મહાન શ્રી રતન ટાટા : ટાટા ગ્રુપના દરિયાદિલ માલિક. ઉદારતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ વાંચો
આજથી બરોબર નવ વર્ષ પહેલા મુંબઈ સ્થિત ટાટા ગ્રુપની ‘તાજમહાલ હોટલ’ પર આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે આ હોટલમાં જાનમાલનું ઘણું જ નુકસાન થયેલું.
આર્થિક નુકસાન તો આ માતબર ઉદ્યોગપતિ હસતા-હસતા સહન કરી ગયો, પણ તેમની હોટલમાં થયેલ જીવ-હત્યાઓ…તેમના કર્મચારીઓ, તેમજ તે બધાના કુટુંબીજનોએ સહન કરવી પડેલ જાનહાનીથી આ ઋજુ પારસીનું હ્રદય હચમચી ઉઠેલું.

પરિણામ સ્વરૂપે તેઓએ દરેક કાળજી લીધી હતી. જેથી કરીને તાજ હોટલમાં થયેલ હુમલાથી અસરગ્રસ્ત એવા દરેકે-દરેક માનવીને તેઓ મહત્તમ મદદરૂપ થઇ શકે. ફક્ત આર્થિક રીતે જ નહીં પણ માનસિક પીઠબળ પણ જેટલું બની શકે તેટલું તેઓએ પૂરું પાડવાના ભરપુર પગલા ભરેલા.
તેઓની જ કંપનીમાં કામ કરતા શ્રી સુમિત સિન્હાએ આ પગલાઓની વિગતવાર માહિતી મેળવીને પોતાના બ્લોગ પર મૂકી છે….
(1) આ હુમલા બાદ હોટલ લગભગ 6 મહિના બંધ રહી હતી. એવાં સમયે પણ આ હુમલાના સાવ આગલા દિવસે જે લોકો કંપનીમાં જોડાયેલ તે કર્મચારીઓ સહીત આખે આખા સ્ટાફને ઘર સુધી પગાર પહોંચાડ્યો. હોટલમાં રીનોવેશન અને સમારકામ ચાલતું હોવાથી સ્ટાફ કામ પર નહોતો આવી શકતો. એટલે બધાને ઘરે બેસાડીનેય પુરેપૂરો પગાર દર મહીને સમયસર અપાયો હતો.
(2) આ ઘટનામાં ઘાયલ થયેલા કે મૃત્યુ પામેલા સર્વ કર્મચારીઓને આર્થીક અને વૈધકીય મદદ પુરી પાડવામાં આવી હતી.
(3) ડ્યુટી પૂરી કરીને ઘરે જઈ રહેલા સ્ટાફના માણસો, જે મુંબઈ રેલ્વે સ્ટેશન પરના હુમલામાં મૃત્યુ પામ્યા હતા, તે બધાને પણ આ બધી જ મદદ આપવામાં આવી. શ્રી રતનજીએ કહ્યું કે, ‘અમારો કામદાર છે, અમારે ત્યાં કામ કરવા આવ્યો હતો અને એટલે જ તે સ્ટેશન પર ગયો ને મૃત્યુ પામ્યો છે, માટે તે અમારી જ જવાદારી છે’
(4) હોટલની આસપાસ હરતાફરતા માણસો જે હુમલાનો ભોગ બન્યા તેમને પણ રતનજીએ આ બધી મદદ પહોઁચાડી. હોટલની બાજુમાં ઉભો રહેતો પાવભાજીવાળો જે આમાં ભોગ બન્યો તેને પણ બધી આર્થિક સહાય આપી, એમ કહીને કે, ‘મારી હોટલની બાજુમાં ઉભો રહીને એ કમાવાની કોશિષ કરી રહ્યો હતો. જો આ હોટલ અહીં ન હોત, તો એ વ્યક્તિ પણ અહીં થોડો પોતાની હાથલારી લગાડીને ઉભો હોત..? હા, તે પણ કંપનીની બધી જ રાહતનો હક્કદાર છે.’ હોટલની બાજુમાંના પાનવાળાને ય આમ જ બધી મદદ કરી હતી.
(5) એન.જી.ઓ.ની મદદથી માનસશાસ્ત્રીઓ દ્વારા માનસિક સારવારની સગવડ ઉભી કરવામાં આવી હતી. દરેક તે જણ જે આ બધાથી જબરદસ્ત આંચકો પામીને હતપ્રભ થઇ ગયેલ, વ્યથિત કે વિચલિત થયેલ, તે બધાને આવા પ્રકારની જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી.
