર્મચારી વગર વર્દીએ પણ ડ્યુટી પર જ ગણાય.

પૂછ્યા વગર પોલીસ તમારા ઘરમાં પ્રવેશ ન કરી શકે :


જો તમારા ઘરે અચાનક પોલીસ આવી પહોંચે અને ઘરમાં ઘુસવાનો પ્રયત્ન કરે તો તમે એને અટકાવી શકો. કારણ કે પૂછ્યા વગર પોલીસ તમારા ઘરમાં ન ઘુસી શકે. ઘરે આવેલ પોલીસ પાસે તમે વોરંટ જોવાની માંગણી કરી શકો. જોકે અમુક વિશેષ પરિસ્થિતિઓમાં પોલીસ ઘરમાં આવીને તપાસ કરી શકે. જો પોલીસને એવું લાગે કે કોઈ શંકાસ્પદ વસ્તું છે અને એના પૂરતા પુરાવા અને સાક્ષી હોય તો તેઓ અચાનક તપાસ માટે આવી શકે. જેમ કે કોઈ ગુનેગાર તમારા ઘરમાં છુપાયેલ હોય તો એવા કેસમાં પોલીસ વગર વોરંટે પણ તમારા ઘરની તપાસ કરી શકે.

નોન ઈમરજન્સી કેસમાં વોરંટ દેખાડવું જરૂરી છે :


કેટલાક કિસ્સા નોન-ઈમરજન્સી કેસના હોય છે. આવા કેસમાં પોલીસે તપાસ કે અટકાયત કરતા પહેલા વોરંટ દેખાડવું જરૂરી હોય છે. જેમકે કોઈ વ્યક્તિ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ અથવા માલની ચોરી કરવાનો આરોપ અથવા ઘરમાં ગેરકાયદેસર રીતે હથિયારો રાખવાનાં આક્ષેપો હોય તો પોલીસ વગર વોરંટે ઘરમાં દાખલ થઈ શકે નહીં. સૌપ્રથમ તેમણે મેજિસ્ટ્રેટનું વોરન્ટ દેખાડવું જોઈએ. ત્યાર પછી જ પોલીસ ઘરમાં દાખલ થઈ શકે. જો કોઈ કેસ અનુસંધાને પૂછપરછ કરવી હોય તો પોલીસ તમારી મંજૂરી હોય તો જ ઘરમાં પ્રવેશ કરી શકે.

મિત્રો, આજના સમયમાં સંવિધાન અને કાયદા-કાનૂનની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. હું તો કહું આપણે બધાએ આપણાં ભારતીય બંધારણનું એક પુસ્તક ઘરે વસાવવું જોઈએ. તમારૂ શું કહેવું છે?

“જ્ઞાન સાથે ગમ્મત” પરની આ માહિતી-સભર પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

નોંધ: આ પોસ્ટ ન્યુઝ ચેનલ ની અંગ્રેજી વેબ પરથી મળેલ માહિતી નું ગુજરાતી ભાષાંતર છે. પોસ્ટ માં કઈ ખોટી માહિતી લાગે તો અમને જાણ કરવા વિનંતી.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!