હું તારો વિદ્યાર્થી છુ – એક શિક્ષકની વાંચવા જેવી વાત

ઘોઘા દરવાજે એ મળ્યો. મને જોતાં જ ઉમંગથી ઝુકીને મને નમસ્કાર કર્યા. હું પ્રસન્નપણે એને જોઈ રહ્યો. બી.એ.માં હતો ત્યારે મારા વર્ગમાં બેઠો બેઠો ધ્યાનપૂર્વક મારી વાતો સાંભળતો એટલે એનો ચહેરો પરિચિત હતો. પણ એ વખતના સાદાં કપડાં અને અત્યારના જરા ઠીકઠાક પરિધાનથી મારી પ્રસન્નતામાં કંઈક ચમક આવી ગઈ. એ તે પામી ગયો હોય એમ બોલ્યો : ‘સર, મને નોકરી મળી ગઈ છે.’

‘બહુ સરસ. અત્યારે નોકરી મળવી મુશ્કેલ છે. તું ભાગ્યશાળી કે તને તરત જ નોકરી મળી ગઈ.’ મેં મારી ખુશી જણાવી.

એણે વિનયપૂર્વક કહ્યું : ‘તમારા આશીર્વાદ, સર.’

‘અરે, એમાં મારા આશીર્વાદ શા કામના ! તારી હોશિયારી, મહેનત અને નસીબ જ સારું પરિણામ લાવે.’ મેં ખુલાસો કર્યો. કારણ કે, ત્રણ વર્ષના એના અભ્યાસકાળમાં એ મને કોલેજમાં બે-ત્રણ વાર મળ્યો હશે. અમારી વચ્ચે એવી કાંઈ પરિચિતતા નહોતી કેળવાઈ કે અમે વારંવાર મળીએ, વધુ નજીક આવીએ, અંતરંગ બની જઈએ કે પછી હું એની નોકરી વગેરે જેવી બાબતોની ચિંતા કરતો હોઉં. પછી એના બોલવામાં ડોકાયેલા જશને ખોટી રીતે ગુંજે ભરવામાં મને સંકોચ થયો.

‘ગમે તેમ સાહેબ, પણ મને સમયસર નોકરી મળી ગઈ એનો મને વધુ આનંદ છે.’ કહેતાં કહેતાં એનો કંઠ ભીંજાઈ ગયો. મારા ચહેરા પરથી નજર હટાવીને મનોમન બોલતો હોય એમ બોલ્યો :

‘નોકરી ન મળી હોત તો અમારું શું થાત ?’

‘કેમ ?’

‘મારા પિતાજી તો હું નાનો હતો ત્યારે ચાલી ગયેલા. ઘરમાં એક ભાઈ, એક બહેન અને બા. બાએ મને મહેનત મજૂરી કરીને ભણાવ્યો. હવે એ બિમાર પડી છે. વચ્ચે તો ટંક છાંડી જઈએ એવાય દિવસો હતાં.’ હું પણ ગંભીર થઈ ગયો. પણ હવે એ ભૂતકાળમાં આંટા લગાવીને દુઃખી થવાની જરૂર નથી, એમ સમજીને મેં વાત બદલવાની કોશિશ કરી.

‘અચ્છા, નોકરી શાની છે એ તો કહે ?’

એણે ગર્વથી કહ્યું : ‘તલાટી-કમ-મંત્રીની, સર. બાજુના ગામમાં જ.’

‘વાહ, ગામડામાં મંત્રી તો રાજા જ કહેવાય. પૂરી બાદશાહી. હવે જલસા કર.’
‘તમારા આશીર્વાદ, સાહેબ.’ ફરી એમ જ બોલીને છૂટો પડ્યો. એકવાર ડોકું ઘુમાવીને મેં એને જોયો. ઉત્સાહથી ડગલાં માંડતો જતો હતો.

એ દિવસોમાં મને રોજ સાંજે બજારમાં આંટો લગાવવાની ટેવ. એકાદ વરસ થયું હશે. એ જ સ્થળે એ ફરી સામો આવી ઊભો. મને નમસ્કાર કર્યા. મેં જોયું કે એના દિદાર ફરી ગયા હતા. એ સાદા કફની લેંઘામાં હતો અને ચહેરો શાંત હતો. મને થયું, નજીકનું કોઈ સગુંવહાલું ગુજરી ગયું હશે કારણ કે એ કહેતો હતો ને કે એની મા બિમાર છે. ગમે તેમ પણ મને એની વાત કાઢવાનું મન ન થયું. કોઈને સીધું જ એમ પૂછીએ કે કોઈનું અવસાન થયું છે તો કેવું લાગે ? એટલે મેં એમ જ પૂછ્યું : ‘કેમ ચાલે છે તારી નોકરી ?’

ક્ષણવાર એ મારી સામું જોઈ રહ્યો. પછી એની આંખોમાં ચમક આવી અને હોઠ મરક્યા. પછી સહેજ આડું જોઈને બોલ્યો : ‘એ નોકરી મેં છોડી દીધી, સર.’

