PM મોદીનાં 6 માસ્ટર સ્ટ્રોક્સ, જેનાથી વિપક્ષ પણ હેરાન છે – છઠ્ઠો છગ્ગો વાંચવા જેવો છે

ભાજપ સરકારે લોકસભાની ચૂંટણી પહેલાં શુક્રવારે પોતાનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં ખેડૂતો, મજૂરો, કરદાતા, સૈનિકો અને મધ્યમ વર્ગને આકર્ષવા માટે અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. ચૂંટણી વર્ષમાં PM મોદીએ તમામ વર્ગના લોકોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે. બજેટ દ્વારા મોદી સરકારે જે 6 માસ્ટર સ્ટ્રોક્સ રમ્યા છે, તેનાથી વિરોધ પક્ષ પણ ચકિત થઈ ગયું છે. આવો જાણીએ PM મોદીનાં આ 6 માસ્ટર સ્ટ્રોક્સ વિશે…..

નાણામંત્રી પીયૂષ ગોયલ દ્વારા સંસદ સામે આ વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના આ બજેટનાં સૌથી મહત્વના 6 મુદ્દાઓ આ પ્રમાણે છે.

(1) કર્મચારી વર્ગને ઈન્કમ-ટેક્ષમાં રાહત :

નાણાં મંત્રી પીયુષ ગોયલે આવકવેરામાંથી રાહતની મર્યાદા રૂ.5 લાખ કરવાની જાહેરાત કરી હતી અને સાથે જ સ્ટાન્ડર્ડ ડિડક્શન જે વર્તમાનમાં રૂ.40,000 છે તેને વધારીને રૂ.50,000 સુધી કરવામાં આવ્યું છે. પીયુષ ગોયલે જણાવ્યું કે, આ જાહેરાતથી મધ્યમ વર્ગના 3 કરોડ કરદાતાઓને ફાયદો થશે. આ સાથે જ પીયુષ ગોયલે જણાવ્યું કે, જો વ્યક્તિગત કરદાતા આયોજનબદ્ધ રીતે રોકાણ કરે છે તો તેને રૂ.6.50 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે.

મોદી સરકારનાં આ માસ્ટર સ્ટ્રોકથી મધ્યમ વર્ગના 3 કરોડ કરદાતા, સ્વરોજગાર કરનારા અને વરિષ્ઠ નાગરિકોને મળીને કુલ રૂ.18,500 કરોડ સુધીનો ફાયદો મળશે. આ ઉપરાંત સરકારે ગ્રેજ્યુઈટીની મર્યાદા પણ વધારીને રૂ.20 લાખ કરી છે. સાથે જ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESI) નિયમ અંતર્ગત પાત્રતા રૂ.15,000થી વધારીને રૂ.21,000 પ્રતિમાસ વેતન કરવામાં આવી છે.

(2) ખેડૂતોનાં ખાતામાં આવશે રૂ.6,000/-

પીયૂષ ગોયલ દ્વારા આ બજેટમાં એક નવી યોજના ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી’ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં 2 હેક્ટર કે તેનાથી ઓછી જમીન ધરાવતા ખેડૂતના બેન્ક ખાતામાં ત્રણ હપ્તામાં રૂ.6000ની રકમ જમા કરવામાં આવશે. પીયુષ ગોયલે જણાવ્યું કે આ યોજનાથી સરકારની તિજોરી ઉપર લગભગ રૂ.75,000 કરોડનો વાર્ષિક બોજો આવશે, પરંતુ તેનાથી કૃષિ ક્ષેત્રને જે મુશ્કેલી પડી રહી છે તેમાં મોટી રાહત મળશે. આ યોજનાથી દેશના 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. કુદરતી આફતો વખતે પાકનું વળતર મેળવવા માટે દરેક ખેડૂતોને ‘નેચરલ ડિઝાસ્ટર રિલીફ ફંડ’માંથી 2 ટકા સબસિડી મળશે. ખેડૂત વર્ગને લઈને આ યોજના મોદીનો માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહીં છે.

(3) સ્વસ્થ ભારત માટે આયુષ્યમાન યોજના :

કેન્દ્ર સરકારે વર્ષ 2019-2020ના બજેટમાં આરોગ્ય ક્ષેત્ર માટે રૂ.61,398 કરોડની જોગવાઈ કરી છે. જેમાં રૂ.6,400 કરોડ કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્યમાન યોજના માટે ફાળવાયા છે. આ યોજનાનો લાભ દેશના.10 કરોડથી વધુ પરિવારો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે અને અત્યાર સુધી યોજના અંતર્ગત 10 લાખ લોકોનો ઈલાજ થઈ ચૂક્યો છે.

