બંધ મુઠ્ઠી – મહેશ યાજ્ઞિકની ટૂંકી વાર્તા

man-image-emotional

બંધ મુઠ્ઠીમાં સમયની વેદના સંતાડતાં
ને સદા આછું મલકતાં હું, તમે ને આપણે

‘આવું દુઃખ તો ભગવાન દુશ્મનનેય ના આપે…’ આજુબાજુ બધાના ચહેરા સામે જોઈને લતા પરીખે ઉમેર્યું. ‘બિચારા હેમંતભાઈની દશા જોઈને દયા આવે છે.’

‘એમના કરતાં તો મને બેઉ છોકરાઓની ચિંતા થાય છે. મોટો ચાર વર્ષનો ને નાનો બે વર્ષનો.’ લતાની બાજુમાં બેઠેલાં ગીતાબહેનના અવાજમાં સાચુકલી લાગણી છલકાતી હતી. ‘મા વગર બાપડાં કેવી રીતે મોટાં થશે?’

વાત એમ હતી કે હેમંતની ત્રીસ વર્ષની પત્ની અકસ્માતમાં મૃત્યુ પામી હતી. હેમંતની ઓફિસના બધા સહકાર્યકરો એને ત્યાં બેસણામાં જઈને ઓફિસે આવ્યા હતા. ‘બચ્ચાંઓની પરવરિશ માટે હેમંતે બીજી શાદી કરવી જોઈએ.’ સાજિદ શેખે કહ્યું, ‘એ એકલો આ બે ટેણિયાંઓને કઈ રીતે ઉછેરશે?’

‘હેમંત બીજાં લગ્ન નહીં કરે.’ મનોજે સાજિદને સમજાવ્યું. ‘અમારે હિંદુઓમાં એક રિવાજ છે. જો ફરીવાર લગ્ન કરવાની ઈચ્છા હોય તો પત્નીના મૃતદેહ સાથે પતિ સ્મશાને નથી જતો. હેમંત સ્મશાને ગયેલો…’

આ બધી વાતો દરમિયાન ઓફિસમાં બધાના વડીલ મનુભાઈ ચૂપચાપ બેસી રહ્યા હતા. અઠ્ઠાવન વર્ષના મનુભાઈ જે રીતે ગંભીરતા ઓઢીને બેઠા હતા એનું બધાને આશ્ચર્ય હતું. મનોજે એમની સામે જોઈને પૂછ્યું, ‘ક્યાં ખોવાઈ ગયા છો કાકા? તમને તો ખ્યાલ હશે. આ સ્મશાનવાળા રિવાજની વાત સાચી છે કે ખોટી?’

‘સાચું કહું તો પચાસ વર્ષ પાછળ પહોંચી ગયેલો…’ મનુભાઈનો રણકતો અવાજ અત્યારે ગંભીર હતો. ‘હું આઠ વર્ષનો હતો ત્યારે બા મૃત્યુ પામેલી. એની ઉંમર પણ ત્રીસેક વર્ષની હશે. અમે તો ચાર ભાઈ-બહેન હતાં. મારા બાપુ બાબુભાઈ પંડ્યાની આર્થિક સ્થિતિ પણ સદ્ધર નહીં.’ સહેજ અટકીને એમણે બધા સામે નજર કરી. ‘આજે હેમંતના ઘેર ગયા એ પછી એ દિવસો યાદ આવી ગયા.’ એ પછી એમણે મનોજ સામે જોયું. ‘સ્મશાનવાળી વાતમાં તો એવું છે કે એ એક સિસ્ટમ છે. પત્ની મૃત્યુ પામે એ વખતે બધાની સામે એનો પતિ લગ્નની ઈચ્છા કઈ રીતે જાહેર કરે? એટલે કાળક્રમે આ રીતની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. એના વર્તનથી એ સમાજને પોતાની ઈચ્છા જણાવી દે.’ એ અટકી ગયા. ઓફિસમાં મનુભાઈ માટે બધાને માન હતું. લાગણીશીલ છતાં સ્પષ્ટવક્તા અને દરેકને મદદરૂપ થવાની ભાવના.

‘તમારા પપ્પાએ એ પછી બીજા લગ્ન કરેલા?’ મનુભાઈ ફરીથી ગંભીર બનીને મૌન થઈ ગયા એટલે ઊર્વિ હરિયાણીએ પૂછી નાખ્યું.

