Mojemoj.com

Best Gujarati Blog

રોટલી માટે આ દીકરીઓ જે કસરતો રોડ પર કરે છે – કદાચ એ કાલે દેશને ગોલ્ડ પણ અપાવી શકે

પેટ માણસ પાસે કેવા-કેવા વેઠ કરાવે છે? બે ટંકનું અને નહી નહીને એક ટંકનું ભોજન મેળવવા માટે મનુષ્યએ કેટલી દોડાદોડી કરવી પડે છે? જેની પાસે પુરતી સગવડ છે એને વધારે કશું કરવાનુ રહેતું નથી પણ જેની પાસે ટાણે ટાણાની ઠન-ઠન છે તેને તો ન જાણે શું-શું કરવું પડતું હશે!

સડકને કાંઠે રહેતાં અને પૂર્ણ પ્રતિશત અગવડોમાં જીવતા કુટુંબો માટે તો એક ટાણાનો રોટલો જાણે જીવનમરણનો સંગ્રામ બની જાય છે! ફાઇવ સ્ટાર હોટલોમાં જમતી વખતે જો તમને આવા દેશબાંધવોની યાદ આવે છે તો માનજો તમે દેશપ્રેમી જ છો! આઝાદી પછી પણ આવા લોકો માટે આપણે વાતો સિવાય વધારે શું કર્યું છે? અંતરમાં ઝાંખશો તો એ વાતની પણ પ્રતિતી થશે કે, આવા લોકો પાસે આપણને ઉભા રહેતાં પણ શરમ આવે છે-હેં ને? પછી એની મદદ કરવાની વાત તો ક્યાં રહી?

પણ ઉપરવાળો કોઇને ભૂખ્યાં ઉઠાડી શકે છે, ભૂખ્યાં સુવડાવતો નથી. આવા કુટુંબોના માસૂમ શા બાળકોને પણ પેટ માટે નથનવી વેઠ કરવી પડે છે. સડક કિનારે તમે ઘણીવાર જોતાં હશો કે, લઘરવઘર લૂંગડામાં આવા બાળકો અવનવા કરતબ બતાવતા નજરે ચડે છે. આદમી ઢોલ વગાડતો હોય અને એની નાનકડી શી બાળકી બે ઉભી લાકડીઓ પર બાંધેલા દોરડા પર ચાલતી હોય..!

આવા તો અનેક કરતબો આવા કુટુંબો કરતાં હોય છે અને બદલામાં લોકો જોવા રોકાય અને બે-પાંચ દોકડા આપે અને પેટ ગુજારો થાય. અમુક કુટુંબો આ જ ધંધો બનાવી લેતા હોય છે. એમના કરતબો આપણી કલ્પના બહારના પણ હોય છે. આપણે માટે એવી હેરત કરવી શક્ય નથી. નાનકડાં બાળકો એવા કરતબ અજમાવે કે આપણે જોઇને આશ્વર્ય થાય.

અમુક તરુણીઓ/દિકરીઓ પણ હોય. લોકો વધારે પૈસા આપે એને. એના કરતબોને તાળીઓથી વધાવી પણ લે. પણ આ વખતે એમ પણ થાય કે, અહીં સરકારની બાળ સંરક્ષણ અને બાળ શિક્ષા અભિયાનના ધજાગરા ઉડે છે! આ બાળકો હમણાં નહીં ભણે તો ક્યારે ભણશે? અરે! પણ એ ભણશે જ કેમ? એના મા-બાપ શું ખાશે જો એ કરતબ બંધ કરીને ભણવાનું ચાલુ કરશે તો? ને એ છોકરીનો પેલો ધાવણો ભાઇ તો કેટલો નબળો છે! જો એ છોકરી ભણવા જશે તો એની માના સ્તનમાં દૂધ જ નહી રહે અને પછી એનો ભાઈ વધારેમાં વધારે કેટલાં દિ’ કાઢશે?

કેન્દ્રમાં બાળ વિકાસ મંત્રાલય છે અને રાજ્યમાં બાળ વિકાસ વિભાગ છે પણ એ પણ હક્કીકત છે કે, એની સાથે જેને કંઇ નિસ્બત નથી એવા અનેકો બાળકો આજે સડક પર આમ જ કરતબ બતાવે છે!

જરૂર છે આવી દિકરીઓને સ્કુલે મોકલવાની. એની રમત-ગમતવૃત્તિને બઢાવો દેવાની. બની શકે એ જ એક દિવસ ઓલંપિકમાં ભારતનું નામ રોશન કરે! અને યાદ રાખજો, આવા બાળકોમાંથી સામ પિત્રોડા કે સરિતા ગાયકવાડ પેદા થાય છે! તમને એમ થાય કે, આવા કેટલાંક ફેમિલીની મદદ કરવી? તો એ પણ જાણી લો કે, તમે મદદ કરીને કંઇ ગજગજ ફૂલતી છાતીનું કામ નથી કરતા, એ તમારી ફરજ છે અને તમે કરો છો. તમારે કરવાનું જ છે અને ત્યાં સુધી કરવાનું છે જ્યાં સુધી તમને એમ લાગે કે, હવે વધારે મદદ કરીશ તો હું ભુખભેગો થઈ જઈશ! ધન્યવાદ!

Updated: June 11, 2019 — 11:52 am

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!