ગાંધીજી નો જન્મ દિવસ – Gandhiji Birthday

“હલ્લો કોણ?”

“ફોન તે કર્યો છે તુ’કે ને ભાઈ?”

“આપ વી.જે.પટેલ બોલો છો ને?”

“હા વી.જે.પટેલ જ છું બોલ”

“સોરી પણ તમારો અવાજ કાંઈક જુદો લાગે છે, શરદી થઇ છે?”

“પહેલાં થતી હતી હવે નથી થતી”

“એટલે??..જુવો મને લાગે છે કાંઇક ભૂલ થતી લાગે છે રોંગ નંબર લાગી ગયો લાગે છે”
“તો મુકી દે’ ને ભાઈ નકામું બિલ શું કામ વધારે છે”

“એક મીનીટ, તમે વી.જે.પટેલ એટલે વિક્રમભાઈ જેઠાભાઈ પટેલ ને? સ્વતિક સોસાયટી નવરંગપુરા વાળાં?”
“હા હું વી.જે.પટેલ ખરો પણ વલ્લભભાઈ જવેરભાઈ પટેલ, સ્વર્ગ વાળો”

“હેં? એટલે? મજાક ન કરો આઈ મીન રોંગ નંબર છે, હું મુકું છું”

“હા, તો મુક ને? મેં તો તને પહેલાં જ કીધું કે નકામું બિલ ન વધારીશ”

“હા પણ આ સ્વર્ગ વાળો એટલે હું સમજ્યો નહી”

“ભાઈ જેનું મરણ થઇ ગયું હોય એ કાં તો નર્કમાં જાય ને કાં તો સ્વર્ગમાં જાય..નસીબજોગે હું સ્વર્ગમાં છું !”
“એક મીનીટ એક મીનીટ….તમે કીધું કે તમે વલ્લભભાઈ જવેરભાઈ પટેલ એટલે સરદાઆઆર?”

“હા એ નામ મને બાપુ એ આપ્યું હતું, પણ હું તો મને વલ્લભ જવેર પટેલ તરીકે જ ઓળખાવવાનું પસંદ કરું છું”

“હેં મારો ફોન સ્વર્ગમાં લાગી ગયો છે? કેવી રીતે?”

“ભાઈ એ મને ખબર ન પડે, ઘણાં લલ્લુપંજુઓ નાં કોક વાર હિંદ થી ફોનો આવતાં રહે છે.એક હતો ઠોઠ નિશાળીયો એ વારંવાર ફોન કરી ને હેરાન કરતો એટલે મેં અને બાપુ એ એને અહીં જ બોલાવી લીધો”

“ના ના ના ના … મારે કોઈ જ ઉતાવળ નથી, આ કદાચ નેટવર્ક નો પ્રોબ્લેમ હશે”

“હશે, હવે મારું કાઈ કામ હોય તો ‘કે મારે બાપુ સાથે સાંજ નો આંટો મારવા જવાનું છે”

“ઓહ હજી પણ રોજનો ક્રમ તોડ્યો નથી એમણે એમ ને?”                   

“તોડતાં નથી અને તોડવા દેતાં ય નથી આ એમનાં સૌરાષ્ટ્રમાં કહે છે ને એ પ્રમાણે એમને માટે મારે પણ તોડામણી કરવી પડે છે”

“વાહ કહેવું પડે”

 “લે આ બાપુ આવ્યાં હવે મારે જાવું પડશે, તું ફોન મુક”

“એ એ એ એ એક મીનીટ .. મારી સાથે વાત થઇ શકશે? પ્લીઝ?”

 “લે ને વાત કર”

“હેલ્લો બાપુ?”

“હા બોલને ભાઈ, તું કોણ?”

“હું સિદ્ધાર્થ”

“કોણ કરોડપતિ વાળો?”

“ના ના એ તો બસુ હું છાયા”

“અચ્છા તો તું કરોડપતિ વાળો નથી, તો જરૂર કરોડપતિ હોઈશ,એલા ટેક્સ ભરે છે ને?”

“બાપુ, હું કરોડપતિ નથી અને રોડપતિ નથી અને હજી મારી ટેક્સ ભરવા જેટલી આવક નથી”

“તઈ તો ખોટાં ખર્ચા દેખાડતો હોઈશ, રીટર્ન માં”

“ના ના ના બાપુ ખરેખર એટલી આવક નથી”

“તો એવું તો શું કરે છે કે આવક નથી?”

“બાપુ આજકાલ હું ગુજરાતી વિદ્યાર્થીઓ ને અંગ્રેજી કેમ બોલવું એ શીખવાડું છું”

“અમે ભગાડ્યાં, તું પાછાં બોલાવે છે એમ ને?”

