માતાની મદદ માટે દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વેચે છે આ માસૂમ, જાણો એમની દુઃખદ કહાની
આજે આખી દુનિયામાંથી ગરીબી વિશે જે અહેવાલો સામે આવી રહ્યા છે તે ખૂબ જ નિરાશાજનક છે. ગરીબી એક એવી ઉંડી ખીણ છે કે જેમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. ગરીબીને કારણ જ તે નિર્દોષ બાળકો કે જેમના હાથમાં પુસ્તકો હોવા જોઇએ, તેઓ આજે રસ્તામાં ભીખ માંગતા નજરે ચડે છે. ઘણી વખત ગરીબીને કારણે બાળકો પોતાનું બચપણ છોડીને કુટુંબનો વિચાર કરે છે અને પોતાના માતા-પિતાની મદદ કરવાનાં હેતુથી કામ-ધંધો કરવા લાગે છે. જોકે, ફિલિપાઈન્સમાં એક ગરીબ માતાને મદદ કરવા માટે બાળકોએ પોતાનું ભણતર નથી છોડ્યું, પરંતુ દિવસે અભ્યાસ અને રાત્રે ફૂલ વિક્રેતા બની જાય છે.

ગરીબ માતાની મદદ કરવા માટે બાળકોએ કર્યું આ કામ :
આ બન્ને બાળકોની કહાની ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોના ધ્યાને આવી હતી. સોશિયલ મીડિયા મુજબ, પોતાની ગરીબ માતાની મદદ માટે બાળકોએ અભ્યાસની સાથોસાથ ચમેલીનાં ફૂલ વેચવાનું શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે ચમેલીનાં આ ફુલને ફિલિપિન જાસ્મીન કે અરેબિયન જાસ્મીન પણ કહેવાય છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલ આ કહાની અનુસાર, 11 વર્ષીય માર્લોન અને એનો 9 વર્ષીય ભાઈ મેલ્વિન મેન્ડોઝા ફિલિપાઈન્સનાં ક્યૂઝન શહેરમાં એક ફૂટપાથ પર ચમેલીના ફૂલ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પોતાની 37 વર્ષીય ગરીબ માતા રોશેલની મદદ કરવા માટે બાળકોએ પોતાનો અભ્યાસ ચાલુ રાખીને ફૂલ વેચવાનો રસ્તો અપનાવ્યો. તમને જણાવી દઈએ કે આ બાળકોનાં પિતા અવૈદ્ય રીતે નિશીલી દવાઓનું વેચાણ કરવાના આરોપસર જેલમાં છે, આ ઘટના બાદ બાળકો કામ કરવા મજબૂર બન્યા છે. તમને જણાવી દઈએ કે સેમ્પાગ્વિટા એટલે કે ચમેલીનું ફૂલ ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફૂલ છે, તેના કારણે, તેની માંગ અહીંયા વધુ રહે છે. આ જ કારણ છે કે ગરીબ માતાની મદદ માટે બાળકોએ ચમેલીનાં ફૂલ વેચવાનું શરૂ કર્યું છે.
આ બાળકો મોડી રાત સુધી ફૂલ વેચવાનું કામ કરે છે. આ કામ તેમને સ્કૂલ ડ્રેસમાં જ કરવું પડે છે. આ બાળકોની માતા રોશેલનાં કહ્યા મુજબ, તેણીએ એક વખત બાળકો સાથે રહીને એમની મદદ કરવા કીધું, પણ તેઓ જાતે જ આ કામ કરવા માંગતા હતાં. આ કહાની વાયરલ થયા પછી સામાજિક કલ્યાણ અને વિકાસ વિભાગે પરિવારની આર્થિક સ્થિતિ જોતા એમને પુલની નીચે એક આશ્રમમાં રાખવાની વાત કહી હતી. જોકે, રોશેલે આ મદદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો, કારણ કે આનાથી બાળકોનાં શિક્ષણમાં ખલેલ પડતી હતી.
આવા સમજુ બાળકોને લાખ-લાખ સલામ છે, જેમણે નાનપણથી ઘરની જવાબદારીમાં પોતાનો હિસ્સો નોંધાવ્યો છે. બાકી આજના જમાનામાં મોટા-ઢાંઢા લોકો પણ પોતાની જવાબદારીથી મોઢું ફેરવી લે છે.