Mojemoj.com

Best Gujarati Blog

સાબુદાણા – શાકાહારી કે માંસાહારી | અહી ક્લિક કરીને વિગત વાંચીને તમારો મત રજુ કરો

શ્રાવણના ખરા અર્થમાં સોનેરી કહી શકાય એવાં દિવસો ધીરેધીરે પસાર થઇ રહ્યાં છે અને તહેવારોની મોસમ આવી રહી છે. બધાંના મનમાં એક પ્રકારનો ઉમંગ છવાયેલો જ હશે! જન્માષ્ટમી હવે તો ઘણાં તહેવારોની મોસમ શરૂ થવામાં જ છે. તમને ખ્યાલ જ હશે કે, ઘરમાં કોઇને ઉપવાસ હોય ત્યારે સાબુદાણાનો ઉપયોગ થાય છે. સાબુદાણાની ખીર તો દરેક ગુજરાતી ઘરમાં બનતી જ હોય છે. તદ્દોપરાંત પણ ઘણી વાનગીઓ સાબુદાણામાંથી બને છે અને ઉપવાસના દિવસે તેમનું સેવન કરી શકાય છે.

સાબુદાણામાંથી ખીચડી, ખીર, પાપડ, વડાં અને ચકરી જેવી ઘણી સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી શકાય છે. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે સાબુદાણા શામાંથી બને છે? કેવી પ્રક્રિયા કરવામાં આવે છે એની બનાવટ પાછળ? અને હાં, હમણાંકથી સોશિયલ મીડિયા પર ફરતાં એક મેસેજ મુજબ સાબુદાણાના શાકાહારી હોવા પર સંદેહ શા માટે કરવામાં આવી રહ્યો છે? આ બાબતની જાણકારી છે ખરી તમારી પાસે? નહી, તો આજે વાંચી જ લો સાબુદાણા વિશેનો ખુલાસો :

ઝાડના મૂળમાંથી બનાવાય છે સાબુદાણા –

સાબુદાણાનો ઇતિહાસ ખાસ જુનો ના કહી શકાય. મૂળે પ્રાચીન તો નહી પણ મધ્યયુગીન ભારત સુધી પણ તેનું અહીં કોઇ અસ્તિત્વ નહોતું. એક વાત જાણી લો કે, સાબુદાના Tapioca/ટેપિયોકા નામક વૃક્ષના મૂળમાંથી બનાવવામાં આવે છે, જે મૂળે દક્ષિણ અમેરીકામાંથી ભારત લાવવામાં આવેલ..લગભગ ૧૯મી સદીમાં.

સાબુદાણાનું સૌપ્રથમ ઉત્પાદન તમિલનાડુના સેલમ ખાતે કરવામાં આવેલ. આજે પણ સેલમ જ ભારતનું મુખ્ય સાબુદાણા ઉત્પાદક મથક છે. લગભગ ૭૦૦ જેટલી ફેક્ટરીઓ આ વિસ્તારમાં આવેલ છે. આઝાદી મળ્યાંના ત્રણ-ચાર વર્ષ પહેલાં ભારતમાં પ્રથમ વખત સાબુદાણા બનાવવામાં આવેલ. સાબુદાણાનું ઉત્પાદન એ પછી મોટાભાગે ગૃહઉદ્યોગ પર જ થતું.

વાત કરીએ સાબુદાણાની બનાવટની તો, સૌપ્રથમ ટેપિયોકા વૃક્ષના મૂળને કાઢીને એમને સારી રીતે સાફ કરવામાં આવે છે. જે રીત બટાટાંને કાઢ્યાં પછી તેનું હાર્વેસ્ટીંગ કરવામાં આવે છે તેમ. આ મૂળ Cassava/કસાવા નામથી ઓળખાય છે.

ત્યાર બાદ મશીન દ્વારા કસાવા મૂળની ઉપરની છાલને કાઢવામાં આવે છે-કોઇ બેદરકારી ના રહે તેની કાળજી સાથે. છાલ કાઢ્યાં પછી અંદર મૂળનો ઘટ્ટ ગર/માવો બચે છે. જેને ત્યારબાદ જરૂરી પાણીની માત્રા ઉમેરી પીસવામાં આવે છે. એ પછી એક વિશાળ પાત્રમાં પીસાયેલા ગરને ઠારવામાં આવે છે, સુકવવામાં આવે છે. એમાં રહેલ વધારાના પાણીને કાઢવામાં આવે છે.

ત્યારબાદ બાકી રહેલ મૂળના સુકાયેલા માવાની મશીનની મદદથી નાની ગોળીઓ બનાવવામાં આવે છે. એ ગોળીઓ એટલે સાબુદાણા. તો આવી રીતે સાબુદાણા તૈયાર કરવા પાછળ પ્રક્રિયા કરવામાં આવે છે.

સાબુદાણા શાકાહારી કે માંસાહારી? –

આ પ્રશ્નનો જવાબ લગભગ તો તમને ઉપરના ફકરા વાંચીને મળી જ ચુક્યો હશે. વોટ્સએપ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના કટીંગને કોઇએ છાપે ચડાવ્યું છે જેમાં કહેવામાં આવેલ છે કે, સાબુદાણા બનાવવા માટે ટેપિઓકાના કસાવાને જમીનમાં ખાડો ખોદીને નાખવામાં આવે છે : સડવા દેવા માટે. પછી એમાં જીવડાં પડે છે, ઇયળ પડે છે, અળસિયાં પડે છે..! મૂળના ગર સમેત એ બધાંનો છૂંદો કરીને પછી સાબુદાણા બનાવવામાં આવે છે! અને વધારામાં કહેવાય છે કે, એની કંપનીઓની આસપાસ પણ વિશિષ્ટ ગંધ આવતી હોય છે.

આવું કરવું હોય તો ખેતરમાં પણ થઇ શકે, અળસિયાંના ખાતરની જેમ! વાચકમિત્રોને ભલામણ કે, સોશિયલ મીડિયાના લેખો પર આધારિત આવા વિકૃત-બોગસ છાપાંઓ પર વિશ્વાસ રાખીને ચાલશો તો કાલ સવારે એ એમ પણ કહેશે કે, તમે ખીચડી રાંધવા મૂકો અને માથે છીબું ઢાંકો પછી તમને ખબર નથી હોતી પણ ખરેખર એ વખતમાં છ-સાત પરોપજીવીઓ આવીને ખૂનામરકી મચાવી જાય છે માટે ખીચડી કદાપિ શાકાહારી નથી..!

તમતમારે આરામથી સાબુદાણા આરોગજો અને જલસાં કરજો! અને હાં, આર્ટીકલ જાણકારી સભર લાગ્યો હોય તો સાબુદાણાને નોનવેજ કહેનારના મોઢે મારજો એટલે કે શેર કરજો. ધન્યવાદ!

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!