રાધા-કૃષ્ણ ના પ્રેમની વાતો તો બધાએ સાંભળી હશે – ક્લિક કરી વાંચો ના સાંભળેલી વાત

ભગવાન કૃષ્ણનો ઉલ્લેખ થાય અને સાથે રાધાજીનું નામ ન આવે એ કેવી રીતે સંભવ બને! અજોડ સ્નેહનું ઉદાહરણ એટલે જ તો રાધા-કૃષ્ણ! બંને નામ એકબીજાના પૂરક છે. એટલી હદે કે, એમને અલગ જ ના કરી શકાય. રાધાકૃષ્ણ! કથાઓમાં જુઓ કે નવરાત્રીના ગરબાઓમાં…રાધાકૃષ્ણની લીલાઓના ગુણગાન આજે પણ ભક્તિભાવપૂર્વક ગવાય જ છે.

અમુક જાણકારોના કહેવા અનુસાર રાધાજીનું પાત્ર વાસ્તવિકતા નથી, પણ આ વાતને આપણે અહીં નજર સમક્ષ લઈશું નહી. રાધાજી વગર કૃષ્ણ અધુરા છે અને કૃષ્ણ વગર રાધાજી!

પણ શું તમે જાણો છો કે જ્યારે કૃષ્ણ ગોકુળ સમેત રાધાજીને છોડી ગયાં પછી રાધાજીનું શું થયું હતું? વિચારશો તો તમને પણ લાગશે કે, પછી તો રાધાજીનો ક્યાંય કોઈ ઉલ્લેખ જ નથી. તમે જાણો છો કે રાધાજીનું મૃત્યુ કેવી રીતના થયેલું? રાધાજીની અંતિમ ઇચ્છા શું હતી? કદાચ નહી! આજે અમે આ પ્રશ્નોના જ રસપ્રદ તથ્યો અહીં લઇને આવ્યાં છીએ.

રાધાજીના અવસાનથી વ્યથિત માધવે જ્યારે વાંસળી તોડીને ફેંકી દીધી –

ભગવાન કૃષ્ણએ કંસનો વધ કર્યો આથી ક્રોધે ભરાઈને કંસના બનેવી અને મગધના સમ્રાટ જરાસંઘે ગોકુળ પર ઉપરાછાપરી ચડાઈઓ કરી. આખરે ગોકુળને તેના ત્રાસમાંથી છૂટકારો અપાવવા કૃષ્ણએ ગોકુળ છોડ્યું અને રણછોડ દ્વારિકા જઇ વસ્યાં. કૃષ્ણએ ગોકુળ છોડ્યું અને રાધાજીથી પણ વિખૂટાં પડ્યા. ખબર નહી એવું તો ગોકુળ છોડતી વખતે કૃષ્ણે શું-શું ગુમાવ્યું હશે!

કહેવાય છે કે, વખત વીતતાં રાધાજી દ્વારિકા આવ્યાં. કૃષ્ણના દર્શન કરીને અત્યંત પ્રસન્ન થયાં. કૃષ્ણ પણ ભાવવિભોર બની ગયા. રાધાજીને દ્વારિકામાં કૃષ્ણ સિવાય કોઈ ઓળખતું નહી. બંને સાંકેતિક ભાષામાં વાત કરતાં અને અર્થો સમજી જતાં. ભગવાન કૃષ્ણએ રાધાજીને દેવીકાના રૂપમાં મહેલમાં રાખ્યાં. મહેલના કામકાજ પર પણ રાધાજી દેખરેખ રાખતાં.

પણ વિધીએ વિધાનો કંઈ વસમા જ લખ્યાં હશે! હવે તો રાધાજીની પણ ખાસ્સી ઉંમર થઈ ગઈ. હવે ક્યાં સુધી આવી રીતે રહેવું? અને એક દિવસ ગુપચૂપ રીતે તે નીકળી ગયાં. ચાલતા ગયાં…બસ ચાલતા જ ગયાં! માઇલોના માઇલો સુધી પદયાત્રા જારી રાખી. અંતે દ્વારિકાથી કોંસો દુર પૂર્વમાં આવીને એક ઠેકાણે વસવાટ કર્યો. પણ હાય રે હાય…પ્રાણ તો દ્વારિકામાં જ હતો ને! મન, હ્રદય, ચેતન બધું જ માત્ર ‘કૃષ્ણ-કૃષ્ણ’ પોકારવા લાગ્યું.

વિરહમાં ને વિરહમાં રાધાજીનું શરીર પણ હવે તો જવાબ આપવા લાગ્યું. પછી તો લાગવા માંડ્યું કે હવે અંતની પણ ઘડીઓ ગણાય રહી છે. રાધાજી અંતરથી કૃષ્ણને યાદ કરવા લાગ્યાં. કૃષ્ણના અંતરમાં પણ આ સ્મરણથી ધણેણાટ વ્યાપ્યો. તત્ક્ષણ એ રાધાજી સમક્ષ પ્રગટ થયા. કૃષ્ણદર્શન થતાં જ રાધાજીના અંતરમાં પરમશાંતિ છવાઈ ગઈ. હવે ભલે આવે મોત!

કૃષ્ણએ રાધાજીને કશું માંગવા કહ્યું. પણ હવે શાની માંગણી હોય?! પણ માધવે ફરી આગ્રહ કર્યો ત્યારે રાધાજીએ એકવાર કૃષ્ણની વાંસળી સાંભળવાની ઇચ્છા દર્શાવી. એ જ…એ જ..પેલી સરવા રે સાદની રે બૂઢા રાગની! જે વાંસળીએ ગોકુળ ગાંડુતૂર બનતું એ સુરયુક્ત વાંસળી! કૃષ્ણએ વાંસળી હાથમાં લીધી, છિદ્રો પર આંગળીની ટોચ રાખી અને અધરમાંથી વાંસળીમાં પ્રાણ ફૂંક્યો. શી વાગી તે હશે તે દિવસે એ વાંસની સળી!

કહેવાય છે કે, વાંસળીના સુર સાંભળીને રાધાજીએ પ્રાણ ત્યજ્યાં અને વિરહમાં શોકાતૂર બનેલા માધવે તે જ સ્થળે વાંસળી ભાંગી નાખી! આ જે પણ રાધાજીએ જે સ્થળે કૃષ્ણનો ઇન્તજાર કરેલો અને બંને પરમતત્ત્વોએ જ્યાં એકબીજાના દર્શન કરેલાં એ સ્થળે એક મંદિર છે. મહારાષ્ટ્રમાં સ્થિત આ મંદિરને ‘રાધા રાણી મંદિર’ નામથી ઓળખવામાં આવે છે.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ? આશા છે કે, રોચક માહિતીએ જરૂરથી તમારા જ્ઞાનમાં વધારો કર્યો જ હશે. યોગ્ય લાગે તો આપના મિત્રો સાથે પણ શેર કરજો. જય રાધાવલ્લભ!

Leave a Reply

error: Content is protected !!