“ના ના એવું નથી બાપુ, આ તો અત્યારની જરૂરિયાત પ્રમાણે…”

“ઠીક ઠીક, જે તને યોગ્ય લાગે એ..પણ શિક્ષક છે એટલે તારી આવક ઓછી જ હશે એમ હું માની લઉં છું”

“ના એવું પણ નથી, આજકાલ શિક્ષક બનવા જેવો કોઈ બીજો ધંધો નથી”

“તો તું કેમ કમાતો નથી?”

“મેં હજી નવું નવું શરુ કર્યું છે, બાકી એક વર્ષ થવા આવ્યું, બ્લોગ પણ લખું છું”

“શું વાત છે,અંગ્રેજીમાં?”

“હા પહેલાં લખતો હતો,પણ છેલ્લાં છ મહિના થી ફક્ત ગુજરાતીમાં લખું છું”

“સરસ, સરદારને લીંક આપી દે’જે તારી સાઈટ જોઈ લઈશ”

“જરૂર, બાપુ એક વાત પૂછવી હતી”

“પૂછ ને ભાઈ”

“બાપુ, ખોટું ન લગાડતાં પણ આજકાલનાં ઘણાં યુવાનો તમને નફરત કરે છે”

“હા મને જાણ છે”

“તમને કેવું લાગે છે, જયારે તમે એલોકો જે બોલે છે એ સાંભળો ત્યારે?”

“કશું જ નથી લાગતું. જેવો જેનો સ્વભાવ, આપણે આપણો સ્વભાવ ન છોડવો”

“પણ બાપુ મને તો બહુ ખરાબ લાગે છે જયારે કોઈ તમને જોયા જાણ્યા વીના ગાળો આપે છે”

“તું મને કેટલો જાણે છે?”

“એ એ એ એટલાં બધાં નહી પણ હું તમને ગાળો નથી દે’તો તમારી તરફેણ કરું છું”

“એટલે જે અડધો ઘડો મારી તરફેણ કરે એ પેલાં ગાળો દેનાર અડધા ઘડા કરતાં સારો એમ તારું માનવું છે”

“ના પણ….”

“જો ભાઈ, મને પોતાને કોઈ વાંધો નથી જે અજ્ઞાની હોય અને મને ગાળો આપે પણ અજ્ઞાની થઇ ને મારી પૂજા કરે એ પણ મારાં માટે સરખી બાબત જ છે”

“વાત સાચી તમારી પણ, બાપુ હું તમારો ચાહક છું અને એમ કોઈ….હલ્લો…હલ્લો બાપુ છો ને તમે ત્યાં?”

“હા હા બોલ ને હું અહીં જ છું.”

“લોકો તમને ભગતસિંગ ની ફાંસી માટે જવાબદાર ગણે છે, એલોકો એમ કહે છે કે જો તમે થોડો રસ લીધો હોત તો એમની ફાંસી રોકી શકાઈ હોત”

“જો ભાઈ, મેં હંમેશા હિંસા નો વિરોધ કર્યો છે, પછી તે ગમે તે પ્રકારની હિંસા હોય, હિંદની આઝાદી ની તરફેણમાં હોય કે વિરોધમાં, હિંસા એ હિંસા છે. જો કે મેં પત્ર તો લખ્યો જ હતો ફાંસી રોકવા માટે”

“પણ હજુ થોડું વધુ જોર કર્યું હોત તો…”

“કોને? અંગ્રેજોને? તને લાગે છે એલોકો એ મારું માન્યું હોત? સત્તા નાં ગુમાને એમને એમ કરતાં રોક્યા હોત, બાકી ભગત ને અહીં આવ્યાં પછી હું  મળ્યો અને એને આ બાબતે કોઈ જ વાંધો નથી, તારે વાત કરવી હોય તો હું હમણાં જ ભગત ને બોલવું”

“ના બાપુ, તમે કીધું એટલે ભયો ભયો”

“બીજી કોઈ ફરિયાદ?”

“હા”

“તો પૂછને? અમ્સ્તોય ફરવા જવાનો સમય તો જતો ર’યો છે”

“બાપુ આઝાદી વખતે પાકિસ્તાનને આટલાં રૂપિયા આપવાની શું જરૂર હતી?”

