જો પોલીસ મને એક ગાળ આપશે તો હું 10 આપીશ, મેં ગાળોમાં પીએચડી કર્યું છે
હાલમાં જ અમદાવાદના રાજદ્રોહ કેસમાં પાસ નેતા અલ્પેશ કથીરિયાને જામીન મળ્યા છે અને હવે વરાછા પોલીસે એને પોલીસની કામગીરીમાં અડચણ ઉભી કરવાના ગુનામાં પકડ્યો હતો. અલ્પેશની ધરપકડ થતાં વરાછા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચી ગયો હતો.

આ સમગ્ર ઘટના બાબતે અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, મારી ઓફિસની નીચે હું મારી ગાડી પાર્ક કરી રહ્યો હતો. ત્યારે મારા બાજુવાળાની ગાડી ડિટેઈન કરાઈ રહી હતી. ત્યારે મેં કહ્યું કે પીળા પટ્ટાની અંદર ગાડી છે તમે તે ગાડી ન ઉઠાવી શકો. તેથી ક્રેઈનની પાછળના મજૂરો મને ગાળ બોલવા લાગ્યા. ત્યાર બાદ માહોલ ગરમાયો હતો અને એસીપી ઈન્ચાર્જ પરમાર અને અલ્પેશ વચ્ચે રકઝક થઈ હતી. અલ્પેશે આક્ષેપ લગાવ્યો હતો કે, પોલીસ કર્મચારીએ મને લાફો માર્યો છે. આ ઘટના બાદ અલ્પેશ કથીરીયાની અટકાયત કરાઈ હતી. અલ્પેશ સાથે બનેલી ઘટના બાદ પાટીદાર યુવાનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં અલ્પેશના સમર્થકો વરાછા પોલીસ સ્ટેશન બહાર પહોંચી ગયા હતા, તેમણે નારેબાજી કરી હતી. પાટીદાર યુવાનોએ હોબાળો મચાવતા પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતું.
સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, આ ઘટના દરમિયાન અલ્પેશ પણ પોલીસવાળાને ગાળો આપી રહ્યો હતો. અમુક વાયરલ સમાચારોનું માનીએ તો અલ્પેશ લોકઅપમાં પણ પોલીસવાળાને ગાળો આપી રહ્યો હતો. અલ્પેશે એક એવું નિવેદન પણ આપ્યું કે, ‘જો પોલીસ મને એક ગાળ આપશે તો હું 10 આપીશ, મેં ગાળોમાં પીએચડી કર્યું છે’
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા અલ્પેશ કથિરીયાને હાલમાં છોડી મુકવામાં આવ્યા છે. આગળનું અનામત આંદોલન અલ્પેશ ચલાવે એવા સંકેતો મળી રહ્યા છે. લોકોએ અલ્પેશભાઈનું નેતૃત્વ સ્વીકાર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યભરના અલગ-અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા. ત્યારે અલ્પેશ કથિરિયાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ટ્રાન્સફર વોરન્ટ મારફતે સુરત ક્રાઇમ બ્રાંચે તેનો કબજો મેળવી રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરી હતી.