(4) મજૂર વર્ગ માટે પણ પેન્શન યોજના :

અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે પેન્શન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે વિશ્વની સૌથી મોટી પેન્શન યોજના હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 60 વર્ષની વય બાદ મજૂરોને રૂ.3,000નું માસિક પેન્શન આપવામાં આવશે. આ યોજના માટે મજૂરોએ માસિક રૂ.100નું યોગદાન આપવાનું રહશે. સરકાર પણ પોતાના તરફથી આટલી જ રકમ જમા કરાવશે. તેનાથી 10 કરોડ મજૂરોને ફાયદો થશે. મોદીનો આ બીજો માસ્ટર સ્ટ્રોક છે.

આ યોજના અંતર્ગત 29 વર્ષ સુધીની ઉંમરના મજૂરે માસિક રૂ.100 અને 18 વર્ષ સુધીની ઉંમરના મજૂરે માસિક રૂ.55 જમા કરાવવાના રહેશે. 21 હજારનું વેતન ધરાવનારને 7 હજારનું બોનસ મળશે. શ્રમિકનું મૃત્યુ થતાં વળતર 6 લાખ. 42 કરોડ અનઑર્ગેનાઈઝ્ડ કામદારો, કડિયાકામ, બીડી, રિક્ષાવાળા, હસ્તઉદ્યોગ કારીગરો, ઘરઘાટીઓને વૃદ્ધાવસ્થા માટે માસિક મહત્તમ રૂ. 300નું પેન્શન.

(5) ભારતીય સૈનિકો માટે પણ સોગાદ :

નાણામંત્રી પીયુષ ગોયલે શુક્રવારે જાહેરાત કરી કે 2019-20માં સંરક્ષણ બજેટ રૂ.3 લાખ કરોડથી વધુ કરી દીધું છે અને પ્રથમ વખત આ આંકડો પાર કરી રહ્યું છે. વન રેન્ક વન પેન્શન (OROP) માટે કેન્દ્ર સરકાર પહેલાથી જ રૂ.35,000 કરોડ કરતાં વધુ ફાળવી ચૂકી છે.

(6) ગામડાઓ અને ગાયને પણ ન્યાય :

આ ઉપરાંત, સરકારે આ બજેટ દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશન માટેની ફાળવણી વધારીને રૂ.750 કરોડ કરી દેવામાં આવી છે. જેનાથી ગાય સંસાધનો, આનુવાંશિક અભ્યાસ અને ગાયોનું ઉત્પાદન તથા ઉત્પાદક્તા વધારવામાં મદદ મળશે. મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ અંગે પણ સતત ધ્યાન કેન્દ્રીત કરવા માટે સરકારે અલગથી ‘મત્સ્યપાલન વિભાગ’ બનાવવાનો નિર્ણય લીધો છે.

આ બજેટમાં ગામડાઓનો આત્મા જીવંત રાખીને શહેરો જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ પણ છે. જેના માટે ગ્રામ સડક યોજના, ‘મિશન મોડ’ દ્વારા LED બલ્બ અને ઘરે-ઘરે વીજળી પહોંચાડવાની વાત પણ છે.

ઉપરાંત શિક્ષણસંસ્થાઓમાં સરકારે બેઠકો વધારી.

દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબોને છે અને એટલે 10 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી.
2030 સુધી દેશની તમામ નદીઓ સાફ કરવાનું લક્ષ્ય છે. તેમજ 2022 સુધી અવકાશમાં પૂર્ણ સ્વદેશી ઉપગ્રહ મોકલવાનું પણ લક્ષ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે વચગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષના ચાર મહિનાના ખર્ચ માટે સંસદની મંજૂરી લેવામાં આવે છે અને પૂર્ણ બજેટ લોકસભાની ચૂંટણી બાદ બનતી નવી સરકાર રજૂ કરે છે. લોકસભાનું બજેટ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ બજેટમાં સરકારનો આગામી ચાર માસનો ખર્ચ મંજૂર થશે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ માહિતી-સભર આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

error: Content is protected !!