બોલિવૂડ મુંબઇની માયાનગરીનો માયાવી પડઘો છે એમ કહેવું ખોટું નથી. અહીં આવનારા તરી જાય છે કાં ડૂબી જાય છે. કંઈ ન હોય ને બધું મેળવી જાય છે કાં બધું હોય ને ફૂટી કોડી પણ ગુમાવી જાય છે. અહીં એકવાર લાઇમલાઇટમાં આવેલ વ્યક્તિની કાં તો લાઇફ બની જાય છે કાં તો એ પછી બીજીવાર જોવા જેવી રહેતી નથી! હાં, આ માયાનગરીની માયાવી ફિલ્મી ઇન્ડસ્ટ્રીઝનો પ્રતિઘોષ છે. અહીં આત્મહત્યાઓ પણ થાય છે, એક્સિડન્ટ પણ થાય છે!
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ એટલે વિવાદોનું ઘર! અહીં હરેક દહાડે નવા-નવા બયાનો આવે છે, અનેકોને અપચો થાય છે, પેટમાં દુ:ખે છે અને પરીણામે જન્મે છે કન્ટ્રોવર્સી! વિવાદ તો બોલિવૂડની ઓળખ છે, જેવી રાજકારણની છે. પછી વાતો અફેર્સની હોય, એકબીજા પર આરોપની હોય, ધર્મને લગતી હોય, કોઇની ભાવનાઓની સાથે હળી કરવાની હોય કે એની વે ગમે તે હોય. પણ વિવાદ એટલે વિવાદ! અને વિવાદો આરંભાય પછી આખા દેશને એમાં રસ પડે.
બોલિવૂડમાં કોઇ સેલિબ્રિટી જોડીના લગ્ન થાય ત્યારે પ્રસિધ્ધીની હારમાળા છવાય છે. દેશભરનું મિડીયા પોતાના કેમેરા અહર્નિશ એની સામે રાખે છે તે છેક કાં તો સંતાન થાય ત્યાં સુધી કે કાં છૂટાછેડા થાય ત્યાં સુધી! ઘણી અભિનેત્રીઓ એવી પણ હોય છે જે આવી લાઇમલાઇટમાં લગ્ન કરવાનું પસંદ નથી કરતી અને પરીણામે તે દૂર, કોઇ દેશાવરમાં જઇને ચૂપકીદીથી પોતાના હમસફર સાથે લગ્ન કરી લે છે. બાદમાં ખુલાસો આવે અને ચર્ચાઓ જાગે.
અહીં આપણે પણ વાત કરવી છે એવી જ કેટલીક બોલિવૂડ અભિનેત્રીઓની જેણે ચકમકની દુનિયાની દૂર રહીને એકદમ ચૂપકીદીથી લગ્ન કરી લીધાં અને સમાજને તેની ખબર પણ ના પડી! વાંચો ત્યારે કોણ-કોણ છે આ લિસ્ટમાં :
આ એક્ટ્રેસોએ કરી ‘છાનીમાની’ શાદી –
શ્રીદેવી –
તાજેતરમાં જ શ્રીદેવીનું નિધન બોલિવૂડને શોકગ્રસ્ત કરી ગયું. શ્રીદેવીની તુલના એક જમાનાની બહેતરીન અભિનેત્રીઓ જોડે થતી હતી. કંઇક વર્ષો અંધારામાં રહ્યાં બાદ એણે નવા રૂપરંગ સાથે કરેલ કમબેક પણ સફળ રહ્યું હતું. શ્રીદેવીએ ૧૯૯૬માં જ્યારે ફિલ્મ નિર્માતા બોની કપૂર જોડે લગ્ન કર્યાં ત્યારે બધાં ચોંકી ઉઠેલાં. લગ્ન એકદમ ગુપચૂપ થયાં હતાં.
કિમ શર્મા –
કિમ શર્મા વિશે તો આજે બહુ ઓછાને માહિતી હશે. અલબત્ત, તે વિશાળ પ્રસિધ્ધી મેળવનાર અભિનેત્રી હતી પણ નહી, છતાં એના દિવાના પણ લાખો હતા. કિમ શર્માએ ૨૦૧૦માં બિઝનેસમેન ટાઇકૂન અલી પૂંજાની સાથે લગ્ન કરેલાં.
ઉર્મિલા મતોડકર –
એક સમયની ઘણી ચર્ચિત અભિનેત્રી રહી ચૂકેલી ઉર્મિલા મતોડકરે એમના બોયફ્રેન્ડ મોહસિન અખ્તર સાથે વાડ બોલેને વેલો ન સાંભળે તેવી રીતે શાદી કરી હતી.
લિસા હેડન –
લિસા હેડનની બોલ્ડનેસ અને ખુબસુરતીની એક સમયે ચોતરફ ચર્ચાઓ થતી. અનેક લોકો તેના દિવાના હતા. (દિવાનાની કમી ન હોય!) લિસાએ પણ ટાંચણીને ટચકારે વિદેશના સમંદર કિનારે બિઝનેસમેન ડીનો લાલવાની સાથે લગ્ન કરી લીધેલાં. એમના લગ્ન વિશે ખબર ત્યારે પડી જ્યારે ડિઝાઇનર માલિની રામિનીએ એમના મેરેજની કેટલીક ફોટોઝ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી.
સેલિના જેટલી –
સેલિના અદાકારા તો હતી પણ એ અભિનયથી પ્રસિધ્ધ નહોતી થઇ એટલી અદાઓથી થઇ હતી.(મીન તો તમે મનમાં સમજી ગયાં હશો!) પ્રસિધ્ધી આમ પણ મળે છે! સેલિના જેટલીએ ગૂપચૂપ રીતે ૨૦૧૧ ઓસ્ટ્રેલિયાના ધંધાદારી માણસ સાથે લગ્ન કરેલાં. એક મહિના પછી ટ્વીટર પર પોસ્ટ કરી એટલે એમના ચાહકોને ખબર પડી!
દોસ્તો, તમને આર્ટીકલ પસંદ પડ્યો હોય તો આપના મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ!