શ્રાવણ માસમાં શિવનાં ‘અર્ધનારીશ્વર રૂપ’ વિશે જાણો – Ardhanarishvara

શિવ અને પાર્વતીના દૈવી યુગલમાં કોઈને બાહ્યનજરે, રૂપ-સંગ-આકૃતિ વગેરેમાં પરસ્પર વિરોધ દેખાય; પરંતુ વાસ્તવમાં તો બન્નેનું પ્રસન્ન-મધુર દામ્પત્ય છે. બન્નેમાં પરસ્પર એટલો પ્રગાઢ પ્રેમ છે કે બન્ને સંયુક્ત થઈને ‘એક’ બની ગયાં, ‘અર્ધનારીશ્વર’ બની ગયાં. શબ્દ અને અર્થની જેમ એકરૂપ થઈ ગયેલ વિશ્વનાં માતા-પિતા શિવ-પાર્વતીને શિવભક્ત કવિ કાલિદાસ વંદન કરે છે : જગત: પિતરૌ પાર્વતીપરમેશ્વરૌ । આજે પણ પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતીને ‘શિવ-પાર્વતી’ના આશીર્વાદ અપાય છે.

વેદાંતનો ‘અદ્વૈત’ (જીવ-શિવની એકતા) સિદ્ધાંત સ્પષ્ટ કરવા પુરાણકારોએ ‘અર્ધનારીશ્વર’નું સ્વરૂપ રજુ કર્યું છે. સાંખ્ય શાસ્ત્રનો મત છે કે પુરુષ (નરતત્વ) અને પ્રકૃતિ (નારીશક્તિ)ના સંયોગથી સૃષ્ટિ રચાય છે. દેવીશક્તિને ‘માયા’ પણ કહી છે. પરબ્રહ્મ શિવ અને માયાશક્તિ પાર્વતીનું સંયુક્ત યુગલ સ્વરૂપ એટલે અર્ધનારીશ્વર.

શિવપુરાણ વગેરેની પૌરાણિક કથાઓ પ્રમાણે, પાર્વતીની ઉગ્ર તપશ્વર્યાથી પ્રસન્ન થઈ તપસ્વી શિવજીએ પાર્વતીનો પત્ની રૂપે સ્વીકાર કર્યો. શિવજીએ વિચાર્યું કે જેણે મને પામવા આવું આકરું તપ કર્યું, તે પાર્વતી મારા વિના ઘડી પણ રહી શકશે નહિ. શિવજી તો કરુણાસાગર! એમનું હૃદય પાર્વતી પ્રત્યે દ્રવી ઊઠ્યું અને પોતાના દેહના ડાબા અર્ધા અંગમાં કાયમ માટે ગૌરીને સ્થાન આપી દીધુ. તે ‘ગૌરીશંકર’ બની ગયા, બન્નેનું ‘અર્ધનારીશ્વર’ સ્વરૂપ રચાયું. અર્ધનારીશ્વર તો પતિ-પત્નીના નિર્મળ અને પ્રગાઢ પ્રેમનું પ્રતીક છે.

અર્ધનારીશ્વર સ્વરૂપમાં નર નારી બન્નેના ગુણોનો અદ્ભુત સમન્વય થયો છે. આ બન્ને મળીને વિશ્વનું પરમ ચૈતન્ય-તત્વ બને છે, જેનાથી સૃષ્ટિનું સર્જન થાય છે. શિવપુરાણમાં વારંવાર કહ્યું છે કે મહાશક્તિ સાથેના શિવ સર્જન અને સંહારની લીલા કરે છે. આ સ્વરૂપમાં શિવજીના તાંડવનૃત્ય અને પાર્વતીના લાસ્યનૃત્યનો પણ સંગમ થયો છે. લાસ્યનૃત્યથી સૃષ્ટિનું સર્જન થાય છે અને તાંડવનૃત્યથી વિશ્વનો સંહાર થાય છે. સર્જન અને સંહારની સંયુક્ત શક્તિ એટલે અર્ધનારીનટેશ્વર.

શૈવ સંપ્રદાયોનો મત છે કે પરાશક્તિ પાર્વતી તો નિત્ય શિવ સાથે જોડાયેલી છે. બન્નેમાં પૂર્ણ અદ્વૈત (એકરૂપતા) છે. જેમ ફૂલમાં સુગંધ ભળેલી છે, ચંદ્રમાં ચાંદની છુપાયેલી છે, સૂર્યમાં પ્રકાશ જોડાયેલો છે તેમ શિવ સાથે હંમેશ શક્તિ જોડાયેલી છે.

એક ભક્તકવિ અર્ધનારીશ્વર-સ્વરૂપ શિવ-શિવાની સ્તુતિ કરે છે : ‘જેના ડાબા અંગમાં પાર્વતી વિરાજમાન છે; જેમનો ડાબો દેહ ચંપાના ફૂલ જેવો ગોરો છે અને જેમનો જમણો દેહ કપૂરના જેવો ગૌર છે. જેને ડાબા અંગના મસ્તકે અંબોડો ધારણ કર્યો છે અને જેમણે જમણા અંગના મસ્તકે જટા ધારણ કરી છે, તેવાં શિવ-શિવાને નમસ્કાર :

આત્મા-પરમાત્મા, પતિ-પત્ની વગેરેની એકતાનો બોધ આપવા આપણા પૂર્વજ પુરાણકારોએ ‘અર્ધનારીશ્વર’ સ્વરૂપ રજુ કર્યું છે. પતિ-પત્ની પ્રીતભિાવથી બન્ને એક બનીને સંપ-સહકારથી પુરુષાર્થ કરે તો ગૃહસ્થાશ્રમ ધન્ય બની જાય, લીલીવાડી રચાય, ધરતી ઉપર જ સ્વર્ગની અનુભૂતિ થાય. 

આભાર  :દિવ્યભાસ્કર

Leave a Reply

error: Content is protected !!