પોતાની હોટેલ છોડીને ગરીબ દર્દીઓ ને મફત જમવાનું પીરસનાર હરખચંદભાઈ

મુંબઇમાં ટાટા કેન્સર હોસ્પીટલની બહાર ઉભો ઉભો એક 30 વર્ષનો યુવાન કંઇક નિરિક્ષણ કરી રહ્યો હતો. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આ યુવાનના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાતા ગયા. ત્યાંથી પસાર થતા લોકો આ યુવાનની લાચાર સ્થિતીને જોઇને મનમા વિચારતા હતા કે બીચારો પોતાના કોઇ સગાવહાલાની સારવાર કરાવવા માટે આ હોસ્પીટલમાં આવ્યો હશે અને હવે પોતાના સ્નેહીને કાયમ માટે ખોઇ દેવાના ભયથી આમ ગાંડાની જેમ ત્યાંથી પસાર થઇ રહેલા માણસોને જોઇ રહ્યો છે.

વાસ્તવિકતા કંઇક જુદી જ હતી. આ યુવાનના કોઇ સગા-સંબંધીને હોસ્પીટલમાં દાખલ કરેલા ન હતા. યુવાન તો માત્ર મૃત્યુના દરવાજા પર આવતા દર્દીઓ અને અને તેના સંબંધીઓના ચહેરાને વાંચી રહ્યો હતો. નાના નાના ગામડામાંથી સાવ સામાન્ય સ્થિતીના અનેક લોકો આ કેન્સર હોસ્પીટલમાં સારવાર કરાવવા માટે આવતા હતા. ક્યાં જવુ ?, ક્યાં રહેવુ?, શું ખાવુ?, દવા ક્યાંથી લાવવી? આવા ઢગલાબંધ પ્રશ્નો હતા આ બિચારા ગામડીયા લોકોના, પણ મદદ કરનાર કોઇ ન હતુ.

આ બધા લોકોને જોઇ રહેલા પેલા યુવાનને આ સામાન્ય લોકો માટે કંઇક કરવાની ઇચ્છા થઇ. આંખમાં આંસુ સાથે એ હોસ્પીટલ છોડીને ઘરે આવ્યો પણ એને નહોતુ ખાવુ ભાવતુ કે નહોતી ઉંઘ આવતી. આ લાચાર અવસ્થામાં કેન્સરની સારવાર કરાવવા આવતા લોકો માટે હું શું કરી શકુ? આ બધા મારા સગા ભાઇબહેન ભલે ન હોય પણ એક જ ભગવાનના સંતાન હોવાના નાતે તો મારા ભાઇબહેન જ છે. મારે આ બધા માટે કંઇક કરવુ છે.

આ યુવાને પોતાની હોટલ અને બીઝનેશ બીજાના હવાલે કર્યો અને એમાંથી જે કંઇપણ રકમ મળી તેમાંથી નાના પાયા પર એકલા હાથે ટાટા કેન્સર હોસ્પીટલની સામે જ પોતાની સેવાની પરબ ચાલુ કરી. દર્દી અને દર્દીના સગાને મફત ભોજન અને મફત દવા આપવાની શરુ કરી. આજથી 27 વર્ષ પહેલા એકલપંડે માત્ર થોડા લોકોને મદદ કરતો આ યુવાન આજે 57 વર્ષની ઉંમરે રોજના 700થી વધુ દર્દીઓ અને એના સંબંધીઓને મફત જમવાની તથા મફત દવાની સેવા પુરી પાડે છે.

એમણે જીવનજ્યોત ટ્રસ્ટની સ્થાપના કરી છે અને આ ટ્રસ્ટ માનવસેવાના 62 જેટલા વિવિધ પ્રોજેક્ટ ચલાવે છે. એમણે ‘દવાની બેંક’ શરુ કરી કે જ્યાં દવાઓ દાનમાં મળે અને એ દવાઓ જરુરીયાત વાળા લોકોને પહોંચે. આ કામગીરી માટે એમણે 3 ફાર્માસીસ્ટને પણ રાખેલા છે. એમણે એક ‘રમકડાની બેંક’ પણ સ્થાપી છે જ્યાં લોકો પોતાને ત્યાં વધારાના રમકડા હોય તો આ બેંકમાં જમા કરાવે અને આ રમકડા કેન્સરથી પીડાતા નાના-નાના બાળકોને આપવામાં આવે કે જેથી આ નાના ભૂલકાઓ યમરાજાથી ડરવાને બદલે રમકડાથી રમી શકે.

27 વર્ષથી માનવસેવાનો ભેખ ધારણ કરનાર આ ઓલિયાનું નામ છે હરખચંદ સાવલા. હરખચંદને કોઇ મોટા એવોર્ડસ કે સન્માન નથી મળ્યા અને છતાય આ માણસ ટાઢ, તાપ કે વરસાદને અવગણીને સતત કેન્સર પીડીતોની સેવા કરી રહ્યો છે.

આપણે નાનુ સેવાકાર્ય કરીને પણ ફળની અપેક્ષા રાખીએ છીએ અને આપણી એ સેવાની કોઇ નોંધ ન લે તો દુ:ખી થઇ જઇએ છીએ. હરખચંદ સાવલાના સેવા કાર્યની જેટલી લેવાવી જોઇએ એટલી નોંધ નથી લેવાઇ અને તો પણ એ મોજથી સેવા કરે છે.

– શૈલેશભાઈ સગપરીયા
શૈલેશભાઈ સગપરીયાના લોકપ્રિય પુસ્તકો ઘરે બેઠા ઓર્ડર કરવા અહી ક્લિક કરો

Leave a Reply

error: Content is protected !!