રોજના ૧૨ હજારથી વધુ ભુખ્યાજનોની જઠરાગ્નીને ઠારવાનું કરાતું ઉમદા કાર્ય – રાજકોટથી વિગત
“વાહે ગુરૂજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ” ના ગગનભેદી નાદ સાથે સવારે પાંચ વાગ્યાથી શરૂ થાય છે રાજકોટ શહેરના અંદાજીત ૧૨ હજાર જેટલા લોકોની દિવસના બે વખત ભુખ ભાંગતી સેવાની સરવાણી. શૌર્ય, શાંતિ, એકતા અને અખંડીતતાને પોતાનો ધર્મ અને કર્મ માનનારો શીખ સમુદાય ભારત દેશમાં પોતાની એેક આગવી સંસ્કૃતિ ઘરાવે છે.

કોવીડ-૧૯ના સંક્રમણને કારણે સમગ્ર વિશ્વ આજે નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થતા રોજેરોજનું કમાઈને પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરની વચ્ચે આવેલ ગુરૂદ્વારા દુ:ખ નિવારણ સાહિબ દ્વારા ફ્રી ટીફીન સેવા શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા પરપ્રાંતીય મજૂરોના હિતને ધ્યાને રાખીને કોઈપણ પરપ્રાંતીય મજૂરો પોતે જે તે જગ્યાએ કામ કરતા હોય તે ગામ કે જિલ્લો છોડીને મુસાફરી કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે આ તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ગરમ અને પૌષ્ટીક ભોજન ઉપલબ્ધ થાય તે હેતુસર ગુરુદ્વારા લંગર સેવા આપી રહ્યું છે.
શીખ ધર્મમાં લંગર એટલે સમુહ ભોજનનું રસોડુ જેની પ્રથા પ્રથમ શીખ ગુરુ – ગુરુ નાનક સાહેબ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. આ પ્રથા ધર્મ, જાતિ, રંગ, વય, લિંગ અથવા સામાજિક દરજ્જાને ધ્યાનમાં લીધા વગર બધા જ લોકોમાં સમાનતાના સિદ્ધાંતને પ્રસ્થાપિત કરવા માટે બનાવવામાં આવ્યું છે.
રાજકોટના ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહેબ દ્વારા રોજનું બાર હજાર જેટલા વ્યક્તિઓ માટે લંગરને તૈયાર કરવામાં આવે છે. જેને ફુડ પેકેટના સ્વરૂપમાં રાજકોટ શહેર અને તેની નજીકના તમામ વિસ્તારોમાં તેનું વિતરણ કરવામાં આવે છે. જેમકે, શાપર-વેરાવળ, માલીયાસણ, માધાપર ચોકડી અને તેની આજુ બાજુના વિસ્તાર, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ વગેરે સ્થળોએ ફ્રિ ટીફીન સેવા પુરી પાડી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે રોજનું ૨૦૦૦૦ કીલો જેટલુ શાકભાજી, ૨૦૦૦ કીલો જેટલા કઠોળનો ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે છે રોજની ૧૦ હજાર જેટલી રોટલી ઓટોમેટીક મશીનમાં તથા ૫ હજાર જેટલી રોટલી બહેનો દ્વારા હાથેથી બનાવવામાં આવે છે. આજે લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોના ઘરમાં એક શાક, દાળ-ભાત તેમજ રોટલી બનાવવામાં આવે છે. ત્યારે આ દુઃખ નિવારણ સાહેબ ગુરુદ્વારા દ્વારા દરરોજના પાંચ પ્રકારના શાક, દાળ-ભાત, રોટલી, ફરસાણ તેમજ મિષ્ટાન બનાવી ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત કરવાનું ઉત્તમોતમ કાર્ય કરવામાં આવે છે.
તમામ જરૂરીયાતમંદોને તેમના ઘર જેવું જ નહિ પરંતુ કોઇ હોટલની હાઈ ફાઈ થાળી હોય તે પ્રકારનું સ્વાદિષ્ટ, પૌસ્ટિક અને પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. સાથોસાથ મજાની વાત તો એ છે કે અહીંયા રોજેરોજ વાનગીઓ બદલાતી રહે છે. અહીંયા ગુજરાતી, કાઠિયાવાડી વાનગી પણ બનાવવામાં આવે છે તો ક્યારેક જુદી જુદી જાતના ભજીયા, પાંઉભાજી જમાડવામાં આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, તમામ લાભાર્થીઓને વિટામીન સી ભરપુર માત્રામાં મળી રહે તે માટે મોસંબી, સંતરા, દ્રાક્ષ, કેળા, સફરજન વગેરે આપવામાં આવે છે.
દુઃખ નિવારણ સાહેબ ગુરૂદ્વારાના સ્થાપક શ્રી હરિસિંઘ સુચરીયાએ જણાવ્યું હતું કે, અમે શીખ સમુદાયના લોકો વાહેગુરૂના આર્શિવાદ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાની ઉમદા ભાવનાના કારણે આફતને પણ અવસરમાં પલટાવી દેવામાં માનીએ છીએ. જ્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે કોરોનાની મહામારીને અટકાવવા માટે સમગ્ર દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી તે રાતથી જ અમે નક્કી કર્યું હતું તે મુજબ જરૂરિયાતમંદ લોકોને માટે લંગરની સુવિધા ચાલુ કરી છે…શરૂઆતના દિવસોમાં અમે એકાદ હજાર લોકોને ફુડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા. ધીમે ધીમે તેની સંખ્યા ૫૦૦૦ ઉપર પહોંચી હતી. આજે એવો સમય આવ્યો છે કે, અમે રોજના બાર હજાર જેટલા ફૂડ પેકેટ લોકોને પહોંચાડી શકીએ છીએ. જે પૈકી ૩૫૦૦ જેટલા ફુડ પેકેટ એકલા જંગલેશ્વર વિસ્તારમાં મોકલવામાં આવે છે.
સેવા પરમો ધર્મના સુત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરીને ભુખ્યાજનોની જઠરાગ્નીને ઠારવાનું ઉમદા કાર્ય કરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યું છે ગુરુદ્વારા દુઃખ નિવારણ સાહેબ. આ ગુરુદ્વારાના સહસંસ્થાપક શ્રી નિર્મલ કૌર સુચરીયા, શમશેર સિંધ સુચરીયા, જગજીતસીંધ સુચરીયા, મારવાડી યુનિર્સિટીના એમ.સી.એ ડિપર્ટમેન્ટના પ્રોફેસરશ્રી નિલેશભાઈ અડવાણી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના મેનેજરશ્રી જસ્મીનભાઈ સાંગાણી સહિત અન્ય ૩૫ જેટલા લોકો માનવતાની મહેક પ્રસરાવવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યા છે.
Author:રાજ લક્કડ, પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ
સોર્સ: નીલેશ અડવાણી – મારવાડી યુનિવર્સીટી
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.