‘એ મુદ્દે અમારી બાજખેડવાળ જ્ઞાતિમાં આખો ઈતિહાસ સર્જાયેલો. એમની નૈતિક હિંમત અને માનસિક તાકાતને ઓળખવા માટે આખી કથા સમજવી પડે…’ દસેય શ્રોતાઓએ પોતાની ખુરશી નજીક ખેંચીને કાન સરવા કર્યા. ભાષા ઉપર મનુભાઈનું અદ્ભુત નિયંત્રણ હતું. એ વાત કરે ત્યારે સાંભળનારની આંખ સામે ચિત્ર ખડું થઈ જાય એટલી શક્તિ એમના શબ્દોમાં હતી. એમણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું. ‘પચાસ વર્ષ અગાઉની વાત છે.’ એ બોલતા રહ્યા અને દરેકની નજર સામે ચિત્ર સર્જાતું રહ્યું.

સિવિલ હોસ્પિટલ સામે જહાંગીરપુરામાં ખખડી ગયેલા એક મકાન પાસે બધા ડાઘુઓ ટોળું બનીને ઊભા હતા. અંદરના ત્રણેય ઓરડામાં પણ રોકકળના અવાજોભરી ભીડ હતી. ‘અંતિમ દર્શન કરી લો.’ કોઈ વડીલે સૂચના આપી. રૂમની વચ્ચોવચ્ચ ગાયનું છાણ લીંપીને સાથરો બનાવેલો. ટીબીથી ઓગળી ગયેલો શારદાનો દેહ એના પર સૂતો હતો. કપાળે ચંદનની આડ. મોડિયા-ચૂંદડી સહિત સોહાગણનો તમામ શણગાર. બાજુમાં ઘીનો દીવો પ્રગટાવેલો.

‘તમારી માને પગે લાગો. કંઈ ભૂલચૂક થઈ હોય તો ખરા હૃદયથી છેલ્લીવાર માફી માગી લો.’ ડૂમો ભરાયેલા અવાજે બાબુભાઈ પંડ્યાએ ચારેય સંતાનોને આદેશ આપ્યો અને ચારેયના ચહેરા સામે જોઈને એ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા.

સૌથી મોટો બાલકૃષ્ણ બાર વર્ષનો. એના પછી સીતા દસ વર્ષની. એ પછી આઠ વર્ષનો મનુ અને સૌથી નાની છાયા. ચારેય ડઘાયેલી દશામાં બાપને વળગીને ઊભાં હતાં. બાબુભાઈએ હળવેથી એમને ધકેલ્યાં. ચારેય બાળકો ભીની આંખે માતાના મૃતદેહ સામે તાકી રહ્યાં. પછી પગે લાગીને પ્રદક્ષિણા કરી. ફરીથી બાપની પાસે આવી ગયાં. બાબુભાઈના બંને હાથ ચારેયના મસ્તક ઉપર ફરતા હતા અને બંને આંખ ટપકતી હતી. ‘હવે આ છોકરાઓને બહાર મોકલીને નનામી બાંધો…’ કોઈ વડીલે સૂચના આપી. ‘તડકો થઈ ગયો છે અને છેક સપ્તર્ષિના આરે જવાનું છે.’

બાબુભાઈ રેલવેમાં નોકરી કરતા હતા. ગુડ્ઝ ટ્રેનના ગાર્ડ તરીકે ભથ્થાં વધારે મળે પણ ઘેર રહેવાનું ઓછું બને. અત્યારે સગાં-સંબંધીઓ ઉપરાંત રેલવેના મિત્રો પણ આવી ગયા હતા.

