સુષ્મા સ્વરાજને મળતા જ રડી પડ્યો – પાકિસ્તાન જેલમાં 6 વર્ષ વીતાવી ભારત પરત ફર્યો હામિદ

છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ રહેલ ભારતીય નાગરિક હામિદ નિહાલ અંસારી મંગળવારે સ્વદેશ પરત પહોંચ્યા છે. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયા બાદ પાકિસ્તાની અધિકારીઓએ મંગળવારે વાઘા બોર્ડર ખાતે હામિદને ભારતીય અધિકારીઓને હવાલે કર્યા હતા.

હામિદના પરિવારે એના પુત્રને જેલમાંથી છોડાવવા માટે સુષ્મા સ્વરાજ પાસેથી મદદ માંગી હતી. ત્યારે સુષ્મા સ્વરાજે એમને બધી જ મદદ કરવાની ખાત્રી આપી હતી. કહેવાય છે કે હામિદની જેલ-મુક્તિમાં સુષ્મા સ્વરાજનો સિંહફાળો છે. તેથી જ બુધવારના રોજ સવારે હામિદે સુષ્મા સ્વરાજની ઓફિસ જઇ તેમની સાથે મુલાકાત કરી, આ દરમિયાન તેઓ સુષ્માજીને ગળે ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા.

જ્યારે હામિદ અંસારી ભારત પરત ફર્યા ત્યારે સૌપ્રથમ એમણે દેશની ધરતીને ચૂમી લીધી હતી. હામિદની મુક્તિ પર એના પિતાજીએ કહ્યું હતું કે, “આજનો દિવસ અમારા માટે ઈદ જેવો છે.”

પુત્રના ઘરે પાછા ફર્યા બાદ તેની માતાએ કહ્યું કે, તે દોસ્તી અને ભાઈચારાનાં ઇરાદાથી ત્યાં ગયો હતો. હામિદના માતા ફૌજિયાએ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજનો આભાર માનતા કહ્યું હતું કે, ‘મેરા ભારત મહાન, મેરી મેડમ મહાન, સબ મેડમને હી કિયા હૈ’.

વર્ષ 2012માં ફેસબુક ફ્રેન્ડને મળવા માટે હામિદ ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ગયા હતા, ત્યાં કોહાટ ખાતે તેમને જરૂરી દસ્તાવેજો ન હોવાથી તેમજ એને જાસૂસ માનીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. હામિદ અફઘાનિસ્તાનનાં રસ્તેથી પાકિસ્તાનમાં દાખલ થયા હતા. એમનાં પર નકલી આઈ કાર્ડ રાખવાનો પણ આરોપ લાગ્યો હતો. જ્યાં પાકિસ્તાન સરકારે એમને 3 વર્ષની જેલની સજા સંભળાવી હતી.

મુંબઇમાં વર્સોવાના રહેવાસી હામિદ નેહાલ અંસારીએ મેનેજમૅન્ટ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. જ્યારે તેમને પાકિસ્તાની છોકરી સાથે ઓનલાઈન ફ્રેન્ડશીપ થઈ ત્યારે તેઓ મુંબઈની એક કૉલેજમાં લેકચરર તરીકે જોબ કરતા હતા. હામિદનાં માતા ફૌજિયા અંસારી મુંબઈમાં હિંદી વિષયના પ્રોફેસર છે અને વાઇસ પ્રિન્સિપાલ છે. તેમના પિતા નિહાલ અંસારી બૅન્કર છે, જ્યારે તેમના મોટાભાઈ દાંતના ડોકટર છે.

મિત્રો, તમે પહેલા પણ વાંચ્યું જ હશે કે સુષ્મા સ્વરાજે ઘણા લોકોની મદદ કરેલ છે, તેઓ ઓનલાઈન કે સોશિયલ મીડિયા દ્વારા અરજી કરનાર લોકોને પણ સંતોષકારક જવાબ આપે છે. એમણે ઘણી સમસ્યાઓનો ઉકેલ કાઢ્યો છે. ખરેખર ! સુષ્માજીની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આર્ટિકલ શેર કરીને સુષ્માજીની કામગીરીને બિરદાવી લેજો.

Leave a Reply

error: Content is protected !!