હું હચમચી ગયો.

‘કેમ ? કેમ ? તું તો ખૂબ જ જરૂરિયાતમંદ છો અને નોકરી પણ મજાની કહેવાય ! વળી કોઈ કામ કરતા તું થાકે-કંટાળે એવો તો છો નહિ. પછી….?’

‘છ મહિનામાં કામથી નહિ સાહેબ, નકામા વ્યવહારથી મને એ નોકરી પર નફરત થઈ ગઈ છે.’ હું વાત પામી ગયો. નસ-નસમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આને પણ અભડાવી ગયો હશે. તોય હું સમાધાનકારી વાતે વળ્યો.

‘તારી વાત સાચી છે. પણ આપ ભલા તો જગ ભલા. આપણે એવા વ્યવહારોથી અલિપ્ત રહીને નોકરી કરીએ ને….’

‘મેં ત્રણચાર મહિના એવા પ્રયત્નો કરી જોયા. પરંતુ કીચડમાં ચાલીએ અને ખરડાઈ નહિ એવું કેમ બને ? આપણે ન કરીએ તો અધિકારીઓ આપણા નામે હાંકે, એમાં રહેવું કેવી રીતે ? આપણે કંઈ ન કરી શકીએ તો પણ આપણો આત્મા સતત ડંખ્યા કરે.’

હું ચૂપ થઈ ગયો. આ ઉંમરે અને આ પરિસ્થિતિમાંય એને જીવનમૂલ્યોની ખેવના છે એ જાણીને મને એના પર માન થયું.

‘તારી વાત સાચી પણ આત્મા જે દેહમાં વસે છે એના નિર્વાહ માટેય વિચારવું પડે ને.’ મેં વાસ્તવિકતાને સામે ધરી. એણે મારી આંખોમાં આંખો પરોવી છાતીમાં હવા ભરી અને એક એક શબ્દ છુટો પાડીને બોલ્યો : ‘સાહેબ, હું તમારો વિદ્યાર્થી છું. હલકી બાબતોમાં બાંધછોડ કરવાનું તમે ક્યાં શીખવ્યું છે !’ હું દિંગ થઈ ગયો. મેં ? મેં શું શીખવ્યું છે ? હા, અભ્યાસક્રમમાં ચાલતી કથા, વાર્તા, કવિતાઓની કૃતિઓમાં તો જીવનના આદર્શોની વાતો હોય જ. હા, હું ગાંધીયન ચિંતન અને સરદારના ભાવનાશીલ શાસન વચ્ચે ઊછરેલો-ભણેલો એટલે જીવન વિશેનો મારો અભિગમ આદર્શવાદી રહ્યો હોય તે સ્વાભાવિક છે. પણ વર્ગમાં ઉત્સાહપૂર્વક કરેલી આવી વાતો કોઈના હૃદયને સોંસરવી ઊતરી જાય એ આશ્ચર્ય !

મને ચૂપ જોઈને એ હળવાશથી બોલ્યો :

‘ચિંતા કરવાની જરૂર નથી, સર. મને મારા ગામમાં શિક્ષક તરીકેની નોકરી મળી ગઈ છે. અત્યારે હંગામી ધોરણે છે, પણ ભવિષ્યે કાયમી થઈ જઈશ એવી આશા છે.’ અમે સસ્મિત એકબીજા સામુ જોઈ રહ્યા. ‘પછી મળીશ’ કહીને એ ચાલતો થયો. ક્ષણવાર એની ટટ્ટાર ચાલને હું જોઈ રહ્યો. ખાર દરવાજા તરફ ચાલ્યો. ત્યારે મેં અનુભવ્યું કે મારી ચાલ સાવ ધીમી પડી ગઈ છે. એના સંવાદે મારા માનસનો કબજો કરી લીધો. અરે, એક શિક્ષકના શબ્દો કોઈના જીવન પર આવી અસર પણ કરી શકે ? તો, શિક્ષકે પિસ્તાલીસ મિનિટ કાપવાં એલફેલ-આડુંઅવળું તો ન જ બોલાય ને.

એ પ્રસંગ પછી મેં પચ્ચીસેક વરસ અધ્યાપક તરીકે નોકરી કરી. પણ દરેક પિરીયડ વખતે મારામાં આ સાવધાની આવી બેસતી. અને પછી તો એ સભાનતા મારું લક્ષણ બની ગઈ. એનાથી મને પણ જીવનમાં મજા આવી. હા, એક ખટકો હજી પણ છે. એ પછી એ મને ભેગો થયો નથી. નહીંતર, મારે એને કહેવું હતું કે, ‘તું મારો નહિ, હું તારો વિદ્યાર્થી છું !

‘માય ડિયર જયુ’ ઉપનામથી લખતા શ્રી જયંતીભાઈ ગોહેલનો આ લેખ ‘વિદ્યાસૃષ્ટિ’ સામાયિકમાંથી સાભાર લેવામાં આવ્યો છે

આભાર: રીડ ગુજરાતી

 

Leave a Reply

error: Content is protected !!