માતા-પિતાની સેવાથી મળતું પુણ્ય – માં બાપ ને ભૂલશો નહિ – Parents Day

 પાંચ યજ્ઞકર્મોમાંનું અતિ મહત્વનું યજ્ઞકર્મ માતા-પિતાનું પૂજન અને રોજ પ્રણામ કરવાં, તેમજ જે માતા-પિતાની સેવા કરે છે, તેમને અનેકગણું પુણ્ય મળે છે.

મહર્ષિ વેદવ્યાસને તેમના શિષ્યોએ પ્રશ્ન કર્યો કે એવું કર્યું કર્મ છે જેનાથી વધુ પુણ્ય મળતું હોય તથા મનુષ્યલોકમાં વસતા બધાય વર્ણના લોકો સહેલાઇથી જે મેળવી શકે, નાના મોટા બધાય લોકો જે સાધ્ય કરી શકે?તેનો ઉત્તર આપતાં વ્યાસે કહ્યું, એવાં પાંચ યજ્ઞકર્મો છે. પરંતુ તેમાંનું અતિ મહત્વનું યજ્ઞકર્મ માતા-પિતાનું પૂજન છે અને જે પુરુષ માતા-પિતા પ્રત્યે પૂજ્યભાવ રાખી તેમની સેવા કરે છે, તેમને રોજ પ્રણામ કરે છે તેમને અનેકગણું પુણ્ય મળે છે. પરંતુ માતા-પિતાની જે અવમાનના કરે છે, વૃદ્ધાવસ્થામાં તેમની ઉપેક્ષા કરે છે, તેમની ચાકરી નથી કરતા તે અધ:પતિત થઇ અવગતિ પામે છે અને તેનું ર્દષ્ટાંત આપતાં વ્યાસે કહ્યું.

નરોત્તમ બ્રાહ્નણને થયેલો અહંકાર: પ્રાચીનકાળમાં નરોત્તમ નામનો એક બ્રાહ્નણ હતો. તે પોતાનાં માતા-પિતાનો અનાદર કરી તીર્થયાત્રાએ ગયો. બધાં તીર્થોમાં સ્નાન કરી પુણ્ય કમાયો તેથી તેના મનમાં અહંકાર આવ્યો કે તેનાં જેવાં પુણ્યકર્મ કરનાર કોઇ નથી. એક વખત હંમેશની જેમ તે તેનું ઉપવસ્ત્ર સૂકવતો હતો ત્યારે તેના ઉપર એક બગલો ચરકયો અને ક્રોધે ભરાઇ તેણે બગલાની સામે જોયું તો બગલો બળીને ભસ્મ થઇ ગયો. તે બગલાનો નાશ થયેલો જોઇ બ્રાહ્નણ ગભરાઇ ગયો. તેનું મન તેને ખાવા લાગ્યું. તેનાથી પાપ થઇ ગયું છે તેથી ખૂબ વ્યથિત થયો. એવામાં આકાશવાણી થઇ અને તેમાં કહ્યું કે ‘તું એક પરમ ધાર્મિક ‘મૂક’ નામના ચાંડાલને ત્યાં જા, તે તેનાં માતા-પિતાની ખૂબ ભાવથી સેવાચાકરી કરે છે અને તેની આ સેવાથી પ્રસન્ન થઇ વિષ્ણુ ભગવાન એક બ્રાહ્નણના રૂપમાં ત્યાં રહે છે. તે તારંુ દુ:ખ દૂર કરશે.’

ચાંડાલના ઘરે બ્રાહ્નણનું આવવું:
આ બ્રાહ્નણ ‘મૂક’ ચાંડાલનું ઘર પૂછતો પૂછતો તેના ઘરે પહોંચ્યો. બ્રાહ્નણે તેને કહ્યું કે, હું તમારી પાસે પાપમુક્તિનો રાહ જાણવા આવ્યો છું. તેથી મને હિતકારી ઉપદેશ આપો. ચાંડાલે કહ્યું, ‘હમણાં તો હું મારાં માતા-પિતાની સેવામાં વ્યસ્ત છું. તમે થોડો વખત રાહ જુઓ પછી હું નવરો પડીશ ત્યારે તમારો અતિથિસત્કાર કરીશ.’ પેલો બ્રાહ્નણ ગુસ્સે થઇ કહેવા લાગ્યો. ‘આંગણે આવેલા અતિથિ બ્રાહ્નણનું આ અપમાન છે. મારા સ્વાગત કરવાના કામથી એવું તે કર્યું મોટું કામ છે કે તું મારી ઉપેક્ષા કરે છે?’ ચાંડાલે કહ્યું, ‘તમે નકામા ગુસ્સે થાવ છો. આકાશવાણી સાંભળી તમે મારા ઘરે આવ્યા છો તે હું જાણું છું. હું કોઇ બગલો નથી કે બળીને ભસ્મ થઇ જઇશ. હું મારાં માતા-પિતાની સેવા પૂરી ન કરી લઉં ત્યાં સુધી તમારે રાહ જોવી પડશે. છતાં તમારે રાહ જોવી નહોય તો તમે પેલી પતિવ્રતા સ્ત્રી પાસે જાઓ એ તમને તમારું હિતકર્મ સમજાવશે.’

