ટેસ્ટી લીલી તુવેર અને લીલા લસણનું શાક – શિયાળામાં માણવા જેવી બેસ્ટ રેસીપી

શિયાળો હવે ધીમે ધીમે રંગ જમાવતો જાય છે. ઠંડીની આ મોસમમાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી જાય. તેમાં ય અત્યારે લીલા કઠોળ જેમ કે લીલા વટાણા, લીલી તુવેર, વાલ વગેરે એકદમ સરસ ક્વોલિટીના મળી રહે.
આજે આપણે એક એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું લીલી તુવેર અને લીલા લસણનું શાક બનાવવા જઈ રહ્યાં છીએ.

સામગ્રી :-


૧૫૦ ગ્રામ લીલી તુવેર, દાણા ફોલી લેવાં,
૫૦ ગ્રામ લીલું લસણ, સમારેલું,
૨ ચમચા તાજું નાળીયેર, ખમણેલું,
૩ લીલા મરચા,


આદુ, ૧/૨ ઈંચનો ટુકડો, ખમણેલું,
૧/૨ ઝૂડી કોથમીર,
૧ ચમચી હળદર,
૧/૨ લીંબુનો રસ,
પાણી, જરૂર પૂરતું,
૨-૩ ચમચા તેલ,


૧ ચમચી જીરૂ,
નમક, સ્વાદાનુસાર.

રીત :-
લીલી તુવેરનાં દાણા કડક હોય છે. તેથી સૌ પ્રથમ કુકરમા તુવેરના દાણા, અડધી ચમચી હળદર, મીઠું અને પાણી લઈ કુકરની ત્રણ સીટી વાગે ત્યાં સુધી તુવેરને બાફી, પાણી નિતારી લેવું અને તુવેરનાં એ દાણા અલગ રાખવા.

પેનમા એક ચમચો તેલ લઈ તેમા જીરૂ, સમારેલાં લીલા મરચા, લીલું લસણ અને આદુ ઉમેરી સાંતળી લેવું. તેમાં ખમણેલું નાળીયેર ઉમેરી ફરીથી થોડી વાર સાંતળી, બારીક સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર ભેળવી ગેસ બંધ કરી દેવો.

આ મિશ્રણ સ્હેજ ઠંડુ થાય એટલે મિક્સરની જારમા લઈ અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી.

હવે એ જ નોનસ્ટિક પેનમાં દોઢ-બે ચમચા જેટલું તેલ લઈ તુવેરના દાણા તેમજ હળદર ઉમેરી સાંતળવુ.

તેમાં આપણે તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ અને સ્વાદાનુસાર નમક ભેળવી થોડું વધારે સાંતળવું. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી, શાકને બરાબર ભેળવી લઈ ગેસ બંધ કરવો.

સર્વિંગ બાઉલમા લઈ લીલી ડુંગળી, નાળીયેરનું છીણ કે પછી કોથમીર વડે ગાર્નિશ કરવું.

તૈયાર છે બહુ જ ટેસ્ટી લીલી તુવેર અને લીલા લસણનું શાક. તેને ગરમ ગરમ ફુલકા સાથે પીરસો.

સોર્સ: પ્રદીપભાઈ નગદીયા (રાજકોટ)

Leave a Reply

error: Content is protected !!