હાથમાં દોણી પકડીને મનુ સૌથી વધુ આગળ હતો. રામ બોલો ભાઈ રામ સાથે બધા ડાઘુઓની સાથે બાબુભાઈ પણ આગળ વધ્યા. એવખતે જ્ઞાતિના એક વડીલે બાબુભાઈના ખભે હાથ મૂક્યો. ‘તારે સ્મશાને નથી આવવાનું. આપણા ઉમરેઠવાળા ગોપાલકાકાને તો ઓળખે છે ને? એ મને વાત કરી ગયા છે. પાત્ર સારું છે…’ બાબુભાઈના પગ અટક્યા. પેલા વડીલનો હાથ ખભેથી હટાવીને વીંધી નાખે એવી નજરે એમની સામે જોયું. હોઠ આક્રોશથી ફફડ્યા. બીજી જ સેકન્ડે પ્રસંગની મર્યાદા જાળવીને એમણે જાત ઉપર નિયંત્રણ મેળવ્યું. બે હાથ જોડીને એ વડીલ સામે જોયું, ‘શારદા તો ગઈ. હવે તો હું અને આ ચાર છોકરાં. ઉપરવાળો રાખશે એમ રહીશું. જિંદગીમાં કોઈ ઈચ્છા બાકી નથી. બીજે ક્યાંયથી પણ જો આવી વાત આવે તો મારા વતી બે હાથ જોડીને માફી માગી લેજો…’ એ વખતે એ બંનેની આજુબાજુ બીજા જ્ઞાતિજનો પણ આવીને ઊભા રહી ગયા હતા. ‘અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને એને આ ઘરમાં લાવેલો. આજે આ ઘરમાંથી નીકળીને એ અગ્નિદેવના હવાલે થશે. એ પ્રસંગે એનો સાથ કેમ છોડાય? સપ્તર્ષિના આરે અંતિમ વિદાયની પળે એ બાપડીનો આત્મા ભીડ વચાળે મારો ચહેરો શોધશે…’

હળવો ખોંખારો ખાઈને મનુભાઈએ ગળું સાફ કર્યું. ટેબલ ઉપરથી પાણીનો ગ્લાસ લઈને એક ઘૂંટડે ખાલી કર્યો. ‘ફરીવાર લગ્ન કરવાની એમણે ના પાડી અને એ પછી અમારી ટ્રેનિંગ શરૂ થઈ. બાપા નોકરી કર્યા કરે અને અમે ચારેય ભાંડરડાં ટિચાઈ ટિચાઈને એટલાં હોશિયાર બની ગયેલાં કે રસોઈથી માંડીને કચરા-પોતાં સુધીનાં બધાં કામ અમે વહેંચી લીધેલાં. મોટો બાલકૃષ્ણ અને સીતા રસોઈ સંભાળે. મારા ભાગે કપડાં ધોવાનું કામ આવેલું. ગુડ્ઝ ટ્રેનના ગાર્ડ તરીકે બાપા તનતોડ મહેનત કરતા. રતલામથી ટ્રેન લઈને અમદાવાદ આવ્યા હોય અને એ વખતે એમનો ઉપરી અધિકારી ગૂંચવણમાં હોય કે અત્યારે બેંગ્લોર કોણ જશે? તો મારા બાપા તરત તૈયાર. સ્ટેશનેથી સાઈકલ લઈને ઘેર આવે. અમારી સાથે એકાદ કલાક ગાળે અને પાછા સ્ટેશને. ટ્રેન લઈને બેંગ્લોર જવા રવાના થઈ જાય. આ બધાનું કારણ પૈસા. જાત ઘસીને પણ મને ચારેયને વધુ સારી રીતે રાખવાની ચિંતામાં એ દોડાદોડી કરતા.’

‘તો પછી ઘેર તમારા બધાંની સંભાળ કોણ રાખે?’ ઊર્વિએ મનુભાઈ સામે જોઈને પૂછ્યું.

‘મારા એક સગાં માસી હતાં. મારી બાથી ત્રણેક વર્ષ મોટાં. માસાની આર્થિક સ્થિતિ સાવ નબળી. ઉમરેઠથી મારાં નાના-નાની મદદ મોકલે. એ ગૌરીમાસી બાજુમાં રહેતાં. એમને સંતાનમાં એક દીકરી. કાયમ સાજી-માંદી રહ્યા કરે. એનું નામ તો સરસ્વતી હતું પણ અમે બધાં એને સતુ કહેતાં. અમારાં બધાં કરતાં એ ચાર-પાંચ વર્ષ મોટી. ગૌરીમાસીની સાથે એ પણ ઘેર આવે. મારી બાને ટીબી હતો. ગૌરીમાસીએ એમની બહુ ચાકરી કરેલી.’

