યુવાનો ની સમસ્યા – પત્ર પહેલો Youngster problems

 હમણા એક ગુજરાતી અખબારના બિલ્ડીંગ પાસેથી પસાર થતો હતો ત્યાં એક કાગળોનું બંડલ પડેલું જડ્યું. અમને તો આમેય નાની નાની વાતોમાં કુતુહલ બહુ થાય છે. મુકેશભાઈએ નીતાબેનને યોટ ભેટમાં આપ્યું ત્યારે અમને કુતુહલ થયું’તુ કે નીતાબેનના રીએક્શન કેવા હશે ? એમણે ‘આના કરતાં તો એરક્રાફ્ટ આપ્યું હોત તો સારું થાત’ કે પછી ‘આમાં કિચન નાનું છે’ એવું કાઇ કીધું હશે ખરું ? એટલે જ અમે એ કાગળોનું બંડલ અમારા ઘેર લઇ આવ્યા હતાં. પછી ખબર પડી કે આતો સામજિક અને અંગત સમસ્યાઓના ઉકેલ માટે છાપામાં વિદ્વાન પત્ર દ્વારા પૂછાતા પ્રશ્નો છે. લોકોની સમસ્યાનાં જગતના મહાન તત્વચિંતકો દ્વારા જવાબ આપાય, અને અમારા જેવા રસથી એ પ્રશ્નો વાંચે. હા પ્રશ્નો જ, જવાબ કોણ વાંચે છે ? પણ અમને થયું કે આ પત્રો હવે અખબાર સુધી તો પહોંચવાના નથી તો લાવો હું જ જવાબ આપું. તો આવા બે પત્રો અને અમારા જવાબ અહિ મુકું છું. પત્ર લખનારની ઓળખ છતી ન થાય તે માટે નામ બદલ્યા છે તે સુજ્ઞ વાચકોની જાણ સારું.

પહેલો પત્ર

સર,
હું કોલેજમાં અભ્યાસ કરતી એક સ્વરૂપવાન યુવતી છું. સ્વરૂપવાન એટલે એકદમ ગોરી નહિ, પરંતુ ઘાટીલી ખરી. મારી કોલેજમાં હું લોબીમાંથી પસાર થતી હોઉં તો પ્રોફેસરો તો ઠીક, મારાથી જુનિયર વિદ્યાર્થીઓ પણ શ્વાસ રોકીને ઉભા રહી જાય છે. આના લીધે જ અમારી કોલેજમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે, અને કોલેજના કમ્પાઉન્ડમાં યોગ કરવા અને ચાલવા માટે સવાર સવારમાં લોકો આવી જાય છે. પણ સર, મારી સમસ્યા ઘણી જટિલ અને વિચિત્ર છે. હું વિગતે જણાવું. હું મધ્યમ વર્ગમાંથી આવું છું. મારા પરિવારમાં અમે ત્રણ બહેનો છીએ અને એક ભાઈ છીએ. અમારું કુટુંબ મોટું છે, પણ ઘર ઘણું નાનું છે, ઘરમાં હું ત્રીજા નંબરની છું. સૌથી મોટી દીદી પરણી ગઈ છે, અને એ મારા જીજાજીને રોજ ઝૂડે છે. પણ એ તો મારી દીદી એની સાસુ પાસેથી જ શીખી હતી, એટલે જીજાજીના કુટુંબમાં એ આગળથી ચાલ્યું આવે છે, માટે એ કોઈ મોટી સમસ્યા નથી. મમ્મી નોકરી કરે છે. મમ્મીની નોકરી સવારે સાત વાગ્યાની છે અને પપ્પાની અગિયાર વાગ્યાની, આમ પપ્પાને ચાર કલાકની આઝાદી મળે છે એટલે સવારનું ખાવાનું પપ્પા બનાવે છે. પપ્પા મનમાં એમ સમજે છે કે એ બહુ સારું ખાવાનું બનાવે છે, પણ એમની દાળ કાયમ ખારી બને છે અને પાણી ઓછું વત્તું પડે છે એટલે ભાતમાં દાળ મિક્સ કરવા અમારે ગ્રાઈન્ડર વાપરવું પડે છે. જોકે અમારી પાસે મિક્સર છે, એટલે એ ગુંદર જેવા ભાત પણ મારી સમસ્યા નથી. અને આમેય મને ભાત ભાવતા નથી. સર, મારો નાનો ભાઈ માત્ર સાત વરસનો છે. મમ્મી પપ્પા નોકરી કરતાં હોવાથી સવારે ભઈલાને સંભાળવાનું કામ મારા ભાગે આવે છે. ભૈલું સવારમાં ઉઠતાની સાથે વિડીયો ગેમ લઈને મંડી પડે છે, અને દૂધ પીતાંપીતા એલીયન્સ સાથે ફાઈટ કર્યા કરે છે. એમાં ગુસ્સો આવે તો દુધનો ગ્લાસ પણ ફેંકી દે છે. પણ મારી સમસ્યા દુધનો ગ્લાસ પણ નથી, કારણ કે પપ્પા ગ્લાસની ફેકટરીમાં જ કામ કરે છે અને મમ્મી ડેરીમાં.

