બાપ એવા બેટા હોય – બાપથી થાકે એવા બેટા ના હોય ! સહમત?

father-son-conversation-min

એક યુવાન પોતાના વૃધ્ધ પિતા સાથે બગીચામાં બેઠો હતો. પિતાએ ઝાડ પર આંગળી ચીંધીને દિકરાને પુછ્યુ , “ બેટા પેલુ ક્યુ પક્ષી બેઠુ છે.” દિકરાએ ઉંચુ જોયુ અને સાવ લુખ્ખો ઉતર આપ્યો, “ કાગડો છે.” થોડીવાર પછી પિતાએ ફરીથી પક્ષી બતાવીને પુછ્યુ , “ બેટા, આ કયુ પક્ષી છે..?” થોડા ગુસ્સા સાથે દિકરાએ જવાબ આપ્યો, “એક વાર તો કહ્યુ તમને કે એ કાગડો છે.”

થોડા સમય પછી પિતાએ ફરીથી દિકરાને પુછ્યુ , “ જો બેટા , પેલુ ક્યુ પક્ષી બેઠુ છે..?” હવે દિકરાથી ના રહેવાયુ એ પિતા પર તાડુક્યો , “ શું ક્યારના મંડી પડ્યા છો, ક્યુ પક્ષી છે.. ? કયુ પક્ષી છે..? કેટલી વાર તમને કહેવું કે એ કાગડો છે. યાદ ન રહેતુ હોય તો ના પુછાય. શાંતીથી મુંગા બેસી રહેવાય.”

દિકરાનો બળાપો પુરો થયો એટલે પિતાએ કહ્યુ , “ બેટા તું નાનો હતો ત્યારે હું તને લઇને આ જ બગીચામાં આવતો. મારા ખોળામાં બેસીને તે આ જ સવાલ મને 134 વાર પુછ્યો હતો અને મે દરેક વખતે હસતા ચહેરે તને ગાલ પર ચુંબન કરીને જવાબ આપ્યો હતો. મેં તો હજુ માત્ર 3 વાર પુછ્યુ ત્યાં તો તું ખીજાઇ ગયો.મા-બાપ અને સંતાનોના પ્રેમમાં આ જ તફાવત છે બેટા, પણ એ તને અત્યારે નહી સમજાય તારો દિકરો મોટો થશે ત્યારે તને પણ ખબર પડશે.”

..આપણે નાના હતા ત્યારે માતા-પિતાએ પોતની ફરજો પુરી ઇમાનદારીથી નિભાવી છે હવે આપણો વારો છે. અમુક સમય પછી જ્યારે માતા-પિતાનું વર્તન નાના બાળક જેવું થવા માંડે ત્યારે સંતાન મટીને આપણે એના માતા-પિતા બની જવુ અને એણે આપણા માટે જે કર્યુ હતુ એ આપણે એના માટે પણ કરવું.

– શૈલેશ સગપરીયા

Leave a Reply

error: Content is protected !!