ભૂલ તો બધા થી થાય પણ…. | Gujarati Story with Moral


જીવનમાં જ્યારે કોઇ ભુલ થાય તો આવી વાતને પાળવાનું ભૂલતા નહીં

ક્યારેક જીવનમાં એવી ભુલો કરીએ બેસીએ છીએ જે હંમેશ માટે જાતને કોરી ખાતી હોય છે. આવી ભુલો બદલ જો સાચા હ્રદયથી પ્રશ્વાતાપ કરીએ તો તે પ્રશ્વાતાપનો અપરાધ અને ડંખ ભાવ ઓછો થાય છે. જીવનમાં જો આપણી દરેક ભુલો માટે સચેત રહીએ અને જો ભુલો થાય તો તે માટે નિશ્ચિત જ ક્ષમા અને પ્રશ્વાતાપ પણ કરવો જોઇએ. જેથી જીવનમાં નૈતિકતા અને શાંતિ રહે અને જેથી કરીને પરમાત્મા સમીપ પહોંચવાનો માર્ગ સરળ બને.

આવો જાણીએ આ વાતને એક કથા દ્વારા..

હજરત અલી
પાસે એક નોકર હતો. એક દિવસ તેનાથી કોઈ ગંભીર ભૂલ થઈ ગઈ તો હજરત અલીએ તેને ધમકાવી નાખ્યો. નોકરે પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવાને બદલે એક વાતને મન પર લઈ લીધી અને નારાજ થઈને નોકરી છોડી દીધી. તે હજરત અલીનું ઘર છોડીને જતો રહ્યો. થોડા દિવસો બાદ હજરત અલી જ્યારે મસ્જિદમાં નમાજ પઢવા ગયા તો પેલો નોકર પણ ચૂપચાપ તેમની પાછળ-પાછળ ત્યાં પહોંચી ગયો અને તક મળતાં જ તેમના પર તલવારથી હુમલો કરી દીધો.

હજરત અલીને ઘણી ઇજા થઈ. ત્યાં હાજર લોકોએ તેમને ઉઠાવ્યા અને ઘા પર મલમ લગાવવા લાગ્યા. આ દરમિયાન કેટલાક લોકોએ પેલા નોકરને પકડી લીધો અને હજરત અલીની સામે લઈ આવ્યા. એટલામાં હજરત અલીને તરસ લાગી. લોકો દોડીને તેમને માટે શરબત લઈ આવ્યા. શરબત લઈને હજરત અલીએ પ્રેમથી નોકર તરફ ઇશારો કરતાં બોલ્યા,‘મને નહીં, પહેલાં તેને પીવડાવો. બિચારો કેટલો થાકી ગયો છે. તેનો શ્વાસ ફુલાઈ ગયો છે.’

લોકોએ શરબત નોકરને આપતાં તે રડવા લાગ્યો. ત્યારે હજરત અલી બોલ્યા, ‘ભાઈ રડ નહીં. ભૂલ તો દરેક વ્યક્તિથી થાય છે. તું શરબત પી લે.’ નોકરે તેમના પગમાં પડીને માફી માગવા લાગ્યો. હજરત અલીએ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘જે પોતાની ભૂલ સમજીને ભવિષ્યમાં તેને ન કરવાનો નિર્ણય લે છે તે જીવનમાં ઘણો ઊંચા મુકામે પહોંચી જાય છે.’ નોકરે એ જ ક્ષણે સારો માણસ બનવાનો નિશ્વય કર્યો.

કથાનો સાર એ છે કે, પ્રશ્વાતાપથી અપરાધનું પાપ અને ડંખ ઓછાં થઈ જાય છે. તેનાથી જીવનને વધુ નૈતિક અને શાંતિપૂર્ણ બનાવવામાં મદદ મળે છે.

સૌજન્ય: અવિસ્મરણીય વાતો 

Leave a Reply

error: Content is protected !!