કેન્ટિનવાળો ચા લઈને આવ્યો એટલે પાંચેક મિનિટનો વિરામ મળ્યો. ‘રેલવેમાં મારા બાપાના ઉપરી તરીકે એક દેસાઈસાહેબ હતા. એ સાહેબને મારા બાપા માટે સાચી લાગણી. દર મહિને ફરજિયાત બચત કરાવે અને વર્ષના અંતે એ પૈસાનું વ્યવસ્થિત રોકાણ કરાવે. ધીમે ધીમે એ બધું રોકાણ દેસાઈસાહેબે પોતાના હાથમાં લઈ લીધેલું અને મારા બાપા પાસેથી દર મહિને ફરજિયાત પૈસા લઈ લેતા. અમે બધાં ભાઈ-બહેન ભણવામાં હોશિયાર એટલે સડસડાટ આગળ વધતાં ગયાં. વર્ષો ક્યાં વહી ગયાં એ પણ ખ્યાલ ના રહ્યો. મોટા બાલકૃષ્ણ માટે કન્યાનું માગું આવ્યું એ જ સમયે દેસાઈસાહેબે ધડાકો કર્યો. એ વખતે મણિનગર અને ઈસનપુર વચ્ચેનો વિસ્તાર ખાસ વિકસ્યો નહોતો. ત્યાં નવી બનતી સોસાયટીમાં દેસાઈસાહેબે મારા બાપાના નામે એક ટેનામેન્ટ નોંધાવી દીધેલું હતું. ચાલી જેવા પોળના જૂના મકાનમાંથી નવા મોકળાશભર્યા ઘરમાં પહોંચ્યા પછી જાણે આખી દુનિયા બદલાઈ ગઈ. બી.એડ્. થયેલા બાલકૃષ્ણને નોકરી મળી ગઈ. ઘરમાં ભાભી પણ આવી ગઈ. સીતાનાં પણ લગ્ન ગોઠવાઈ ગયાં હતાં. બાપાની નોકરી હજુ ચાલુ હતી. બી.કોમ.ના અભ્યાસ સાથે મેં પણ પાર્ટટાઈમ નોકરી શોધી કાઢેલી. ઈનશોર્ટ વી વેર હેપી…’

સહેજ અટકીને મનુભાઈએ બધાની સામે જોયું. ‘મને આ નોકરી મળી એ જ વર્ષે ઘરમાં ફરીથી શરણાઈ વાગી. મારાથી નાની બહેન છાયાનાં અને મારાં લગ્નનો ખર્ચો એક જ જમણવારમાં પતી ગયો. એ પછી ટેનામેન્ટમાં બીજો માળ લઈ લીધો. સમયનો પ્રવાહ વહેતો રહ્યો. બાલકૃષ્ણનાં અને મારાં સંતાનો હવે દાદાની સાથે ધમાલમસ્તી કરતાં થઈ ગયાં હતાં.’

કંઈક વિચારતા હોય એમ મનુભાઈ અટકી ગયા. સામેની દીવાલ સામે તાકી રહેલી એમની આંખો સ્થિર હતી. ‘બાના અવસાનને અઠ્યાવીસ વર્ષ વીતી ચૂક્યાં હતાં. એના શ્રાદ્ધના દિવસે બંને બહેનો ભાણિયાઓ સાથે પિયર આવી હતી. બાપા બે દિવસ અગાઉ ઉમરેઠ જઈને આવ્યા હતા ત્યારથી થોડાક વ્યગ્ર હતા. તબિયત પણ ઠીક નહોતી.’ મનુભાઈના અવાજનો રણકાર બદલાયો. દરેક શ્રોતાની આંખ સામે ચિત્ર ઊભું થયું.

બાબુભાઈ આરામખુરશીમાં બેઠા હતા. ઓગણસાઈઠ વર્ષની ઉંમરે પણ ટટ્ટાર શરીર. એ હળવેથી ઉભા થયા. બંને પુત્રો, પુત્રવધૂઓ, બંને દીકરીઓ અને જમાઈઓ જ્યાં બેઠા હતા ત્યાં એમની વચ્ચે જઈ ઊભા રહ્યા.