મારી સમસ્યા મારી સાથે ભણતો સલીમ છે. સલીમ એક ધનાઢ્ય કુટુંબનો નબીરો છે. એને ઘણી બધી કુટેવો છે. પહેલી તો એ કે એ બધા જ ક્લાસ ભરે છે, સાવ બોચિયો છે. ખાલી ક્લાસ ભરતો હોય તો ઠીક છે પણ એ તો પાછો સર જે બોલે તે નોટમાં પણ ઉતારે છે. ક્લાસ પછી કોલેજમાં રોકાઈને પ્રોફેસરે અધૂરા પ્રોબ્લેમ્સ સોલ્વ કર્યા પછી જ ઘરે જાય છે. પણ સર, એ એનાં મમ્મી-પપ્પાનો એક નો એક છોકરો છે અને એકદમ સધ્ધર ઘરનો છે. એનાં પપ્પાની પાંચ ફેક્ટરી છે, છ કાર છે, પણ એની પાસે બાઈક નથી. અને કપડા જુઓ તો સર, એ સાવ લઘરવઘર ફરે છે. હજુ એ પેન્ટ-શર્ટ સીવડાવે છે. એ તો ઠીક છે, પણ ફૂલ સ્લીવના શર્ટ પહેરે છે અને સ્લીવના બટન પણ બંધ કરે છે. એક વખત તો એવુ બન્યું હતું કે હું અને એ બંને પેસેજમાં સામસામેથી એકલા પસાર થતાં હતાં, એ વખતે એનાં શર્ટનું ઉપરનું બટન પણ તૂટેલું હતું. મેં જોયું તો એની છાતી પર ઘણાં વાળ હતાં. છી…. એ વેક્સિંગ પણ કરાવતો નથી. પાછા એને ચશ્માં પણ છે. સર, વિચારો કે આવાં છોકરાને કઈ રીતે કોઈ પ્રેમ કરી શકે ? પણ શું કરું સર, આખા ક્લાસ, અમારી સોસાયટી, અમારી નાતમાં કોઈ છોકરો સલીમ જેટલો પૈસાદાર નથી. એટલે જ પછી મને-ક-મને મારે એને પ્રપોઝ કરવું પડ્યું. મેં તો શરૂઆત જ ‘આઈ લવ યુ’ નાં એસ.એમ.એસ.થી કરી. પણ એ ડફોળ, હા ડફોળ, મારા જેવી સ્વરૂપવાન યુવતીનાં ‘આઈ લવ યુ’ નાં જવાબમાં કોક શિવ ખેરાના મેસેજ ફોરવર્ડ કરવા લાગ્યો. સો બોરિંગ. પાછો એ કોઈ દિવસ કેન્ટીન પર તો આવે જ નહિ. અરે, વેલેનટાઈન ડે પર એને ચોકલેટ આપી તો એણે ઝુપડપટ્ટીનાં છોકરાઓને વહેંચી દીધી. સર, મારી સ્થિતિ ન કહેવાય અને ન સહેવાય એવી થઇ ગઈ છે. ન હું એને છોડી શકું છું, ન હું એને પામી શકું છું. અને આ કારણસર જ આજકાલ મારું મન ટીવી જોવા અને ફ્રેન્ડ્સોને એસએમએસ કરવામાં પણ લાગતું નથી. તો તમે જ કહો સર, આ છોકરાને કઈ રીતે પટાવું ?

લિ. અનારકલી.    

પ્રિય અનારકલી, તમારી સમસ્યા ઘણો ગંભીર વિચાર માંગી લે એવી છે બહેન. આજકાલના પૈસાદાર યુવાનો કેવા છે એનો સ્પષ્ટ ચિતાર તમારા પત્રથી મળે છે. આજકાલનાં યુવાનોની આજ સમસ્યા છે. ભણવા અને કેરિયરની આંધળી દોડમાં આજનું યુવાધન વેડફાઈ રહ્યું છે. તમે સલીમના સ્વભાવ અને કપડાનું જે વર્ણન કર્યું તે તાદ્રશ્ય કરે છે કે કારકિર્દી પાછળ સલીમ  કેટલો આંધળો છે કે એણે તમારા જેવી સ્વરૂપવાન, ચારિત્ર્યવાન, ગુણવાન, ભીનેવાન, આધુનિક વિચારો ધરાવતી છોકરી સામે જોયું પણ નહિ. પણ તમારી વાત સાંભળીને એવું લાગે છે કે આવાં ખર્ચા જેવા છોકરા પાછળ જીંદગી બરબાદ ન કરાય. હા, પૈસા જીવનમાં અગત્યના છે પણ ટેરીકોટનનાં પેન્ટ પહેરતા છોકરા સાથે હરગીજ જીંદગી ન વિતાવાય, હવે ગઈ-ગુજરી ભૂલી જાવ, કોક જીન્સ પહેરતા, બાઈકવાળા, નેતા કે સરકારી અધિકારીનાં છોકરાને શોધી નવેસરથી કોલેજ લાઇફ શરુ કરો. અને હજુ તો કોલેજનું બીજું વરસ જ છે, તેમ છતાં જો એક વધારે વરસ કોલેજ લાઈફ માનવી હોય તો જરૂર જણાતા પરિક્ષામાં ડ્રોપ લઇ લો અથવા પેપર કોરું છોડી દો જેથી કરીને માબાપને જાણ ન થાય.

સ્ત્રોત: અધીર અમદાવાદી

Leave a Reply

error: Content is protected !!