પ્રેમથી જીવનના દરેક દુખો ને ભૂલી જાય એનું નામ જ સુખી દાંપત્યજીવન – સત્ય ઘટના

અમેરિકામાં અમે શિકાગોનું પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ જોવા ગયા હતા. એક પછી એક વિભાગ જોવાતા જતા હતા..આંખોમાં આશ્ર્વર્ય અંજાતું જતું હતું..અને મનમાં આનંદ ઉભરાતો હતો. સબમરીનની સફર કરીને અમે બીજા વિભાગમાં જતા હતા. અમારી સાથે આધેડ ઉમરનું એક ગોરું કપલ પણ ફરતું હતું. અહીંની સામાન્ય પ્રણાલિકા પ્રમાણે બંનેએ એકમેકનો હાથ પકડયો હતો. બંને એકબીજાની એક્દમ નિકટ રહીને ચાલતા હતા.

મારું ધ્યાન કયારનું એ દંપતી પર જતું હતું. સ્ત્રી નાના બાળકની જેમ કુતુહલથી એક પછી એક પ્રશ્ન પૂછતી જતી હતી. અને પુરૂષ એક એક વસ્તુનું વિગતવાર વર્ણન કરતો જતો હતો. મને આશ્ર્વર્ય થયું કે સાવ સામાન્ય દ્રશ્ય કે વસ્તુનું વર્ણન કરવાનું પણ એ ચૂકતો નહોતો. જાણે એની પત્નીને કંઇ ખબર જ ન પડતી હોય પોતાને એક ને જ જાણે બધી સમજ પડતી હોય..

અરે, આ વાઇટ સબમરીન જોઇ ? અને આ ગ્રીન ટોરટોઇઝ ! વાઉ.. કેવો મજાનો રંગ છે. અને બાપ રે..આ લાયન..

મને નવાઇ લાગતી હતી.. અને એના બડબડાટ પર થોડૉ ગુસ્સો પણ આવતો હતો. જરાવાર મૂંગો નથી રહી શકતો ? બીજાને ડીસ્ટર્બ થાય છે એનો યે ખ્યાલ નથી રખાતો ?

અને આ સ્ત્રી પણ ખરી છે ! પતિને સારું લગાડવા હસી હસીને નાના બાળકની જેમ બધું પૂછતી રહે છે. અને પુરૂષ થાકયા સિવાય હોંશે હોંશે જવાબ આપતો રહે છે. નાની એવી કોઇ વાત પર બંને ખડખડાટ હસી પડતા હતા. પરમ પ્રસન્નતા બંનેના ચહેરા પર છલકતી હતી.

પૂરા ચાર કલાક અમે લગભગ સાથે સાથે જ ફરતા હતા.
હવે અમે થાકયા હતા. અને ભૂખ પણ કકડીને લાગી હતી. અમે મ્યુઝિયમના રેસ્ટોરંટમાં ગયા. પેલું દંપતી પણ ત્યાં અમારી બાજુમાં જ ગોઠવાયું.

અને પુરૂષે અમને સોરી કહ્યું , માર્થા જોઇ શકતી નથી. તેથી મારે સતત બોલીબોલીને એને બધું દેખાડવું પડતું હતું. તમને ડીસ્ટર્બ થયું હશે.. પણ..

ત્યાં જ માર્થા બોલી ઉઠી..
ના..ના..હું જોઇ શકું છું. ફરક ફકત એટલો જ છે કે પહેલા મારી આંખે જોતી હતી. હવે જહોનની આંખે જોઉં છું. અને તે મીઠું હસી રહી. મારે લીધે ઘણાંને ડીસ્ટર્બ થતું હોય છે.. વી આર રીયલી સોરી.. .
હવે દિલગીર થવાનો વારો અમારો હતો.

હું શબ્દ વિહોણી બની હતી. ગુસ્સાનું સ્થાન અહોભાવ અને કરૂણાએ લીધું હતું.

મનમાં એક વિચાર પણ ઝબકી ગયો. ભારતીય સંસ્કૃતિની મોટી મોટી વાતો કરતા આપણે આની જગ્યાએ હોઇએ તો શું કરીએ ? આટલી ધીરજથી..સ્નેહથી કયો પતિ આ ઉમરે પોતાની અંધપત્નીને આમ મ્યુઝિયમ જોવા લઇ જતો હશે ? અંધને વળી મ્યુઝિયમ જોવા થોડું લઇ જવાય ? એવી માન્યતા સામાન્ય રીતે આપણા સમાજમાં જોવા મળતી હોય છે. જયારે અહીં શારીરિક તકલીફ ગમે તે હોય જીવનને માણવાની કોઇ તક ચૂકતા નથી.

આ દંપતીને મારાથી મનોમન સલામ થઇ ગયા. પ્રેમની કોઇ વાત બે વચ્ચે નહોતી થઇ અને છતાં તેમની વચ્ચે પ્રેમનો પ્રકાશ ઝળહળતો હતો એમાં કોઈ શંકા નહોતી

– નીલમ દોશી

This Article is Protected with Copyright © 2017 with Nilam Doshi. All rights reserved with Author.

Leave a Reply

error: Content is protected !!