પટેલ યુવકની સફળતા પાછળ આવો હતો માતાનો અદ્ભુત સંઘર્ષ અને સમર્પણ – ક્લિક કરી વાંચો

મારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યુ. એનાથી કોઇ કામ થઇ શક્તુ નહી એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્નિ લલીતાબેન પર આવી. લલીતાભાભી ભારે હિમતવાળા. શરીર સ્ત્રીનુ હતુ પણ મનોબળ પુરુષને પણ ટક્કર મારે એવુ હતું. બે દિકરાઓ હતા પણ દિકરા નાના હતા એટલે ખેતીવાડીની બધી જ જવાબદારી લલીતાભાભીએ પોતાના માથે લઇ લીધી. વહેલી સવારથી મોડી રાત સુધી કામ કરે. કમાણીનો મોટો ભાગ તો પતિની દવામા ચાલ્યો જાય પણ હિંમત હાર્યા વગર મહેનત કર્યે રાખે.

લલીતાભાભીનું એક સપનું હતું. મોટો દિકરો હર્ષદ ભણવામાં સામન્ય પણ નાનો દિકરો મિતુલ ભણવામાં હોશીયાર. લલીતાભાઇ ઘણીવખત મને કહેતા, “શૈલેષભાઇ, મારે મિતુલને તમારા જેવો મોટો સાહેબ બનાવવો છે.” મિતુલ મારી પાસે ભણવા માટે આવતો. ધો.12 સુધીનો અભ્યાસ મીતુલે મોવિયા ગામની જ સરકારી શાળામાં પુરો કર્યો. સેલ્ફફાઇનાન્સ કોલેજની ફી તો આ પરિવારને પોસાય તેમ નહોતી એટલે મેં જે કોલેજમાં અભ્યાસ કરેલો એ રાજકોટની પીડીએમ કોલેજમાં બી.કોમ. કરવાનું મે મિતુલને સુચન કર્યુ.

મિતુલ કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એના પિતા ધીરુભાઇનું લાંબી બિમારી બાદ અવસાન થયુ. મિતુલનું ગ્રેજ્યુએશન પુરુ થયુ પછી એમસીએ કરવા માટે બેંગલોર જવાનું નક્કી થયુ. મને લલીતાભાભીએ આ વાત કરી. મેં કહ્યુ, “ભાભી, બેંગલોરમાં ભણાવવાનો ખર્ચ વધુ થશે તમે પહોંચી વળશો ?” જવાબમાં મને કહે, “શૈલેષભાઇ, હું ગમે તેમ કરીને ભેગુ કરી લઇશ. જરુર પડ્યે મારા ઘરેણા વેંચી નાંખીશ. વ્યાજે રૂપિયા લઇ આવીશ પણ મારે મારા દિકરાને તમારા જેવો બનાવવો છે.”

મિતુલના અભ્યાસ માટે એના મોટાભાઇએ પણ પોતાનાથી જે કંઇ થઇ શકે એ કરી છુટવાની તૈયારી બતાવી. મિતુલને આગળના અભ્યાસ માટે બેંગ્લોર મોક્લ્યો. ખેતીમાંથી થતી આવકમાંથી માંડ માંડ ઘર ચાલે એટલે દિકરાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે લલીતાભાભીએ સગા-વહાલા પાસેથી ઉછીના પૈસા લઇને દેવુ કર્યુ. મિતુલ પણ ખૂબ સમજુ અને સંસ્કારી છોકરો. મમ્મીનું સપનું પુરુ કરવા માટે ખૂબ મહેનત કરે.

એમસીએ પુરુ કર્યા પછી બેંગ્લોરની જ એક કંપનીમાં મિતુલને મહિને 7000ના પગારથી નોકરી મળી ગઇ. બેંગ્લોર જેવા શહેરમાં મહિને 7000માં પોતાનું પણ પુરુ ના થાય ત્યાં પરિવારને મદદ તો ક્યાંથી થઇ શકે! મિતુલ એને મળતા પગાર સામે જોયા વગર દિલ દઇને કામ કરતો. ધીરે ધીરે કંપનીઓ બદલાતી ગઇ અને પગાર પણ વધતો ગયો. હું જ્યારે જ્યારે મોવિયા જાવ ત્યારે લલીતાભાભી પોરસાતા-પોરસાતા કહે, ” શૈલેશભાઇ મિતલાનો પગાર હવે 20000 થઇ ગયો, 30,000 થઇ ગયો, 40,000 થઇ ગયો !” આ વાત કહેતી વખતે લલીતાભાભીના ચહેરા પરનો આનંદ જોઇને હું બહુ રાજી થતો.

હમણા બે દિવસ પહેલા હું મોવિયા ગયો ત્યારે મને મિતુલ મળ્યો. અત્યારે એને અમેરીકાની 250 વર્ષ જુની કંપનીમાં નોકરી મળી ગઇ છે. 2011માં મહિનાના 7000નો પગાર મેળવતો મિતુલ અત્યારે વાર્ષિક 18 લાખના પેકેજમાં કામ કરે છે. નોકરી ઉપરાંતના સમયમાં વધારાનું કામ કરીને બીજી 5 થી 6 લાખની કમાણી કરી લે એ પાછી જુદી. ગામડાની એક વિધવા બાઇએ જોયેલું સપનું એના દિકરાએ સાર્થક કર્યુ. લલીતાભાભી કહેતા કે મિતુલને તમારા જેવો સાહેબ બનાવવો છે પણ એક માતાના સમર્પણ, મોટાભાઇના સહયોગ અને પોતાની મહેનતથી મિતુલ મારા કરતા બમણો પગાર મેળવતો થઇ ગયો.

શૈલેશ સગપરીયા ના લોકપ્રિય ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 નંબર પર વોટ્સએપ કરો.

मंजिले उन्ही को मिलती है, जिनके सपनो में जान होती है।
पंखो से कुछ नहीं होता, हौसालो से उड़ान होती है।

Leave a Reply

error: Content is protected !!