“ભાઈ એ વખતે જો મને એમનાં શાસકો ની મંશા ખબર હોત તો આવું ન કરત, પણ મારો ઈરાદો એક સારો વ્યવહાર શરુ કરવાનો હતો, તું તો જાણે જ છે કે કેટલી હિંસા થઇ હતી એવે વખતે..બે ધર્મો વચ્ચે ની ખાઈ ઓછામાં ઓછી થાય એ જ આશય હતો, પણ અમારાં બધાં ના બદનસીબે ત્યાં ના શાસકો હિંદ વિરુદ્ધ આજ સુધી વર્તતાં રહ્યાં છે, જેનો મને, જવાહરને અને સરદારને, અને જે લોકો પણ હિંદ ની આઝાદી માટે લડેલાં એ બધાંય ને એનો રંજ છે”

“બાપુ, લોકો ને તમારાં પર એ બાબતે પણ ગુસ્સો છે કે જયારે જયારે આઝાદીની વાત આવે ત્યારે ફક્ત તમારાં અને નહેરુ, સરદાર નાં જ ગુણગાન ગવાય છે, ભગતસિંગ, સુભાષબાબુ જેવાં અનેક લોકોનાં નામ ભૂલાઈ જાય છે”

“ભાઈ ઇતિહાસ લખવાનું કામ મારું નથી. મેં મારું કામ કર્યું મારાં મર્યા પછી ના શાસકોની નીતિ ને કારણે આવું બન્યું હોય એ શક્ય છે. બાકી, હિંદને આઝાદી અપાવવામાં ભગત,આઝાદ,ખુદીરામ અને સુભાષ નો ફાળો ઓછો નથી. અને ઘણાં અનામી લોકોએ પણ પોતાનું નાનું તો નાનું પણ પ્રદાન જરૂર આપ્યું હતું, અમે અમારું કામ કરી રહ્યાં હતાં અને એમને અંગ્રેજો પર પોતાનું દબાણ એમની રીતે ન રાખ્યું હોત તો કદાચ અમારું કામ વધુ મુશ્કેલ બન્યું હોત એમાં ના નહી”

“બાપુ, શું અહિંસા હજી પણ પ્રસ્તુત છે? મતલબ કે કોઈ એક ગાલ પર તમાચો મારે તો બીજો ગાલ ધરી દેવા સુધી ની અહિંસા?”

“બીજો ગાલ ધરવા સુધી વાંધો નથી પણ કોઈ હિંસા થી તમારાં કુટુંબ કબીલા કે દેશ ને નુકસાન થતું હોય અને જો એનો પર્યાય હિંસા જ હોય તો એને વાપરવા સિવાય માણસ પાસે કોઈ છુટકો નથી એવું મારું સ્પષ્ટ પણે માનવું છે. અહિંસા આજે પણ પ્રસ્તુત છે એ રીતે કે હિંસા ની શરૂઆત આપણે ન કરવી જોઈએ, પણ પોતાનાં પર થતી ફરજીયાત અને બેમાની હિંસા ને સહન કરી લેવી એ નમાલાપણું જ છે, નવા જમાનામાં અહિંસા નો આજ અર્થ કાઢવો રહ્યો”

“બાપુ, આજે તમારો જન્મદિવસ છે તો મારાં તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ આજે તમે ઘણી વાતો ચોક્ખી કરી નાખી”

“જીવતો રે, તેં મારો વર્ષો નો ક્રમ ચોખ્ખો કરી નાખ્યો, સાંજે ફરવા જવાનો”

“સોરી બાપુ….”

“અરે એમાં કઈ વાંધો નહી, થયે રાખે”

“હેપ્પી બર્થ-ડે બાપુ”

“જીવતો રે, મારી ભેંટ?”

“એટલે જન્મદિવસની?”

“તો બીજી કઈ? બોલ શું આપશે?”

“તમે કહો તે, બાપુ, મારું તો અહોભાગ્ય કહેવાય”

“હંમેશાં સાચું બોલીશ એવું આજથી નક્કી કર”

“બાપુ, થોડું અઘરું છે આજનાં જમાનામાં”

“તો પછી હંમેશા અહિંસા નું પાલન કરીશ”

“આમ તો કરું જ છું પણ મચ્છર હેરાન કરે તો મારવું પડે છે”

“તું તો ભારે લપણો..ભેંટ ન આપવી હોય તો એમ બોલ ને”

“ના ના આપવી છે બાપુ, પણ મારાં થી જે કાર્ય શક્ય ન હોય એનું વચન કેવી રીતે તમને આપું?

“ચાલો થોડું સત્ય તો બોલ્યો….ઠીક છે જયારે સારું કમાય ત્યારે ટેક્સ ભરજે”
“હા એ પાકું બાપુ…..”

.
.
.
.
.

“એય, પોણાં છ થ્યા…ઉઠવું નથી??……દૂધ પણ લાવવાનું બાકી છે હોં…ઉઠો ….”

સ્ત્રોત  : મારી વાત

Leave a Reply

error: Content is protected !!