સૌરાષ્ટ્ર પર સરકાર મહેરબાન! AIIMS બાદ આપી આ બીજી મોટી ભેટ – વાંચો અહેવાલ
આગામી લોકસભા ચુંટણી આડે હવે જુજ મહિનાઓ જ રહ્યા છે ત્યારે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે રાજકોટમાં AIIMS ની મંજૂરી પર મહોર મારીને સૌરાષ્ટ્રવાસીઓને ખુશ કર્યા છે ત્યારે રાજ્ય સરકાર પણ જાણે સૌરાષ્ટ્ર પર મહેરબાન થઈ હોય એમ રાજકોટ ખાતે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્રીય એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે એમોયુ સંપન્ન કરીને સૌરાષ્ટ્રને એક જ મહિનામાં એક બીજી મોટી ભેટ આપી છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે ગાંધીનગર ખાતે રાજકોટ માં 2500 કરોડના ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે કેન્દ્ર સરકારના એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે કરાર સંપન્ન કર્યા છે. આ કરાર પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયામક બસબકાંતિ દાસ અને રાજ્ય સરકારના સિવિલ એવિએશનના નિયામક કેપ્ટન અજય ચૌહાણે હસ્તાક્ષર કરીને MOU સંપન્ન કર્યા છે. જે અંતર્ગત હવે રાજકોટના હિરાસર ખાતે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના 2500 કરોડના નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ નિર્માણ પામશે.
આવું હશે નવનિર્મિત ગ્રીનફિલ્ડ એરપોર્ટ
*રાજ્ય સરકાર દ્રારા ફાળવવામાં આવનાર કુલ 1033 હેક્ટર જમીનમાં આ એરપોર્ટ નિર્માણ પામશે.
*ગ્રીનફિલ્ડ એરપોર્ટના રનવે આશરે 3000 મીટર લાંબા અને 25 મીટર પહોળા હશે.
*250 થી પણ વધારે મુસાફરોની ક્ષમતા ધરાવતા અને 5000 કિમીની ઝડપે ઉડી શકતા આધુનિક વિમાનો ઉપલબ્ધ હશે.
*અત્યાધુનિક ટર્મિનલ, જનરલ પાર્કિંગ, ટેક્સી પાર્કિંગ, બે ટેક્સી, એપ્રન તથા હેંગર્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નિર્માણ પામનાર આ એરપોર્ટનો લાભ રાજકોટ શહેર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ લઈ શકશે. હાલની તકે સૌરાષ્ટ્રમાં એક પણ અત્યાધુનિક કહી શકાય તેવું એરપોર્ટ સક્રિય નથી ત્યારે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકાર દ્વારા રાજકોટને આપવામાં આવેલી આ ગ્રીનફિલ્ડ એરપોર્ટની ભેટ સૌરાષ્ટ્રવાસીઓ માટે પરિવહન ક્ષેત્રે અતિ ઉપયોગી સાબિત થશે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે લોકસભા ચુંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે અને સૌરાષ્ટ્ર એ કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાય છે ત્યારે રાજ્ય સરકાર હવે સૌરાષ્ટ્રવાસીઓને ખુશ કરવા માટે વધારે ધ્યાન આપી રહી હોય તેવી છબી ઉપસી આવી છે જેનો સીધો લાભ સૌરાષ્ટ્રવાસીઓને જ છે.