બ્રાહ્નણને થયેલા જુદા જુદા અનુભવ: પેલા ચાંડાલને ત્યાં બ્રાહ્નણ રૂપે રહેતા વિષ્ણુ ભગવાને તે બ્રાહ્નણને કહ્યું, ચાલો, હું તમને તે પતિવ્રતા સ્ત્રીનું ઘર દેખાડું, પદ્મપુરાણમાં પતિવ્રતા સ્ત્રીનું વર્ણન છે. તે સ્ત્રીએ બ્રાહ્નણને કહ્યું કે, હમણાં હું મારા પતિની સેવામાં વ્યસ્ત છું. તમારે રાહ જોવી ન હોય તો તુલાધાર વૈશ્ય પાસે જાવ. તે સત્યનું આચરણ કરી પ્રામાણિકપણે તેનો ધંધો કરે છે.તુલાધાર વૈશ્યે તે બ્રાહ્નણને પોતે ધંધાનું કાર્ય પૂરું કરી લે ત્યાં સુધી રાહ જોવા કહ્યું. નહીં તો તેણે અદ્રોહક નામના જિતેિન્દ્રય પાસે જવા કહ્યું.

અદ્રોહકે આપેલી શિખામણ: બ્રાહ્નણ વિચાર કરતો હતો કે આ બધાને મારી બધી વાતની જાણ કેવી રીતે થઇ? ત્યારે અદ્રોહકે તેને સમજ આપતાં કહ્યું. ‘તમારાં માતા-પિતા તમારા દ્વારા આદર અને સન્માન પામ્યાં નથી. તેથી તમે તેમની પાસે જઇ સેવા કરો. ત્યાર પછી જ તમને સાયુજય મુક્તિ મળશે. બ્રાહ્નણના મનમાં ચાંડાલ માટે થયેલી શંકા નિર્મૂળ કરતાં અદ્રોહકે કહ્યું, મહત્વ જાતિનું નથી, મહત્વ છે તેણે અનન્ય ભક્તિથી કરેલી માતા-પિતાની સેવાનું. અને તે સેવાથી જ તો પ્રસન્ન થઇ સ્વયં ભગવાન વિષ્ણુ તે ચાંડાલને ત્યાં બ્રાહ્નણ રૂપે રહ્યા.

‘પિતાની આગલી અવસ્થામાં તે સમર્થ હોવાથી અને પુત્ર અસમર્થ હોવાથી પુત્રનું પ્યારથી લાલન-પાલન કરે છે. ઉત્તરાવસ્થામાં માતા-પિતા અશકત તથા અસમર્થ છે, પુત્ર સશકત અને સમર્થ છે તેથી તેણે માતા-પિતાની સેવાચાકરી કરવી જોઇએ. અને તેનું પુણ્ય કોઇપણ પ્રકારની સેવાપૂજા યા તીર્થયાત્રા કરતાં વિશેષ છે.’ નરોત્તમ બ્રાહ્નણ ઘરે પાછો ફર્યો. માતા-પિતાની માફી માગી તેમની સેવામાં શેષ આયુષ્ય વ્યતિત કર્યું.

આપણી શ્રેષ્ઠ પરંપરાની અવમાનના: તૈત્તિરીય ઉપનિષદોમાં પોતાનો અભ્યાસ પૂરો કરી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતાં સ્નાતકો માટેના દીક્ષાન્ત સમારોહમાં આદેશ છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ… પરંતુ કેટલાકનું મંતવ્ય છે કે માતા-પિતાને નમસ્કાર કરવા જેવું કાંઇ હોય તો નમસ્કાર કરીએને? હકીકતમાં માતા-પિતાને નમસ્કાર જોઇતા નથી, પરંતુ સંતાને કૃતઘ્નતા (નગુણા)ના પાપમાંથી બચવા માટે તેમનું પૂજન, સેવાચાકરી કરવી આવશ્યક છે.

પાશ્વાત્યોનો આભાર: આપણે આપણા હજારો વર્ષોના પરંપરાગત સંસ્કારો ભૂલી ગયા છીએ, એ શરમજનક છે. પરંતુ પાશ્વાત્ય લોકોનો આભાર માનીએ કે ફાધર્સ ડે, મધર્સ ડે વગેરે ઊજવી પાશ્વાત્ય રંગોમાં ડૂબેલી આપણી યુવાપેઢીને તેમનાં ફરજનો સભાનતા તરફનો આ અંગુલીનિર્દેશ છે! કાશ યુવાપેઢી આ સમજે અને માતા-પિતા પ્રત્યેના આપણા સંસ્કારો પુનર્જીવિત કરે અને પુરાણે સમજાવેલ માતા-પિતાની સેવાનું હાર્દ સમજે.

આપણાં પુરાણો, પરમાનંદ ગાંધી અને દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!