મંગળવારથી ગુજરાત માટે આવુ હશે લોકડાઉન 4 – રાજ્ય સરકાર દ્વારા થઇ મહત્વપૂર્ણ જાહેરાત
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકાર દ્વારા તા.૩૧મી મે સુધી દેશમાં લૉકડાઉન લંબાવવાના નિર્ણયના પગલે ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે મંગળવાર તા. ૧૯મી મે સવારથી રાજ્યમાં લૉકડાઉનનો અમલ કરવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં જણાવ્યું કે, ભારત સરકારે તા.૩૧મે સુધી લૉકડાઉન લંબાવવાનું નોટિફિકેશન પ્રસિદ્ધ કર્યું છે સાથોસાથ રેડ, ગ્રીન, ઓરેન્જ અને કન્ટેન્ટમેન્ટ ઝોન એવા વિસ્તારો માટે રાજ્ય સરકારને ભારત સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ છૂટછાટ પણ આપી છે. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લૉકડાઉનનો અમલ ચાલુ રહેશે એમ પણ તેમણે જણાવ્યું છે.

તેમણે જણાવ્યું કે, ભારત સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના આધારે લૉકડાઉન અંગેના નિર્ણયો અને કાર્યયોજના માટે સોમવારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સહિતના અધિકારીઓ સાથે તેમના જિલ્લા-વિસ્તારની સ્થિતિ અંગે પરામર્શ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના અંતિમ નિર્ણયો કરશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, સોમવાર તા. ૧૮મી મેએ આ અંગેના નિયમો અને SOP તૈયાર કરીને મંગળવાર તા.૧૯મી મે સવારથી તેનો અમલ કરવામાં આવશે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, ભારત સરકારના આ નોટિફિકેશન મુજબ કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે તેને અનુલક્ષીને રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર શહેરો સહિત કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં ઉદ્યોગને નિયમાનુસાર શરૂ કરવાની છૂટ અપાશે.
એટલું જ નહીં ભારત સરકારના આ નોટિફિકેશનમાં ટ્રાન્સપોર્ટ સર્વિસિસ માટે જે છૂટ અપાઈ છે તે મુજબ રાજય સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોન બહારના વિસ્તારો માટે એસ.ટી. બસ અને સિટી બસ સેવાઓને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના પાલન સાથે છૂટ આપશે તે અંગેના નિયમો પણ સોમવારે જાહેર કરાશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સાંજના ૭થી સવારના ૭ સુધી કર્ફ્યૂનો અમલ દેશભરમાં કરવા માટે આ નોટિફિકેશનમાં જણાવાયુ છે તે મુજબ સમગ્ર ગુજરાત રાજ્યમાં પણ તેનો કડક અમલ કરાશે. સૌ નાગરિકો આ સમય દરમિયાન એટલે કે સાંજના ૭ થી સવારના ૭ દરમિયાન પોતાના ઘરમાં જ રહે અને સુરક્ષિત રહે તેવી અપિલ પણ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
તેમણે રાજ્યમાં રિક્ષાચાલકો અને સ્કૂટરચાલકો માટે પણ યોગ્ય છૂટછાટો આપવા અંગેનો નિયમો પણ સોમવારે SOP બન્યા પછી જાહેર કરવામાં આવશે તેમ ઉમેર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તાર બહાર દૂકાનો ઓફિસો ચાલુ રાખવા અંગે પણ સોમવારે ઘડાનારા નિયમો બાદ રાજ્ય સરકાર યોગ્ય જાહેરાત કરશે.
તેમણે ઉમેર્યું કે, વેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, વેપાર ઉદ્યોગ મંડળોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ભીડભાડ ન થાય તે રીતે દૂકાનો, ઓફિસો ચાલુ રાખવા અંગે પણ આ નિયમોમાં છૂટછાટ આપવાનું નક્કી કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં સંક્રમણ વધુ ન ફેલાય અને સૌની આરોગ્ય સુરક્ષા જળવાય તે માટે સમગ્ર રાજ્યમાં જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ ફરમાવવા સાથે જાહેરમાં થૂકનારા વ્યક્તિને રૂ. ૨૦૦નો દંડ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જાહેરમાં માસ્ક પહેરવાનું પણ ફરજીયાત બનાવતા આ નિયમનો ભંગ કરનારને પણ રૂ. ૨૦૦નો દંડ કરાશે તેમ જાહેર કર્યું છે.
શ્રી વિજયભાઈ રૂપાણીએ એમ પણ જણાવ્યું કે, રેસ્ટોરન્ટ માટે હોમ ડિલેવરીની છૂટછાટો માટે પણ આવતીકાલે નિયમો ઘડાશે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની જનતા જનાર્દનને અપીલ કરી છે કે, લૉકડાઉન-૩ સુધી નાગરિકોએ ખભેખભા મિલાવી લૉકડાઉનના નિયમોના પાલનમાં જે સહકાર આપ્યો છે તેવો ભવિષ્યમાં પણ આપતા રહે.
તેમણે ઉમેર્યું કે, આપણે કોરોના સામે સલામતિ અને સાવચેતી રાખીને તથા નિયમો પાળીને રોજિંદી જીવન પ્રવૃત્તિઓ ચાલુ પણ રાખવી છે અને કોરોના સંક્રમણને ખાળવું પણ છે.
મુખ્યમંત્રીશ્રીએ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોમાં દૂધ, શાકભાજી, દવા, અનાજ-કરિયાણું જેવી આવશ્યક સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવતા કહ્યું કે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વસતા લોકો તેમનો કન્ટેન્ટમેન્ટ ઝોન ઝડપથી ગ્રીન ઝોન બને તેમાં સહયોગ આપે.
લૉકડાઉન એ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારના લોકોની સુરક્ષા અને સલામતિ માટે છે. એટલે સૌ લોકો જાગૃતિ ઉભી કરે, સર્વેલન્સમાં સહયોગ આપે, આયુર્વેદીક દવાઓ, ઉકાળા વગેરેથી રોગ પ્રતિકારક શક્તિ વધારે અને વૃદ્ધો-બાળકો, ગંભીર બિમારી ધરાવતા લોકોની ચિંતા કરી ઝડપથી કન્ટેન્ટમેન્ટ વિસ્તારને ગ્રીન ઝોન તરફ લઈ જવા માટેના સામૂહિક પ્રયાસો કરે તેવી અપીલ તેમમે કરી હતી
- કન્ટેન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનના વિસ્તારો અંગે સોમવારે જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી સ્થિતિનો તાગ મેળવી લોકડાઉન અંગે અંતિમ નિર્ણય કરાશે
- સોમવાર તા. ૧૮મી મે ના દિવસે નિયમો તથા SOP તૈયાર કરીને મંગળવાર તા. ૧૯મી મે થી તેનો અમલ થશે
- સાંજના ૭ થી સવારના ૭ સુધી કર્ફ્યૂનો અમલ રાજ્યભરમાં યથાવત રહેશે
- સમગ્ર રાજ્યમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ-ભંગ બદલ રૂ. ૨૦૦ દંડ કરાશે
- જાહેરમાં માસ્ક પહેરવાનું પણ ફરજિયાત,
- નહીં પહેરનારને રૂ. ૨૦૦નો દંડ થશે
- લૉકડાઉન એ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારોના લોકોની સુરક્ષા-સલામતિ માટે છે કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારને ગ્રીન ઝોન તરફ લઈ જવા માટે સૌ સામૂહિક પ્રયાસો કરે
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટિમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.