અને જયારે ગુજરાતી બ્રાહ્મણે બચાવી પટેલ દીકરીની લાજ…

brahmin-saved-patel-daughter-min

વર્ષો પહેલાની વાત છે. અલ્લાઉદ્દીનના શાસનકાળ દરમિયાન દિલ્હી, કનોજ પર થઈને સરદાર જહાનરોઝ ગુજરાત પર ચડી આવ્યો હતો. તેની સેનાએ ગુજરાતની ધરતી પર તંબુ તાંણ્યા હતા. જહાનરોઝે ઉંઝા ગામના પટેલ હેમાળાની દિકરી ગંગાની સુંદરતાના વખાણ સાંભળ્યા અને સૈનિકોને મોકલી ગંગાને પોતાના જનાનખાનામાં લાવવાનો આદેશ કર્યો. ગંગાને મુસ્લિમ સલ્તનતના સૈનિકો લઈ જઈ રહ્યા છે એ જોઇ હેમાળા પોતાની દિકરીને બચાવવા માટે બ્રાહ્મણ સરદાર પાસે ગયા.
એ સમયે મુસ્લિમ સલ્તનત બ્રાહ્મણોનું માન જાળવતી. પેલા બ્રાહ્મણે સરદાર જહાનરોઝને કહ્યું કે આ મારી દિકરી છે તેને છોડી દો. પણ સરદાર એમ માન્યો નહીં. સરદારે આ વાતની ખાતરી કરવા બ્રાહ્મણ પાસે શરત મુકી કે જો આ તમારી દિકરી હોય તો તેની સાથે ભોજન લો. સરદારને એમ હતું કે જો આ છોકરી બ્રાહ્મણ નહીં હોય તો આ બ્રાહ્મણ તેની સાથે નહીં જમે. પણ જહાનરોઝનો આ દાવ પણ નકામો ગયો. બધાના આશ્ચર્ય વચ્ચે બ્રાહ્મણે ગંગાના હાથનું ભોજન લીધું. આ ખાતરી થતા જહાનરોઝે ગંગાને છોડી દીધી.
પણ પછી પેલા બ્રાહ્મણની કરુણતા શરૂ થઇ. આ બ્રાહ્મણને નાતે નાતબહાર કર્યા. જો કે પટેલોએ તેને આસરો આપ્યો. પટેલની દિકરીને બચાવવાને કારણે પટેલોએ તેને ઘર, જમીન આપી. બાદમાં ગોરપદું છોડી આ બ્રાહ્મણે રોજીરોટી માટે ભવાઈ શરુ કરી. ખેતરના કામ કરી થાકેલા પટેલ ખેડૂતોને તે ભવાઈ કરી મનોરંજન પીરસતા. આ ખમીરવંતા બ્રાહ્મણ એટલે ગુજરાતમાં ભવાઈના પિતા અસાઈત ઠાકર કે જે પાછળથી અસાઈત નાયક તરીકે આળખાયા. આમ, એક બ્રાહ્મણે પટેલની દિકરીની લાજ બચાવી અને માણસાઈના દિવા પ્રગટાવ્યા હતા.
આ પ્રસંગને આપણા મહાન નાટ્યકાર (ભવાઈકાર) જયશંકર સુંદરીએ પોતાના એક વ્યાખ્યાનમાં વર્ણવ્યો હતો, જેની એ સમયના ‘પ્રસ્થાન’ સામાયિકે પણ નોંધ લીધી હતી- સત્ય ઘટના

Leave a Reply

error: Content is protected !!