ગુજરાત અમદાવાદમાં ચાલુ થઇ રહેલ મેટ્રો ટ્રેન નો ફોટો શો – ક્લિક કરી નિહાળો
પીએમ મોદીનાં ડ્રિમ પ્રોજેકટ મેટ્રો ટ્રેન સુવિધાની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતાં. હવે આ આતુરતાનો અંત આવી ગયો છે. ગુજરાતની પહેલી મેટ્રો ટ્રેન સેવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવીને 4 માર્ચે ઉદ્ઘાટન કરશે.

પ્રથમ તબક્કામાં વસ્ત્રાલથી એપરલ પાર્ક સુધીના રૂટમાં લગભગ 6.5 કિલોમીટર જેટલા અંતર વચ્ચે મેટ્રો દોડશે. જેમાં વસ્ત્રાલ ગામ, નિરાંત ક્રૉસ રોડ, વસ્ત્રાલ, રબારી કૉલોની, અમરાઈવાડી અને એપરલ પાર્ક એમ કુલ 6 સ્ટેશનો આવરી લેવામાં આવશે.
મહત્વનું છે કે, મેટ્રો ટ્રેનનો ટ્રાયલ રન તાજેતરમાં જ યોજાયો હતો. આ ટ્રાયલ રન 900 મીટરનાં રૂટ પર કરવામાં આવ્યો હતો. એન્જિન સાથે 3 કોચ જોડીને આ ટ્રાયલ રન કરાયો હતો. આ ટ્રાયલ રનમાં કોઇ જ સમસ્યા ન હોવાનો તંત્રએ દાવો પણ કર્યો છે.
મેટ્રોના ટેક્નિકલ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિશ્વની ખૂબ જ મોડર્ન કહી શકાય તેવી સ્ટેઈનલેસ સ્ટિલની મેટ્રો ટ્રેન છે. આ ત્રણ કોચની ટ્રેન છે, જેની કેપેસિટી 1,000 પેસેન્જરની છે. હાલમાં અમે ડ્રાઈવર સાથે ટ્રેન ચલાવીશું ભવિષ્યમાં આ ટ્રેન ડ્રાઈવર લેસ પણ થઈ શકશે.
મેટ્રો ટ્રેન વિશે ટેકનિકલ માહિતી:
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનની ક્ષમતા કુલ 1000 પેસેન્જરની છે. 3 કોચની એક ટ્રેનની લંબાઇ 67.32 મીટર છે. જ્યારે કે મહત્તમ પહોળાઇ 2.90 મીટર છે. ટ્રેનની ઉંચાઇ 3.98 મીટર છે. આ ટ્રેન 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. ટ્રેનની મહત્તમ સ્પીડ 90 કિલોમીટર પ્રતિ કલાક છે.
મેટ્રો ટ્રેનની ખાસિયત :
ફૂલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઇમરજન્સી એર બ્રેકની પણ સુવિધા છે કે જેથી ટ્રેનના વ્હીલ સ્લીપ કે સ્લાઇડ ન થાય.ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વીજળી જવાના સંજોગોમાં લાઇટ, એસી, વેન્ટીલેશન માટે એક કલાક સુધીનો બેટરી બેકઅપ પણ ઉપલબ્ધ રહેશે. ટ્રેનની ડિઝાઇન પણ એવી બનાવવામાં આવી છે કે, તે અકસ્માતમાં અથડાય તો તેને ઓછું નુકસાન થાય.
મેટ્રો ટ્રેનનાં ફેઝ-2 પ્રોજેક્ટને પણ મંજૂરી મળી:
એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીનો એલિવેટેડ કોરિડોર તૈયાર થઈ ચૂક્યો છે. આ મેટ્રો રેલના ફેઝ-1ની કામગીરી છે. ઉપરાંત અમદાવાદ-ગાંધીનગર વચ્ચે 28.5 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડાવવાના ફેઝ-2 પ્રોજેક્ટને પણ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજુરી મળી ગઈ છે. રૂપિયા 5,553 કરોડના ફેઝ-2 પ્રોજેક્ટને કેબિનેટ દ્વારા મંજુરી આપવામાં આવી છે. જેમાં મોટેરા થઈ ગાંધીનગર મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, અમદાવાદ ગાંધીનગરના ફેઝ-2માં મોટેરા, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જુના કોબા, કોબા ગામ, જીએનએલયુ, રાયસન, રાંદેસણ, ઇન્ફોસીટી, સેક્ટર-1, સેક્ટર10એ, સચિવાલય, અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 થઈ મહાત્મા મંદિર સુધીના 28.5 કિ.મી.ના રૂટ ઉપર મેટ્રો દોડાવવાનું આયોજન છે. આ સાથે ગિફ્ટ સીટી અને પીડીપીયુને પણ મેટ્રોથી જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલનાં જણાવ્યા અનુસાર આગામી 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે અને તેમના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. મતલબ, અમદાવાદીઓનું મેટ્રો ટ્રેનમાં સફર કરવાનું સપનું ખૂબ જલ્દી સાકાર થશે.
મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.