‘ઉમરેઠ તમારી ગૌરીમાસીને મળ્યો.’ બાબુભાઈના અવાજમાં વેદના હતી. ‘પતિના અવસાન પછી અમદાવાદ છોડીને એ ઉમરેઠ રહે છે એની તો ખબર છે ને?’ બંને જમાઈઓને ભૂતકાળની કથાનો ખ્યાલ ના હોય એટલે એમણે એ બંને સામે જોયું. ‘સીતા અને છાયાની એક માસી છે – ગૌરીમાસી. વર્ષો અગાઉ મારી પત્નીની ચાકરી કરવામાં એણે જાત ઘસી નાખેલી. ટીબીના ચેપની બીક રાખ્યા વગર નાની બહેનના ગૂ-મૂતર સાફ કરતી’તી.’ ચારેય સંતાનો સામે જોઈને એમણે આગળ કહ્યું, ‘તમારી માના શ્વાસ વધુ સમય ચાલે એ માટે રાત-દિવસ જોયા વગર એણે ચાકરી કરી’તી. એની દીકરી સરસ્વતી-સતુને ચૌદ વર્ષની ઉંમરે ગાયનેક પ્રોબ્લેમ થયેલો એટલે ગર્ભાશય કાઢી નાખવું પડેલું. એ પછી એની સાથે લગ્ન કોણ કરે? અત્યારે તો એ સતુય ચાળીસ વર્ષની છે. ગૌરી અને સતુ – એ મા-દીકરી તમારા નાનાના ખંડેર જેવા ઘરમાં રહે છે. આપણા પાંચેય ઉપર એમણે જે અહેસાન કર્યું છે એનો બદલો ચૂકવવામાં હું ઊણો ઊતર્યો છું એવું મને લાગ્યું. સાંઈઠ વર્ષની મા અને ચાલીસ વર્ષની દીકરી એકબીજાનાં આંસુ લૂછીને જીવે છે. સતુને હિસ્ટિરિયા આવે છે. વારંવાર ચિત્તભ્રમ થઈ જાય. આખું શરીર ખેંચાય, દીકરીની આ દશા જોઈને મા રડ્યા કરે. ડૉક્ટર પાસે જવા માટેના પૈસા હોય તો ઈલાજ કરાવે ને ! બે ટાઈમ પેટ ભરીને જમવાના પણ પૈસા નથી.’

સહેજ અટકીને બાબુભાઈએ બધાંની સામે જોયું. ‘ગઈકાલે મને પણ એક નવો અનુભવ થઈ ગયો. દરદથી માથું ફાટ-ફાટ થતું હતું. બંને પુત્રવધૂઓ મારા માટે દીકરી સમાન છે. એ છતાં મારાથી મર્યાદા ના ચુકાય. વારાફરતી બધાં બાળકોને બૂમ પાડી પણ ટીવી ઉપર ક્રિકેટ મેચ આવતી’તી એટલે દાદાની ખબર પૂછવાની કોને નવરાશ મળે? આમાં ફરિયાદનો કોઈ આશય નથી. આ ઉંમરે બાળકો આવાં જ હોય. સવાલ એ છે કે મારું આંખ-માથું દુઃખે ત્યારે કોનો સહારો લેવો?’

બધાં સ્તબ્ધ બનીને બાબુભાઈ સામે જોઈ રહ્યાં હતાં.

‘હવે તમે ચારેય સંમતિ આપો તો મનની વાત કહું?’

‘પપ્પાજી, આદેશ આપો.’ મનુભાઈએ તરત કહ્યું. ‘તમારે સંમતિ માગવાની ના હોય. હુકમ કરવાનો હોય.’

‘મારી વાત સાંભળીને તમને આંચકો લાગસ્ગે. મારું મગજ ભમી ગયું છે એવું પણ લાગે. આવતા અઠવાડિયે લગ્ન કરવાની ઈચ્છા છે !’ ધરતીકંપનો આંચકો આવ્યો હોય એમ બધાં ધ્રૂજી ઊઠ્યાં. બાબુભાઈ જે બોલ્યા એ જાણે માનવામાં ના આવતું હોય એમ ફાટી આંખે તાકી રહ્યાં.

