Mojemoj.com

Best Gujarati Blog

કામવાળી એ છોકરી એ એવું શું કહ્યું કે વાત સાંભળી ડોક્ટર સ્તબ્ધ થઇ ગયા – છેલ્લે સુધી વાંચવા જેવી વાર્તા

એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.

એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું.

હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’

‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.

હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’

‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.

‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’

ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા.

ડો. આઈ. કે. વીજળીવાળા ના લોકપ્રિય પુસ્તક ‘હુંફાળા અવસર’ માંથી.

ડો. આઈ.કે.વીજળીવાળા ના તમામ ગુજરાતી પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 નંબર પર વોટ્સએપ કરો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Mojemoj.com © 2016 Frontier Theme
error: Content is protected !!