હવે માત્ર ૧૦ સેકન્ડમાં જાણવા મળશે કોઈ પણ ટ્રેનનું લાઇવ સ્ટેટસ
રાજકોટ: રેલવે સુપરફાસ્ટ ટ્રેનની સાથે હવે સુપરફાસ્ટ ઓનલાઈન સુવિધા પણ આપી રહ્યું છે. તાજેતરમાં જ રેલવેએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો છે જેમાં કોઈપણ વ્યક્તિએ માત્ર ટ્રેનનો નંબર મોકલવાથી જે-તે ટ્રેન સંબંધિત તમામ માહિતી માત્ર 10 સેકન્ડમાં જ મળશે.કઈ ટ્રેન ક્યાં સ્ટેશનેથી ક્યારે નીકળશે અને કેટલા વાગે પહોંચશે આ તમામ માહિતી હવે લોકોને ઘેર બેઠા પણ મળશે. આમ તો રેલવેની વેબસાઈટ, એન્ડ્રોઈડ એપ્લિકેશન સહિતની સર્વિસ અમલમાં છે.પરંતુ વોટ્સએપ નંબર જેવી ફાસ્ટ સુવિધા બીજા કોઈમાં ઉપલબ્ધ નથી. રેલવેએ જાહેર કરેલો વોટ્સએપ નંબર 7349389104 પર યાત્રિકોને દરેક માહિતી મળી શકશે. નિયમિત રેલવે મુસાફરી કરતા યાત્રિકો આ નંબર પોતાના મોબાઈલમાં નોંધી લે. રેલવેના આ વોટ્સએપ નંબરને ‘ટ્રેન લાઈવ સ્ટેશન’ના નામથી ઓળખ મળી છે. આ નંબર ઉપર મેસેજ કર્યાના 10 સેકન્ડમાં જ જે-તે ટ્રેન સંબંધિત તમામ માહિતી મળશે. રેલવેની આ સુપરફાસ્ટ સેવા સમગ્ર દેશમાં અમલી કરી દેવામાં આવી છે.

PNR સ્ટેટસ જાણવા પણ વોટ્સએપ નંબર જાહેર કરાશે
રેલવે નજીકના દિવસોમાં જ પીએનઆર સ્ટેટસની જાણકારી મેળવવા માટે પણ એક વોટ્સએપ નંબર (8305699144) જાહેર કરશે. એટલે કે હવે રેલવે યાત્રિકો એપ્લિકેશન ડાઉનલોડ કર્યા વિના જ ગણતરીની સેકન્ડમાં જ પીએનઆર નંબરનું કરન્ટ સ્ટેટસની જાણકારી પ્રાપ્ત કરી શકશે. ટ્રેનના કરન્ટ સ્ટેટસની સુવિધા વોટ્સએપ નંબરને મેક માય ટ્રીપ સાથે જોડીને શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી ટ્રેનના રનિંગ સ્ટેટસ જાણવા માટે રેલવેએ 139 નંબર જાહેર કર્યો હતો જેના પર ફોન કરીને યાત્રિક ટ્રેન સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકતા હતા.
કઈ કઈ જાણકારી વોટ્સએપ નંબર પર મળશે
દા.ત ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલનો ક્રમાંક 22946 છે. તો યાત્રિક રેલવેના વોટ્સએપ નંબરમાં 22946 લખીને મોકલશે તો તેને રેપ્લાય મેસેજમાં સૌપ્રથમ ટ્રેનનું નામ લખેલું હશે. ત્યારબાદ ટ્રેનની અન્ય જાણકારીમાં આ ટ્રેન કેટલી મિનિટ મોડી ચાલી રહી છે તેની વિગત હશે. જો આ ટ્રેન રવાના નહીં થઇ હોય તો આપને સંબંધિત સ્ટેશનથી નીકળવાનો સમય મળી જશે. અને જો ટ્રેન બે સ્ટેશન વચ્ચે હશે તો મેસેજમાં લખેલું હશે કે આ ટ્રેન આ સમયે આ સ્ટેશને પહોંચી હતી અને હવે આ સમયે આગળના સ્ટેશને પહોંચશે. આ ઉપરાંત પરિસ્થિતિ અનુરૂપ જાણકારી પણ મળશે અને સૂચનાનું છેલ્લું અપડેટ અને તેનો સમય તથા તારીખ પણ દર્શાવેલી હશે.
રાત્રીના સમયે આ સુવિધા વધુ ઉપયોગી
રેલવેની આ સેવા રાત્રીના સમયે વધુ ઉપયોગી છે. સામાન્ય રીતે યાત્રિક રાત્રે ભોજન લઈને સૂઈ જતા હોય છે. તેને જે સ્ટેશન પર ઉતરવાનું હોય તે અંધારું હોવાથી અંદાજ આવી શકતો નથી. આસપાસના યાત્રિકો પણ સૂતા હોય છે તેમને પૂછવું સમભાવ નથી હોતું ત્યારે આ વોટ્સએપ નંબરમાં ટ્રેન નંબર મોકલવાથી ટ્રેન ક્યાં સ્ટેશને પહોંચી અને આગળના સ્ટેશનની જાણકારી પણ મળશે. કોઈને પૂછવાની જરૂર નહીં રહે.

28/6/2011