ATM માંથી પૈસા કાઢ્યા પછી શું તમે સ્લિપ ફેંકી દો છો ? તો આ ખાસ અહેવાલ વાંચી લેજો

આજના સમયમાં ટેક્નોલોજીનો ભરપૂર વિકાસ થયો છે. નવી-નવી ટેકનોલોજીથી ઘણા બધા ફાયદા થયા છે પણ એની સાથે સંકળાયેલ છેતરપિંડીનાં કેસમાં પણ વધારો થયો છે. દિનપ્રતિદિન ATM દ્વારા થતી છેતરપિંડીની ઘટનાઓ વધતી જાય છે. તો વળી, કેટલીક વખત ટેક્નોલોજી બરાબર નહીં ચાલતા અથવા આપણી નાની-મોટી ભૂલને લીધે પણ આપણે નુકસાન વેઠવું પડે છે.

ઘણી વખત આપણે ATMથી પૈસા નીકાળીએ અથવા મીની સ્ટેટમેન્ટ લઈએ ત્યારે ATM માંથી સ્લીપ પણ નીકળે છે. એ વખતે આપણું બેન્ક બેલેન્સ જોઈને આપણે સ્લીપ ફેંકી દેતા હોઈએ છીએ. જો તમે પણ આમ કરતા હોવ તો સાવધાન થઈ જજો. તમારા ATM ની સ્લીપ કોઈ ફ્રોડ વ્યક્તિનાં હાથમાં આવી જાય તો તમારે આર્થિક નુક્શાન થઈ શકે. સ્લીપની મદદથી અમુક લૂંટારા તત્વો આપણા એકાઉન્ટની માહિતી મેળવીને પૈસાની ઉચાપત કરી શકે છે. એટલે જરૂરી છે કે કાં તો સ્લીપનો સંપૂર્ણ નાશ કરીને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો અથવા સ્લીપ સાચવી રાખવી.

સ્લીપ સાચવી રાખવાથી વધુ ફાયદો થશે :

કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે ATMમાંથી આપણે પૈસા કાઢીએ પણ પૈસા નીકળતા નથી અને તમારું ટ્રાન્ઝેક્શન ફેલ જતું બતાવે છે પરંતુ પૈસા તમારા અકાઉન્ટમાંથી કપાઈ જતા હોય છે, તેવા સમયે તમારા પૈસા અકાઉન્ટમાં પાછા ન આવે ત્યા સુધી તમારે ATM ની સ્લીપ સાચવી રાખવી હિતાવહ છે.

ટ્રાન્ઝેકશન ફેલ થવાવાળા ગ્રાહકો માટે RBIએ એવી કેટલીક ગાઈડલાઈન્સ બહાર પાડી છે જેને દરેક વ્યક્તિ માટે જાણવું જરૂરી બની ગયું છે. RBIની ગાઈડલાઈન પ્રમાણે ટ્રાન્ઝેક્શન ફેલ થવાની ફરીયાદ મળવાના 7 વર્કીંગ દિવસની અંદર ગ્રાહકના અકાઉન્ટમાં પૈસા પાછા આવી જશે. જો ટ્રાન્ઝેકશન ફેલ થવાની ફરીયાદ કર્યાના 7 વર્કીંગ દિવસોમાં ગ્રાહકના ખાતામાં પૈસા પાછા ન મળે તો પેમેન્ટ સેટલમેન્ટ સીસ્ટમ એક્ટ 2007 હેઠળ બેંકે દરરોજના 100 રૂપિયા ગ્રાહકને પેનલ્ટીના સ્વરૂપે આપવા પડશે. આ માટે ગ્રાહકને ટ્રાન્ઝેકશનના 30 દિવસોની અંદર ફરીયાદ નોંધાવવી જરૂરી છે.

પૈસા રીફંડ મેળવવા માટે તમારે તમારી ટ્રાન્ઝેક્શનની સ્લીપ અથવા અકાઉન્ટ સ્ટેટમેન્ટ સાથે બેંકમાં ફરીયાદ કરી શકો છો. બેંકને અનિવાર્ય કાર્ડ ડીટેઈલ, પોતાનો બેંક અકાઉન્ટ નંબર, એટીએમ આઈડી, ટ્રાન્ઝેક્શનની તારીખ અને સમય પણ બતાવવો પડશે. પરંતુ ધ્યાન રહે કે આ માહિતી અધિકૃત કર્મચારીને જ આપવી જોઈએ. બેંક પાસેથી ફરીયાદની નકલ લેવાનું ન ભૂલવું જોઈએ, જેના પર બ્રાંચ મેનેજરની સહી પણ હોવી જોઈએ.

ક્યારેક એવું થાય કે ATM માંથી આપણે પૈસા કાઢ્યાં હોય પણ એમાં મોટી રકમની ચલણી નોટ ફાટેલી, ગંદી અથવા લખાણવાળી હોય તો એ વખતે પણ ATM સ્લીપ આધાર-પુરાવા તરીકે ઉપયોગી થઈ શકે એટલે સ્લીપને સાચવીને રાખવી વધુ ફાયદાકારક છે.

ખાસ ધ્યાન રાખો :

કોઈપણ બેન્ક ફોન કરીને ATM કે ક્રેડિટ કાર્ડની વિગતો પૂછતી નથી. એટલે નકલી ફોન કોલ્સથી સાવધાન રહો.

● ATM ની માહિતી અજાણી વ્યક્તિ સાથે શેર ન કરો.

● ATM નો પીન નંબર કોઈ જગ્યાએ લખવો નહિ.

● ATM કાર્ડને સુરક્ષિત રાખવા માટે સમયાંતરે તમારો પિન નંબર બદલતા રહો.

● બેન્ક પાસબુકમાં એન્ટ્રી કરાવી લો અને એકાઉન્ટ ડિટેઇલ્સ અપડેટ રાખો.

● ATM કાર્ડ ખોવાઈ જાય તો જરૂરી આધાર પુરાવા સાથે તાત્કાલિક બેન્કનો સંપર્ક કરો.

● ATM સ્લીપ, સ્ટેટમેન્ટ ગમે ત્યાં ફેંકવું નહીં.

● જો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમારી જાણ વગર પૈસા ટ્રાન્સફર માટેનો OTP નંબર આવે તો એ નંબર કોઈને જણાવવો નહીં તેમજ તાત્કાલિક બેન્કને જાણ કરવી.

‘ સાવચેતી એ જ સલામતી ‘

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ ખૂબ જ ઉપયોગી પોસ્ટ પસંદ આવી હોય તો કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

error: Content is protected !!