uday-amdavad-ricksaw-min

આપણા અમદાવાદનો જ એક અનોખો આ રીક્ષાવાળો એટલે ઉદય જાદવ

આમ પણ ગુજરાતીઓના ફળદ્રુપ ભેજાંમાંથી જાત જાતના આઈડિયા ફૂટી નીકળે છે અને કોઈ વીરલો ગુજરાતી એ નવતર વિચારે ચાલીને સમાજમાં જબરું પરિવર્તન લાવે છે અથવા લોકોને વિચાર કરતા મૂકી દે છે. ગુજરાતના મોટાં શહેરોમાં આવું જોવા મળે છે તો અમદાવાદમાં તો વળી એક સે બઢકર એક નવતર જોવા મળે. આપણે પણ પ્રેમનો મેળો ચલાવતા અમદાવાદના રિક્ષાવાળાની વાત કરવી છે.

અમદાવાદીઓ અને આ રિક્ષાવાળાના પરિચયમાં આવેલા અનેક તથા ગુજરાતની બહારના લોકો પણ એમને ‘અમદાવાદનો રિક્ષાવાળો’ના ઉદયભાઈ તરીકે ઓળખે-જાણે છે. પોતાની મરજીથી પોતાની આગવી રીતે રિક્ષા ચલાવી ૧૦ જણના કુટુંબનું ભરણપોષણ કરે છે. આ માણસની હિંમત વિશે દાદ એટલે આપવી પડે કે એનો કનસેપ્ટ સદંતર જુદો છે. રિક્ષામાં પેસેન્જરને લઈ જાય. પેસેન્જરના ગંતવ્યસ્થાને પહોંચે પછી એ ‘પે ફોર યોર લવ’ (લવના સ્થાને દિલનું ચિત્ર)વાળું શુભેચ્છા લખેલું પરબિડિયું આપે છે. પેસેન્જરે મન થાય એટલી રકમ એમાં મૂકી દેવાની. ઉદયભાઈ જાદવ રિક્ષાભાડું નથી લેતા, પણ તમારે પ્રેમની ભેટ આપવાની છે. એમનો હેતુ એવો છે કે, તમારુું ભાડું અગાઉનો પેસેન્જર ચૂકવી ગયો છે, તમારે હવે પછીના પેસેન્જર માટે પ્રેમની, લાગણી ભેટ ભાડાં પેટે મૂકવાની. પેસેન્જર પરબિડિયામાં કશું મૂકે તો ઠીક અને ન મૂકે તોય ઠીક.

અમદાવાદના આ રિક્ષાવાળાની રિક્ષા પણ અનોખી છે. ઉદયભાઈમાંથી જે પ્રકારની સકારાત્મક ઊર્જા, ઉત્સાહ અને તેજસ્વીતાનો પ્રવાહ વહે છે એવો જ સકારાત્મક કરન્ટ એમની રિક્ષામાં બેસતાં જ પેસેન્જરને અનુભવાય છે. નવા પેસેન્જરને ઉદયભાઈ તેમની રિક્ષાની લાક્ષણિકતા સમજાવે છે. તેમની રિક્ષાની સગવડો જેવી સુવિધા મુંબઈની ટેક્સીઓમાં સુધ્ધાં નથી. એમની રિક્ષામાં છાપા-સામયિકો, પુસ્તકોની લાઈબ્રેરી અને રાતનો પેસેન્જર વાંચી શકે એ માટે એક લાઈટ પણ છે, એક અહેવાલ તો રિક્ષામાં પંખો સુધ્ધાં જણાવે છે. ઉપરાંત ‘સત્ય’ અને ‘પ્રેમ’ લખેલાં બે ડબ્બા રાખ્યા છે, તેમાં એકની અંદર પીવાનાં પાણીની બાટલીઓ અને બીજા ખોખાંમાં સૂકો નાસ્તો રાખેલાં હોય છે. પેસેન્જર મફતમાં નાસ્તો કરી શકે, પાણી પી શકે અને ગુજરાતીઓની લાક્ષણિકતા સાચવતાં મફતમાં છાપાં પણ વાંચી શકે છે. આટલું જ ઓછું હોય એમ એમણે એક કચરાટોપલી પણ રાખી છે જેથી પેસેન્જર રિક્ષામાં કે રસ્તા પર કચરો ફેંકે નહીં. અન્ય ગ્રહના જીવ જેવા ઉદયભાઈ ટોપલીના કચરાનો રોજ સાંજે નિકાલ કરી દે છે. આગળ વાંચવાથી નવાઈ લાગે એવું છે, આ ઉદયભાઈ જાદવની રિક્ષા ‘અમદાવાદનો રિક્ષાવાળો’નું મીટર શૂન્ય પર જ રહે છે. પેસેન્જરની સફર પૂર્ણ થાય ત્યારે ઉદયભાઈ પેસેન્જરને ઉપર જણાવ્યું એમ પરબિડિયું આપે છે.

