વિશ્વની સાચી સાત અજાયબીઓ | Real Wonders

વિશ્વની સાચી સાત અજાયબીઓ – Real Wonders

સાતમા ધોરણનો ભૂગોળનો કલાસ ચાલતો હતો. શિક્ષકે દુનિયાની સાત અજાયબીઓની નોંધ કરવાની વિદ્યાર્થીઓને કહ્યું. માંડ માંડ કરીને દરેક વિદ્યાર્થીએ નીચે મુજબ સાત અજાયબીઓ લખી :

ઈજિપ્તના પિરામિડ
તાજમહાલ
પિઝાનો ઢળતો મિનારો
પનામા નહેર
એમ્પાયર સ્ટેટ્સ બિલ્ડિંગ
બેબીલોનના બગીચા
ચીનની મહાન દીવાલ

શિક્ષકે બધાના કાગળ તપાસ્યા. એમના ધ્યાનમાં આવ્યું કે એક છોકરી સાવ શાંત બેઠી હતી. કંઈક મુંઝાયેલી પણ લાગતી હતી. ઉપરાંત એણે પોતાનો કાગળ પણ શિક્ષકને બતાવ્યો નહોતો.

‘કેમ બેટા ! કંઈ તકલીફ છે ? યાદ નથી આવતું ?’ શિક્ષકે પૂછ્યું.

‘નહીં સર ! એવું નથી. પણ મેં સાત અજાયબીઓ લખી છે એ તો બહુ ઓછી કહેવાય. એવું મને લાગે છે.’ શિક્ષકને નવાઈ લાગી. સાત અજાયબીઓ ભેગી કરવામાં પણ બધાને લોચા પડતા હતા, ત્યાં આ છોકરી તો ઘણીબધી અજાયબીઓની વાત કરે છે !

‘ચાલ બોલ જોઉં, તેં કઈ સાત અજાયબીઓ લખી છે ?’ શિક્ષકે કહ્યું.
પેલી બાળકી થોડીક ખચકાઈ, પછી પોતાના કાગળ સામે જોઈ બોલી… મારા માનવા મુજબ વિશ્વની સાત અજાયબીઓ છે :

સ્પર્શવું
સ્વાદ પારખવો
જોઈ શકવું
સાંભળી શકવું
દોડી શકવું, કૂદી શકવું
હસવું અને
ચાહવું, પ્રેમ કરવો

શિક્ષક સ્તબ્ધ બની ગયા. કલાસમાં પણ શાંતિ છવાઈ ગઈ. એમને થયું કે ભલે ભૂગોળની દષ્ટિએ આ ખોટું હોય પણ છોકરી જરા પણ ખોટી નથી… આપણે કેટલા બધા આસાનીથી માણસે બનાવેલી નશ્વર વસ્તુઓને અજાયબીઓ ગણી લઈએ છીએ અને ભગવાનની બનાવેલ અદ્દભુત રચનાઓને સામાન્ય ગણતા હોઈએ છીએ ?!
પ્રભુ આપણને સાચી અજાયબીઓ ઓળખવાની શક્તિ આપે..

Leave a Reply

error: Content is protected !!