Mojemoj.com

Best Gujarati Blog

શું તમે જાણો છો દરેક શિવ મંદિરમાં નંદીનું સ્થાન પ્રથમ શા માટે છે? -ક્લિક કરીને વાંચો શું છે કારણ

શ્રાવણ મહિનાના દિવસોમાં શિવજીની આરાધનાનું મહાત્મય વધતું જાય છે. શિવમંદિરોમાં દિવસમાં ત્રણ નિયમિત આરતીઓ થાય છે અને શિવલીંગને શણગાર સજાવી પૂજન-અર્ચન થાય છે. બધાંને ખ્યાલ જ હશે કે, શિવમંદિરમાં જતી વખતે મંદિરના ગર્ભગૃહની બરાબર સામે નંદી(પોઠીયો) બિરાજમાન હોય છે. દરેક શિવમંદિરમાં આ રીતે પ્રથમ સ્થાન નંદીનું જ હોય છે. પણ તમે કદી વિચાર કર્યો છે કે આખરે શા માટે શિવ મંદિરમાં નંદીનું સ્થાન હોય જ છે? શા માટે શિવજીને પ્રાર્થતા પહેલાં નંદીની સ્તુતિ જરૂરી છે? એવું તો શું કારણ છે કે, નંદી હંમેશા શિવજીની સાથે જ હોય છે?

આજે આ બધાં પ્રશ્નોના એકદમ સરળતાથી જવાબો આપવાના છે જે અમે અહીઁ પ્રસ્તુત કર્યા છે. પ્રથમ તો એ બાબત સામાન્ય રીતે બધાં જાણતા હશે કે, નંદી શિવજીનું વાહન છે. તદ્દોપરાંત, કૈલાસમાં તે દ્વારપાળ છે અને શિવજીના મુખ્ય ગણમાંના એક છે.

આ રીતે થયો નંદીનો ઉદ્ભવ –

પુરાણકાળમાં મહર્ષિ શિલાદ નામના એક મુનિ વેદ-વેદાંગમાં પારંગત અને બ્રહ્મચારી વ્રતનું પાલન કરનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક વખત તેને ઇચ્છા થઈ કે, પોતાને પણ એક પુત્ર હોય જેથી પોતાનો વંશ આગળ વધે, ટકી રહે. બ્રહ્મચારી હોઈ કોઈ શારીરિક સબંધો તેના માટે ત્યજ્ય હતાં. આથી મહર્ષિ શિલાદે ભગવાન શિવની તપશ્વર્યા કરી. શિવ પ્રસન્ન થયાં અને વરદાન માંગવા કહ્યું. શિલાદે પુત્રપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. શિવે તથાસ્તુ કહીને આગાહી કરી કે, પોતાનો જ અંશ એમને ત્યાં પ્રગટ થશે!

એ પછી થોડો સમય વીત્યો. એક વખત મહર્ષિ શિલાદ ખેતર ખેડતા હતા એ વખતે એક નાનું બાળક તેમને મળ્યું. મહજ બળદ જેવા મુખવાળું આ બાળક કોનું હશે અને કોણ હશે એ પ્રશ્નો મહર્ષિના ચીતમાં વ્યાપ્યા એ જ વખતે આકાશવાણી થઈ કે, શિલાદ! મેં જે રૂપે તારે ત્યાં અવતરવાનું વરદાન આપેલું તે આ જ! મહર્ષિ બાળકને ઘરે લઈ ગયા.

નંદી મોટો થતો ગયો. એક દિવસ કેટલાંક બ્રાહ્મણ જ્યોતિષીઓ શિલાદમુનિને આશ્રમે પધાર્યાં. નંદીનું ભાવિ ભાખીને તેમણે ચિંતા વ્યક્ત કરી કે, આ બાળક અલ્પાયુ નીવડશે! નંદીએ મંદ સ્મિત કરીને કહ્યું કે, હું તો ભગવાન શિવનો અંશ છું! મારે મોતની શી બીક?

અને નંદી અઘોર વનમાં તપશ્વર્યા કરવા ચાલ્યો ગયો. કઠોર તપ કર્યું અને શિવને પ્રશન્ન થવું જ પડ્યું. વરદાનનાં બદલામાં નંદીએ આયુષ્ય નહી પણ જન્મોજન્મ શિવજીના દાસ બનીને રહેવાની ઈચ્છા જ માંગી! અને બસ તે જ દિવસથી નંદી અને શિવ, શિવ અને નંદીનો સમન્વય થયો.

કહેવાય છે કે, દેવાસુરોએ સમુદ્રમંથન કર્યું અને મંદરાચલને વલોણું બનાવી સમંદરરૂપી ગાગરમાં વલોવ્યો અને અંદરથી અમૃત અને બીજાં દ્રવ્યોની સાથે ઝેરના પણ જે છાંટણાં થયાં એ શિવજીએ ગ્રહણ કર્યાં. એમાંથી થોડું ઝેર ધરતી પર ઢોળાયું એ વખતે નંદીએ પોતાની જીભ વડે ઝેર ચાટી લીધું. કોઈએ એમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો નંદીએ જણાવ્યું કે, મારો નાથ ઝેર ગ્રહણ કરે ને હું એક ટીપુંય ના પી શકું..?! બસ, એ દિવસથી શિવજીની કૃપા નંદી પર વધુને વધુ વરસવા લાગી.

નંદીની આવી પ્રબળ શિવભક્તિના પ્રતાપે જ એને શિવમંદિરમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આજે પણ લોકો શિવને ચરણે જતા પહેલાં નંદીના ચરણ પખાળે છે. એક વખત રાવણે અભિમાનને હિલોળે ચડીને કૈલાસ ઉપાડ્યો અને શિવને હેરાન કર્યા ત્યારે નંદીનો મગજ હલી ગયો અને એણે પગના એક માત્ર અંગૂઠાના વજનથી કૈલાસ દબાવી દીધો. નીચે રાવણનો હાથ આવી ગયો. એ તો પછી રાવણે શિવની મન લગાવીને તારણહાર ધારીને સ્તુતિ કરી ત્યારે નંદીએ વજન હળવો કરેલો! આવી છે ભગવાન શિવના ગણ નંદીની મહત્તા!

મિત્રો, લેખ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો જેથી બીજાં પણ આ વાતને માણી શકે-જાણી શકે. મહાદેવ સૌનું ભલું કરે! ધન્યવાદ!

Updated: August 26, 2019 — 11:41 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!