ઉદયભાઈની રિક્ષા ‘અમદાવાદનો રિક્ષાવાળો’ની સફર ૨૧ ઑક્ટોબર, ૨૦૧૦ના રોજ શરૂ કરી હતી, એ દિવસ ‘દશેરા’નો પવિત્ર અને મંગલમય દિવસ હતો. એ વખતે એમના ભેજાંમાં ‘ગિફ્ટ ઈકોનોમી’નો ક્ધસેપ્ટ રમતો હતો. પોતે પેસેન્જરને બેસાડ્યો અને એના ગંતવ્ય સ્થાને ઉતારી પોતાની ફરજ કે સેવા બજાવી તો સામે પક્ષે પેસેન્જરે ભાડું ચૂકવી પોતાની ફરજ બજાવી ચાલતી પકડી એવું હરગિજ નહીં, પણ કોઈ તમારી સફરનું ભાથું મૂકી ગયું છે તો હવે તમે હવે પછીનાની સફરનું ભાથું મૂકવું હોય તો મૂકતા જાવ એ ઉદ્દેશ. આવા નવતર વિચારે જિંદગી ચલાવવાનું કપરું હોય ત્યાં ઘરનાઓને શું ખવડાવવું એ રોજનો પ્રશ્ર્ન થઈ પડે એવા સમયમાં ઉદયભાઈએ પોતાની આગવી રીતે રિક્ષા ચલાવવાનો વ્યવસાય શરૂ કર્યો અને આગવાપણાંથી એ વ્યવસ્થાને આગવી ઊંચાઈ પણ આપી.

ઘરમાં પત્ની, ત્રણ સંતાનો, માતાપિતા, ભાઈ, બહેન અને બહેનનો પુત્ર અને પોતે એમ દસ જણનો પરિવાર હોય ત્યારે આવું સાહસ કરાય? આવો સવાલ ઉદયભાઈને ન થયો, કારણ કે એમને પત્નીનો સંગાથ હતો, ટેકો હતો, પ્રેમ હતો, વિશ્ર્વાસ હતો. એને પગલે આવું જોખમ લેવા ઉદયભાઈની છાતી ન ડગી, ન થડકી. પત્નીને આજે પતિનું ગૌરવ છે અને ‘ઘરનો ખરચ’ નીકળી જાય છે પછી ચિંતા શી કરવાની એવી વૃત્તિ છે એટલે ઉદયભાઈ બાજી જીતી ગયા છે.

જોકે, અહીં બીજી પણ ધ્યાનમાં લેવાની વાત એવી છે કે, ઉદયભાઈ મધ્યમ વર્ગમાં પણ સંઘર્ષરત કુટુંબમાંથી આવે છે અને માથા પર અનેક જવાબદારીઓ સાથે જીવન ગાળે છે. એમના કુટુંબની સ્થિતિ જોતાં આવા પ્રકારે વ્યવસાય કરવા માટે માણસમાં ઠંડી હિંમત જોઈએ પ૬ ઈંચની નહીં પણ ૭૨ ઈંચની છાતી જોઈએ, મક્કમ માન્યતા અને નક્કર દૃઢતા હોવી જોઈએ અને એમાં માણસ માટે, જાત માટે, પોતાના કામ માટે પ્રેમનો ઉમેરો થવો જોઈએ તથા ગ્રાહક માટે માન હોવું જોઈએ. આ બધા ગુણો આ માણસમાં છે એટલે તેઓ પોતાના વાહન સાથે પ્રેમનો મેળો હંકારે છે અને લોકોને મેળાના રંગે રંગે છે.

ઉદયભાઈના ક્ધસેપ્ટ જેવી જ રીતે અમદાવાદના સી. જી. રોડ પરની એક કેફે ચાલે છે. ઉદયભાઈને આ કામ કરવાની પ્રેરણા ગાંધી આશ્રમમાં આવેલી એક સ્વયંસેવી સંસ્થામાંથી મળી હતી. આ સંસ્થા વંચિતો માટે, ખાસ કરીને બાળકોના ઉત્કર્ષ માટે કામ કરે છે. નવતર અર્થતંત્રને અમલમાં મૂકી રિક્ષા હંકારવાના બીજ ઉદયભાઈને અહીંથી મળેલા. ઉદયભાઈનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો હોવા છતાં અમદાવાદને કારણે જન્મથી મળતી લાક્ષણિકતાઓ તેમનામાં નથી!

અત્યારે અખબારો એમની વાત છાપે એટલી ઊંચાઈ ઉદયભાઈએ મેળવી લીધી છે. એમની રિક્ષામાં અનેક મહાનુભાવો બેઠા છે અને દરેક જણે એમને, એમની કાર્યપદ્ધતિથી તાજુબ્બ થઈ વખાણ કર્યા છે.

સ્ત્રોત: મુંબઈ સમાચાર

Leave a Reply

error: Content is protected !!