(6) દર-દસ કર્મચારીએ એક મેન્ટર નીમવામાં આવેલ જે આ બધા અસરગ્રસ્તોને વહેલી તકે આઘાતમાંથી વહેલી તકે બહાર લાવી શકે.
(7) કુલ લગભગ 1600 કર્મચારીઓને સારવાર, સગવડ અને મદદ તેઓએ પૂરી પાડી હતી.
(8) મૃત્યુ પામેલ કે ઈજા પામેલ લગભગ 80 કર્મચારીઓના..ઘરે રતનજી પોતે ખુદ પર્સનલી મળવા ને સાંત્વના દેવા ગયેલા અને તેમને પૂછ્યું કે, ‘હજી અમારે તમારા માટે શું કરવું જોઈએ? તે કહો.’
(9) મુંબઈ બહારથી અહીં મુંબઈમાં નોકરી માટે આવેલ અને અહીં ઘાયલ થયેલ દરેક કર્મચારીના ઘરવાળાઓને તેમના ગામેથી અહીં પ્લેનમાં લાવવામાં આવ્યા હતા. ‘તમારા દીકરા/દીકરીને આજે તમારી જરૂર છે, તમે અહીં જ રહો તેમની સાથે..’ એવું કહીને બધાને ‘પ્રેસીડન્ટ’ નામની ફાઈવ-સ્ટાર હોટલમાં ઉતારો આપી 3 અઠવાડિયા સુધી રહેવાની સગવડ કરી આપવામાં આવી હતી.
(10) આજુ-બાજુમાં ફેરીવાળા કે જેઓની લારીઓ તૂટી ગઈ હતી તે બધાને નવા ખુમચાઓ, ગલ્લાઓ, દુકાનો, હાથગાડી બનાવી દેવામાં આવી કે જેથી ફરીથી તેઓ પોતાનો ફેરીનો ધંધો શરુ કરી શકે.
(11) રેલ્વે-સ્ટાફ, પોલીસ, રાહદારીઓ કે જેને ટાટા કંપની સાથે કોઈ જ લેવા-દેવા નહોતા તેઓને પણ ઘટનામાં ઘાયલ થયા હોવાથી તે બધા પાછા રીકવર ન થાય ત્યાં સુધી દર મહીને દસ હજારનું પેન્શન બાંધી આપ્યું હતું અને એ પણ 6 મહિના સુધી.
(12) એક ફેરીવાળાની ચાર વર્ષની બાળકીને ચાર ગોળીઓ લાગી હતી. સરકારી હોસ્પીટલમાં ફક્ત એક જ ગોળી કાઢવામાં આવી જ્યારે બાકીની ત્રણ ગોળીઓ ટાટા કંપનીએ પોતાના ખર્ચે બોમ્બે હોસ્પિટલમાં સારવાર અપાવીને કઢાવી આપી હતી. આમાં આવેલ બાર લાખનો કુલ ખર્ચ કંપનીએ ઉપાડી લીધો હતો.
(13) જે કર્મચારીઓ મૃત્યુ પામ્યા તે બધાના સંતાનોના (લગભગ 46)ના આજીવન ભણતરનો ખર્ચ ટાટા -કંપનીએ ઉપાડી લીધો.
(14) ટાટા કંપનીના સીનીયર ઓફિસર અને રતનજી પોતે…હુમલો થયો તેના પછીના લગાતાર ત્રણ દિવસ સુધી એક પછી એક અંતિમયાત્રાઓમાં સતત હાજરી આપતા રહ્યા. દરેકે-દરેક સ્મશાનયાત્રામાં આ લોકો પહોંચી ગયા હતા.
(15) આ દરેક મૃત્યુ પામેલનાં વારસદારોને 36 થી 85 લાખ સુધીનું જીવન-વળતર આપવામાં આવ્યું. તે ઉપરાંત મૃત-કર્મચારીના બાળકોના આજીવન ભણતરની જવાબદારી ઉપાડી લેવામાં આવી. તે સિવાય આ બધાં પુખ્ત અને પગભર ન થાય ત્યાં સુધી મરણ પામેલ મા/બાપનો દર મહીનાનો પગાર સંતાનોને મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવામાં આવી.

(16) આ મૃત-કર્મચારીઓએ કંપની પાસેથી લીધેલ લોનની પૂર્ણ માફી આપવામાં આવી.
મિત્રો, આટલી ઉદારતા તો કોઈ મુઠ્ઠી ઉચેરો માનવી જ બતાવી શકે.
આવા દરિયાદિલ માલિક શ્રી રતનજી ટાટાની ઉદારતા અને માનવતાને કોટી-કોટી પ્રણામ…
સંકલન – ઈલ્યાસભાઈ