‘ઓગણસાઈઠ વર્ષની ઉંમરે પરણવાના અભરખા કારણ વગર નથી થયા. ત્રીસ વર્ષ અગાઉ તમારી મા સ્વર્ગવાસી થઈ એ વખતે અનેક કન્યાઓ મળતી’તી. પણ તમારા ભવિષ્યની ચિંતા હતી. નવી મા તમને હેરાન કરે એવી બીક હતી. એકલા હાથે તમને મોટાં કર્યાં. જીવ્યો એટલું હવે નથી જીવવાનો. આર્થિક રીતે તમે બધાં સદ્ધર છો. હું આવતાં વર્ષે રિટાયર થઈશ. એ પછી મારું પેન્શન શરૂ થશે. પાંચ વર્ષ પછી અચાનક ઊકલી જઈશ. મારી વાત સમજાય છે તમને?’

બાપા શું બોલી રહ્યા છે અને ક્યા સંદર્ભમાં આ વાત કરી રહ્યા છે એની કોઈને ટપ્પી નહોતી પડતી.

‘ન્યાતવાળા અને બહારના લોકોને મારો હેતુ નહીં સમજાય. કદાચ મારા નામ પર થૂથૂ પણ કરશે. પરંતુ તમને ચારેયને તમારા બાપની સચ્ચાઈ ઉપર વિશ્વાસ હોવો જોઈએ. મારા ઈરાદા વિશેની કોઈ ગેરસમજ તમારા મનમાં ના હોવી જોઈએ. આવતા અઠવાડિયે હું લગ્ન કરું એ વખતે કોઈના ચહેરા ઉપર કચવાટ ના જોઈએ.’

‘સામેનું પાત્ર કોણ છે?’ આશ્ચર્યનો આઘાત પચાવીને મનુભાઈએ મોં ખોલ્યું.

‘સમાજ, ધર્મ અને સંબંધો આ બધાને બાજુ પર મૂકીને નિર્ણય કર્યો છે. તમારાં ગૌરીમાસીની સરસ્વતી-સતુ આમ તો મારી દીકરી સમાન ગણાય એ છતાં એ મા-દીકરી શાંતિથી જીવી શકે એ માટે આ વાત વિચારી છે. ગૌરી બહુ બહુ તો પાંચ વર્ષ કાઢશે. એ પછી સતુનું કોણ? એ ગાંડી-ઘેલી કોના આધારે જીવશે? જાત વલોવી નાખે એવા આકરા મનોમંથન પછી નિર્ણય કર્યો કે સતુ જોડે લગ્ન કરવાં. એ પછી પણ એ મારી દીકરી જ રહેશે. લગ્ન પછી મા-દીકરી મારી સાથે રહેશે. પોળનું મકાન રિપેર કરાવીશું. હું જીવું છું ત્યાં સુધી કોઈ સવાલ નથી. મારી હયાતી નહીં હોય એ પછી પણ સતુ જીવશે ત્યાં સુધી એને મારું પેન્શન મળતું રહેશે. સરકારના ચોપડે મારી પત્ની તરીકે એનું નામ દાખલ થઈ જશે…’

બાબુલાલે બધાંની સામે હાથ જોડ્યા. ‘સગી સાળીની દીકરી સાથે આ ઉંમરે લગ્ન કરીશ એટલે દુનિયાને તમાશો લાગશે પણ મને એની પરવા નથી. લગ્નસુખના અભરખા હોત તો તમારી મા ગઈ એ જ વખતે લગ્ન કર્યા હોત.’ બાબુલાલે બધાંના ચહેરા સામે જોયું. ‘આ ઉંમરે આ રીતે લગ્ન એ બીજું કંઈ નથી, પારેવાને ચણ નાખીને રાજી થવાની વાત છે !’ વાત કહેતી વખતે મનુભાઈના અવાજમાં ડૂમો ભરાયો એટલે એ અટક્યા. ‘મારા બાપાએ લગ્ન કર્યાં અને ૭૦ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું અને એ પછી સરસ્વતી દેવી પણ ૧૫ વર્ષ જીવ્યાં.’ એમની વાત સાંભળી રહેલા સ્ટાફના બધા સ્તબ્ધ હતા. એમણે મનુભાઈના બાપા બાબુલાલને ક્યારેય જોયા નહોતા. એ છતાં આખી વાત સાંભળ્યા પછી એમની વિરાટ છબી દરેકની આંખ સામે તરવરી રહી હતી.

(સત્યઘટના પર આધારિત)

(‘જનકલ્યાણ’ સામયિકના ફેબ્રુઆરી, ૨૦૧૭ના અંકમાંથી સાભાર)

Leave a Reply

error: Content is protected !!