અબ્દુલ કલામે આપેલી અનાથાલયના બાળકોને ઇફતાર પાર્ટી – જાણો છો?

2002ના વર્ષની આ વાત છે.

ડો.એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે ભારતના રાષ્ટ્રપતિનો હોદો સંભાળ્યો અને થોડા સમય બાદ પવિત્ર રમઝાન માસ આવ્યો. વર્ષોથી રાષ્ટ્રપતિ ભવનની એક પ્રણાલીકા રહી છે કે રમઝાન માસમાં ભારતના રાષ્ટ્રપતિ દેશની ગણમાન્ય મોટી-મોટી હસ્તીઓને ઇફતાર પાર્ટી આપે.

આ વખતે તો રાષ્ટ્રપતિ પોતે જ મુસ્લીમ હતા એટલે રમઝાનની ઇફતારનું જોરદાર આયોજન કરવાનું રાષ્ટ્રપતિ ભવને નક્કી કર્યુ. ડો.કલામે એમના મિત્ર જેવા પી.એમ.નાયરને કહ્યુ, “આ ઇફતાર પાર્ટીમાં તો બધા ધનિક લોકો જ આવે. એ લોકોને જમાડો કે ન જમાડો એનાથી શું ફેર પડવાનો. આપણે ઇફતાર પાર્ટી કરીને આવા ધનવાનોને નથી જમાડવા એ તો રોજ સારુ-સારુ જમે જ છે. આપણે અનાથાલયના બાળકોને સરસ ભોજન કરાવીએ. તમે તપાસ કરો કે ઇફતાર પાર્ટીનું આયોજન કરીએ તો એનો કેટલો ખર્ચો થાય ?”

પી.એમ.નાયરે આ બાબતે તપાસ કરી અને ડો.કલામને કહ્યુ,”સર, ઇફતાર પાર્ટી માટે લગભગ 22 લાખ જેટલો ખર્ચો થાય”. ડો.કલામે કહ્યુ, “તમે ટીમ બનાવો અને અનાથાલયોના બાળકો માટે કપડા, ધાબળા, મિઠાઇ વગેરેની વ્યવસ્થા કરાવો. આપણે નાના-નાના બાળકોને રાજી કરવા છે. બાળકો રાજી થશે તો અલ્લાહ રાજી જ છે. ગરીબ ઘરના બાલકોની ખુશી એ જ આપણા માટે ઇફતાર પાર્ટી.”

પી.એમ.નાયરે સુચના મુજબ બધી તૈયારી શરુ કરાવી. ડો.કલામે નાયરને બોલાવીને વધારાનો એક લાખનો ચેક આપ્યો અને કહ્યુ, ” નિયમ મુજબ સરકારી તિજોરીમાંથી તો ખર્ચો કરવાના જ છો પણ આ નાની એવી રકમ હું મારી અંગત બચતમાંથી આપુ છું. બીજા કોઇને આ વાત ન કરતા. આ રકમ પણ બાળકો માટે વાપરો”

ડો. કલામ 2007 સુધી ભારતના રાષ્ટ્રપતિ હતા. મુસલમાન હોવા છતા આ પાંચ વર્ષનાસમયગાળા દરમ્યાન એણે એક પણ ઇફતાર પાર્ટી રાખી નથી. દર વર્ષે ઇફતાર પાર્ટી પાછળ કરવાનો ખર્ચ ગરીબ બાળકોને રાજી કરવા માટે કરવામાં આવતો હતો.

તમે કદાચ એ સમાચાર તો વાંચ્યા હશે કે ડો.કલામે એના 50 સગા સંબંધીઓને દિલ્હી જોવા માટે બોલાવેલા પરંતું એ ખબર નહી હોય કે આ 50 જણાના રહેવા જમવાનો ખર્ચ સરકારી તીજોરીમાંથી નથી ચૂકવાયો પરંતું ડો.કલામે એની અંગત બચતમાંથી 2 લાખ ચૂકવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનના ઇતિહાસમાં એવુ પહેલીવાર બન્યુ હતુ કે રાષ્ટ્રપતિના મહેમાનોનો ખર્ચ રાષ્ટ્રપતિએ પોતે જ ભોગવ્યો હોય.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!